આર્થિક, વ્યાપારી, સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રે ચીને હરણફાળ ભરીને દુનિયાના વિકસિત તેમજ વિકાસશીલ દેશોને ક્યાંય પાછળ રાખી દીધા છે એ જાણીતી વાત છે. સહેજ ઓછી (તેમજ ભારતે શીખ લેવા જેવી) વાત એ કે હરીફ દેશોને ઓવરટેક કરી ગયેલું ચીન હવે શિક્ષણની બાબતે પણ નંબર વનનો દરજ્જો પ્રાપ્ત કરવા જઇ રહ્યું છે. એક તાજા સમાચાર મુજબ ચીનના શિક્ષણખાતાએ થોડા દિવસ પહેલાં દેશની પ્રાઇમરી એજ્યુકેશન સિસ્ટમમાં સુધારા આણતો દસેક મુદ્દાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો અને દેશવ્યાપી ધોરણે રાતોરાત તેને અમલમાં પણ મૂકી દીધો. આ કાર્યક્રમ મુજબ ચીનની સરકારી કે ખાનગી સ્કૂલોએ હવેથી ૧ થી ૬ ધોરણના વિદ્યાર્થીઓને homework/ગૃહકાર્ય આપવાનું નથી. હોમવર્કની અવેજીમાં દરેક સ્કૂલે વાલીઓના સહયોગમાં વિદ્યાર્થીઓને વિવિધ મ્યૂઝિઅમ્સની, ફેક્ટરીની, એરપોર્ટની, રેલવે સ્ટેશનની તેમજ લાઇબ્રેરીની મુલાકાત કરાવવાની રહેશે. મુલાકાત દરમ્યાન જોયેલી-જાણેલી ચીજવસ્તુઓનું તેમજ જાતઅનુભવોનું વિવરણ વિદ્યાર્થીએ ત્યાર બાદ પોતાની ભાષામાં સ્કૂલશિક્ષક સમક્ષ લેખિત યા મૌખિક સ્વરૂપે રજૂ કરવું રહ્યું.
શૈક્ષણિક સુધારણા કાર્યક્રમના બીજા મુદ્દા મુજબ ચીનની સ્કૂલોએ પ્રાઇમરીના વિદ્યાર્થીઓની અઠવાડિક તેમજ માસિક પરીક્ષાની સંખ્યામાં ઘટાડો કરી દેવાનો છે, જ્યારે ત્રીજો મુદ્દો પરીક્ષાનું ૧૦૦ માર્ક્સવાળું પરંપરાગત માળખું બદલવાનો છે. હવે નવી પ્રણાલિ મુજબ શિક્ષકે તેમના વિદ્યાર્થીઓને માર્ક્સ આપવાને બદલે તેમની યોગ્યતાનું મૂલ્યાંકન excellent, good, qualified, will-be qualified એ ચાર પૈકી એકાદ ગ્રેડ વડે કરવાનું છે. આમ કરવા પાછળનું કારણ ઓછા ગુણ પ્રાપ્ત કરી હતોત્સાહ થનાર તેમજ ભણતરથી વિમુખ થનાર વિદ્યાર્થીનો મોરાલ જાળવી રાખવાનો છે--અને જળવાય તે માત્ર જરૂરી નહિ, અનિવાર્ય છે. ચીનના શિક્ષણખાતાના ફરમાન અનુસાર સ્કૂલ ટાઇમ દરમ્યાન વિદ્યાર્થીઓ રમતગમતની તેમજ ‘જાતે બનાવો’ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં મિનિમમ ૧ કલાક વ્યસ્ત રહે તેની કાળજી ચીનની દરેક સ્કૂલે હવેથી લેવાની રહેશે. વિદ્યાર્થીના શારીરિક તેમજ માનસિક વિકાસ અંગેનો રિપોર્ટ પણ સ્કૂલોએ તૈયાર કરવો પડશે, જેનું શિક્ષણ ખાતાના અધિકારીઓ ગમે ત્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરશે. સ્કૂલટાઇમ પછી બાળકોને ટ્યૂશન ક્લાસમાં મૂકનાર વાલીઓ સામે તેમજ ટ્યૂશન ક્લાસ સામે ચીનના શિક્ષણખાતાએ કડક કાયદાકીય પગલાં લેવાનું નક્કી કર્યું છે.
ચીનની સ્કૂલ, જ્યાં બાળકોને ટેબ્લેટ કમ્પ્યૂટર વડે ઇન્ટરએક્ટીવ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. આજે ચીનમાં આવી શાળાઓનો તોટો નથી |
આ બધા તેમજ આના જેવા અનેક સુધારા ચીને તેના First Class Education કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ધોરણે સ્કૂલ-કોલેજમાં દર થોડા વખતે આણ્યા છે. આ ભગીરથ કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ કરાયો એ પહેલાં ચીનનું શિક્ષણતંત્ર ખાડે ગયેલું હતું. પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનાં તેમજ સાદા સરવાળા-બાદબાકી કરવાનાં ફાંફાં હતાં. ટૂંકમાં, નવી પેઢી દેશના વિકાસની ધરોહર બને તેવી સંભાવનાઓ પાંખી હતી. એકવીસમી સદીના સુપરપાવર બનવા માગતા ચીને છેવટે શિક્ષણવ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાનું નક્કી કર્યું અને First Class Education નામનો માસ્ટરપ્લાન ઘડી કાઢ્યો. વખત જતાં દેશનું ઘડતર કરનાર ખુદ નવી પેઢીના ઘડતરનો કાર્યક્રમ ૨૦૦૩માં શરૂ થયો અને સરકારી કાગળિયાં પૂરતો સીમિત રહેવાને બદલે પ્રેક્ટિકલ અમલીકરણ પામ્યો. નવી પેઢીને સ્કૂલ-કોલેજમાં કેવળ પુસ્તકિયું જ્ઞાન આપવાને બદલે તેમને ઇતર વાંચન તેમજ ઇતર પ્રવૃત્તિઓ વડે કેળવવાની (ખાસ તો વિચારતી કરવાની) જવાબદારી સરકારે પોતાના શિરે લીધી ત્યાર પછી ચીની બાળકોમાં સમજશક્તિ તેમજ તર્કશક્તિ ખીલવા લાગી. થોટ પ્રોસેસ ટોપ ગિઅરમાં આવી અને વાંચન પ્રત્યેનો અભિગમ કેળવાયો. આનો પુરાવો એ વાતે મળે કે પંદર વર્ષની વયના વિદ્યાર્થીઓનું ગણિત, વિજ્ઞાન તેમજ વાંચનકૌશલ ચકાસતી PISA/Programme for International Student Assessment નામની આંતરરાષ્ટ્રીય કસોટીમાં ચીની વિદ્યાર્થીઓએ ૨૦૦૯ની સાલમાં મેદાન મારી બતાવ્યું. PISA ની ટેસ્ટમાં કુલ ૭૪ દેશોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચીનનો ક્રમ સૌથી મોખરે રહ્યો. ભારતનો નંબર ૭૩મો હતો.
સુપરપાવર બનવાની રેસમાં ચીન આપણા કરતાં કેમ આગળ નીકળી ગયું તે સમજાવવું પડે ખરું ? દેશનું ભવિષ્ય નવી પેઢી છે અને તે બૌધિક રીતે ખીલે એ માટે શિક્ષણરૂપી ‘બોધીવૃક્ષ’નાં મૂળિયાં મજબૂત બનાવવાં જોઇએ. ચીન તે કામFirst Class Education કાર્યક્રમ વડે કરી રહ્યું છે. શિક્ષણ વ્યવસ્થાનાં મૂળિયાં જ ચાવી ગયેલા (છતાં મહાસત્તાના મનોરથો સેવતા) આપણા રાજકારણીઓ ચીનના એ પગલાનું અનુકરણ કરે તોય ભયોભયો !
Monday, June 3, 2013
ભારતની ભૂગોળ 'નવેસરથી' આંકતાં મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકો
ઇશાન દિશામાં આવેલો ૮૩,૭૪૩ ચોરસ કિલોમીટરનો તેમજ લગભગ ૧૧ લાખની આબાદીવાળો અરુણાચલ પ્રદેશ નામનો ભૌગોલિક ટુકડો છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતનાં સમાચાર માધ્યમોમાં ન્યૂઝ આઇટમ તરીકે વારંવાર ચમકે છે. ન્યૂઝનો વિષય સામાન્ય રીતે એ રાજ્યની સરહદે ચીની લશ્કરની હિલચાલનો તેમજ ઘૂસણખોરીનો હોય, પણ ગયા મહિને અરુણાચલ પ્રદેશનું નામ અલગ મુદ્દે ન્યૂઝ આઇટમ બનીને છાપાઓમાં ચમક્યું.
થયું એવું કે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તક મંડળે દસમા ધોરણના ભૂગોળની તેમજ અર્થશાસ્ત્રની નવી, અપડેટેડ ટેક્સ્ટબૂક બહાર પાડી, જેમાં બહુ મોટો છબરડો તેણે વાળ્યો. બેઉ વિષયોના પાઠ્યપુસ્તકમાં ભારતનો એવો ભૌગોલિક નકશો છપાયો કે જેમાં અરુણાચલ પ્રદેશનો નામોલ્લેખ ન હતો. ભારતના નકશામાંથી રાજ્ય બાકાત હતું; પડોશી દેશ ચીનના ભૌગોલિક મેપમાં તેને દર્શાવાયું હતું. આ ભૂલભરેલો નકશો ૧૭ લાખ પાઠ્યપુસ્તકોમાં મુદ્રણ પામ્યો. નવાઇ તો એ કે પુસ્તકોનું છાપકામ હાથ ધરાયું એ પહેલાં તેનાં તમામ પૃષ્ઠોનું ચકાસણીના નામે એકાદ-બે નહિ, પણ છ વખત પ્રૂફ-રીડિંગ થયું હતું. ડિઝાઇનિંગ, પ્રૂફ-રીડિંગ અને પ્રિન્ટિંગ એ ત્રણેય તબક્કે ભૂલના નામે આખેઆખો હાથી નીકળી ગયો અને અડધોઅડધ નકલોનું વિતરણ થઇ ચૂક્યું ત્યાર પછી જ છાપભૂલ તરફ ધ્યાન પડ્યું. મામલો છેવટે ‘Maharashtra board text book leaves Arunachal Pradesh out of India’ એવા મથાળા સાથે છાપે ચડ્યો ત્યારે મહારાષ્ટ્રનું શિક્ષણખાતું અટેન્શનમાં આવ્યું. ભૂલભરેલા નકશાવાળાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર તેણે રોક લગાવી અને કેટલાંક પુસ્તકોને બજારમાંથી પાછાં ખેંચી લીધાં. દરમ્યાન ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળાં લાખો પુસ્તકો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી ચૂક્યાં હતાં.
આ છબરડો છાપે ચડ્યા પછી મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળમાં ખળભળાટ મચવો સ્વાભાવિક હતો. ‘આ પ્રકારની ભૂલ કેમ થઇ ?’ અને ‘કોણ તે માટે જવાબદાર ?’ વગેરે જેવા ક્ષુલ્લક પ્રશ્નોના કારણો તેમજ તારણો શોધવામાં અધિકારીઓ વ્યસ્ત બન્યા. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારે પાઠ્યપુસ્તક મંડળમાં ભૂગોળના નિષ્ણાતોની કમિટીને ખોરવી નાખી અને ભૂગોળનાં તથા અર્થશાસ્ત્રનાં પાઠ્યપુસ્તકોમાં નકશામાં રહી ગયેલી ભૂલમાં સુધારો કર્યા બાદ તેમને ફરી વેચાણમાં મૂકવાની તજવીજો આરંભી. આ આઘાતજનક મામલો થાળે પડ્યો અને રાજ્ય સરકારે માંડ નિરાંતનો દમ લીધો ત્યાં બે દિવસ પછી મહારાષ્ટ્રના શિક્ષણખાતાની લાપરવાહીનો વધુ એક નમૂનો બહાર આવ્યો. આ વખતે ધોરણ ૧૦ના જ ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં ભારતનો રાજકીય નકશો ભૂલભરેલો છપાયેલો હોવાનું મીડિઆની જાણમાં આવ્યું. આ નકશામાં લક્ષદ્વીપ તથા આંદામાન-નિકોબાર ટાપુસમૂહ ગાયબ હતા. આ બન્ને કેંદ્રશાસિત પ્રદેશો ભારતનો રાજકીય તેમજ ભૌગોલિક હિસ્સો ગણાય, એટલે ભારતનો પોલિટિકલ મેપ દર્શાવતી વખતે એમાં તેમને સ્થાન આપવું જ રહ્યું. આમ છતાં મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકે બેઉ ટાપુસમૂહોને બાકાત રાખી છૂટછાટ લીધી. આ તેનો બીજો ગંભીર છબરડો હતો. ખરેખર તો અક્ષમ્ય હતો.
અહીં નોંધવું રહ્યું કે દેશનો ભૂલભરેલો નકશો ચિત્રના યા રેખાંકનના સ્વરૂપે દર્શાવવો, એવા નકશાનું વિતરણ કરવું અગર તો તેને રાખવો એ ભારતના Criminal Law Amendment Act 1961 કાયદાની કલમ હેઠળ ત્રણ વર્ષની સજાપાત્ર ફોજદારી ગુનો છે. આમ, તે કાયદાની રૂએ ભારતના ખોટા ભૌગોલિક નકશાવાળી ટેક્સ્ટબૂક છાપનાર અને તેનું વિતરણ કરનાર મહારાષ્ટ્રનું પાઠ્યપુસ્તક મંડળ તો ઠીક, એ ટેક્સ્ટબૂક વસાવનાર લાખો વિદ્યાર્થીઓ સુદ્ધાં ગુનેગાર ઠરે.
ઘણાં વર્ષ પહેલાં ઉદ્યોગપતિ નવીન જિંદાલે તેમના કાર્યાલયના મકાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યારે એ ‘ગુના’ બદલ તેમની સામે કેંદ્ર સરકારે કાનૂની પગલાં લીધાં. ભારતનો ભૂલભરેલો નકશો પ્રગટ કરવા બદલ કેંદ્ર સરકારે મહારાષ્ટ્ર પાઠ્યપુસ્તક મંડળ સામે હજી કોઇ કાયદાકીય પગલાં કેમ લીધાં નથી ? આખી ચર્ચાનો ટૂંક સાર છેવટે તો એ કે આઝાદીનાં ૬૬ વર્ષ પછીયે આપણે આપણા દેશનો સાચો નકશો દોરી શકતા નથી. ભારતનું પરીક્ષાલક્ષી શિક્ષણનું સ્તર વિદ્યાર્થીઓના માર્ક્સની એટલે કે ગુણની બાબતે ઊંચા શિખરે બિરાજેલું ભલે જણાય, પરંતુ ગુણવત્તાની બાબતે ઊંડી ખાઇમાં જઇ બેઠું છે.
બુનિયાદી શિક્ષ્ાણના ભારતમાં જ્યારે બાબુશાહી શિક્ષ્ાણનાં મૂળિયાં નખાયા
બ્રિટિશહિંદની ગવર્નર-જનરલ સલાહકાર સમિતિના સભ્ય થોમસ બેબિંગ્ટન મેકુલેએ વૈદિક તેમજ બુનિયાદી શિક્ષણ પ્રણાલિના ભારતમાં પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ દાખલ કરાવી તે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હમણાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં. આ ઐતિહાસિક બનાવ ભારત માટે ટ્રેજિક ટર્નિંગ પોઇન્ટ હતો. દેશનું ભવિષ્ય તેણે સદંતર બદલી નાખ્યું અને આર્યભટ્ટ, શ્રીધર, પાણિનિ, ચાણક્ય, કૌટિલ્ય, બ્રહ્મગુપ્ત, કણાદ, વરાહમિહિર, ભાસ્કર, ચરક, સુશ્રુત, બ્રહ્મદેવ, શ્રીપતિ, અચ્યુત પિષારટિ, નીલકંઠ સોમયાજી વગેરે જેવા વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓના દેશને વખત જતાં ડિગ્રીધારી સ્નાતકોના દેશમાં ફેરવી નાખ્યો. બ્રિટિશહિંદના ગોરા લાટસાહેબોને તેમના વહીવટી કામકાજમાં મદદરૂપ થઇ શકે તેવા 'શિક્ષિત' તેમજ અંગ્રેજીનું જ્ઞાન ધરાવતા બાબુઓની આવશ્યકતા હતી, એટલે થોમસ મેકુલેએ સૂચવેલી પ્રાથમિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં ૧૮૩૮માં દાખલ કરાઇ. ઓગસ્ટ, ૧૯૪૭માં અંગ્રેજોની વિદાય લીધી ત્યારે તેમની શિક્ષણ પ્રણાલિ ફગાવી દઇને બુનિયાદી તાલીમની મૂળ ભારતીય સિસ્ટમ જરૂરી ફેરફારો સાથે અમલમાં મૂકવાની જરૂર હતી. પરંતુ એમ ન બન્યું, એટલે આજે તેનું પરિણામ નજર સામે છે. શિક્ષણની ગુણવત્તા બાબતે ભારત કાઠું કાઢી શક્યું નથી. આ રહ્યું તેનું સજ્જડ ઉદાહારણ--
Programme for International Student Assessment/PISA કહેવાતી વૈશ્વિક સંસ્થા વિવિધ દેશોમાં ૧૫ વર્ષની વયના વિદ્યાર્થીઓનું વાંચન, ગણિત તેમજ વિજ્ઞાન ચકાસવા માટે તેમની સમાન ધોરણે કસોટી લે છે. PISAની એક કસોટી અંતર્ગત ભારત સહિત જગતના ૭૪ દેશોએ ભાગ લીધો, જેમાં ચીનના વિદ્યાર્થીઓ વાંચન, ગણિત અને વિજ્ઞાન એ ત્રણેય કેટેગરીમાં પ્રથમ ક્રમે આવ્યા. બીજી તરફ ભારતનો નંબર અનુક્રમે ૭૨મો, ૭૩મો અને ૭૪મો હતો. આ શરમજનક રીઝલ્ટ ભારતની કથળેલી શિક્ષણ પદ્ધતિનું સૂચક છે. વળી એ વાતનું પણ સૂચક છે કે આપણી શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીને વિચારવાનો મૂળભૂત અધિકાર જ આપતી નથી. અમેરિકામાં (તથા ચીન અને જાપાન સહિતના અમુક દેશોમાં) પરીક્ષા વખતે દરેક વિદ્યાર્થીનું મૂલ્યાંકન તેની સમજશક્તિના તથા સર્જનશક્તિના આધારે કરાય છે, જ્યારે આપણી શિક્ષણ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીમાં સમજશક્તિ કે સર્જનશક્તિ હોવી જરૂરી નથી. માત્ર સ્મરણશક્તિ હોય એ પૂરતું છે--બલકે એમ કહો કે સારા માર્કસ લાવવા હોય તો પોપટનેય આંટી જતો memory power અનિવાર્ય છે. વિદ્યાર્થી તેના જે તે વિષયને બરાબર સમજ્યા બાદ પોતાની ભાષામાં સચોટ જવાબ રજૂ કરે તો શુષ્ક પાઠ્યપુસ્તકનો ‘મર્યાદાભંગ’ કર્યા બદલ માર્ક્સ કપાયા વગર રહે નહિ.
અમેરિકાએ ૧૯૦૭માં લગભગ આવી જ શિક્ષણ પદ્ધતિ દાખલ કરી હતી. પચાસ વર્ષ પછી ૧૯૫૭માં રશિયાએ સ્પુતનિક નામનો પહેલો સેટેલાઇટ ચડાવ્યો ત્યારે અમેરિકા કેમ પાછળ રહી ગયું તેનાં કારણો શોધવા તત્કાલીન પ્રમુખ ડ્વાઇટ આઇઝનહોવરે તપાસ સમિતિનું ગઠન કર્યું. સમિતિએ અહેવાલમાં જણાવ્યું કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓની સર્જનશક્તિને તેમજ વિચારશક્તિને છૂટો દોર આપવાને બદલે પાઠ્યપુસ્તકોમાં તેમને બાંધી રાખવામાં આવતા હતા. પરિણામે સાયન્સ અને ટેક્નોલોજિના ક્ષેત્રે તેઓ પૂર્ણ કળાએ ખીલી શકતા ન હતા. સમિતિની ભલામણોના અનુસંધાનમાં સરકારે એવી શિક્ષણ પદ્ધતિ ઘડી કે જેના મુજબ વિદ્યાર્થીઓને માત્ર અભ્યાસક્રમ જણાવાય અને મેક્મિલન-મેક્ગ્રોહિલ અને મેરિલ પબ્લિશિંગ કંપની જેવા પ્રકાશકો શ્રેષ્ઠ લેખકોને રોકી તેમની પાસે અભ્યાસક્રમ મુજબનાં પુસ્તકો તૈયાર કરાવી લે. એક જ વિષય પર વિવિધ પ્રકાશકોનાં ૧૦-૧૨ પુસ્તકો બજારમાં મૂકાય, જેમાંથી વિદ્યાર્થી મનપસંદ પુસ્તકો ખરીદી લે. વિષયને બરાબર સમજી લીધા બાદ વિદ્યાર્થીએ પરીક્ષામાં જો સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હોય તો તેણે પુસ્તકોના લખાણને વળગી રહેવાને બદલે પોતાની મૌલિક ભાષામાં સ્પષ્ટ, રસાળ અને સચોટ જવાબ લખી સમજશક્તિનું અને સર્જનશક્તિનું પણ પ્રમાણ આપવું રહ્યું.
આ જાતની શિક્ષણ પદ્ધતિ આપણે ત્યાં દાખલ કરાય તો ભારત માત્ર સ્નાતકોનો નહિ, વિદ્વાનો-વિચારકો-વિજ્ઞાનીઓનો દેશ બને. અમેરિકાની માફક આપણી પેટન્ટ ઓફિસો પણ અવનવી વૈજ્ઞાનિક શોધખોળોની પેટન્ટ અરજીઓથી ઉભરાય. આ બધું જો કે ત્યારે શક્ય બને કે જ્યારે ૧૭૫ વર્ષ પહેલાં થોમસ મેકુલેના હસ્તે જેનાં બીજ રોપાયાં તે શિક્ષણ પ્રણાલિનું જર્જરિત વૃક્ષ સરકાર ધરમૂળથી ઉખેડી નાખે. પરંતુ સરકાર પાસે એવી અપેક્ષા ન રાખવી જોઇએ અને રાખો તો શેખચલ્લી તરીકેનો શિરપાવ વેઠવાની તૈયારી રાખવી જોઇએ.