20140728

ખાનગી સેક્ટરના લોકોને પણ મળશે નિવૃત્તિ પછી 5,000 રૂપિયા પેન્શન!


નવી દિલ્હી, 26 જુલાઇ

અસંગઠિત અને ખાનગી સેક્ટરમાં નોકરી કરીને નિવૃત થઇ ગયેલા લોકોને દરેક મહિને 5,000 રૂપિયા પેન્શન આપવા માટેના એક ખાનગી વિધેયકને દરેક રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું છે. શુક્રવારે ભાજપના નિશિકાંત દુબેએ વિધેયક રજુ કર્યું હતું જેને સાંસદોએ સમર્થન આપ્યું હતું. નિશિકાંત દુબેની તરફથી રજુ કરવામાં આવેલ નેશનલ મિનિમમ પેન્શન વિધેયકમાં 2014માં અસંગઠિત અને ખાનગી સેક્ટર કાર્ય કરતા દરેક કર્મચારીને નિવૃત્તિ પછી દર મહિને 5,000 રૂપિયા આપવાની જાહેરાત માટે રાષ્ટ્રીય પેન્શન બોર્ડનું નિર્માણ માટેની જોગવાઇ છે. નિવૃત લોકોનું અને હાલમાં જે કર્મચારી આ કાયદા હેઠળ પેન્શન લેવા માટે લાયક બનેશે એમના ડેટાનો રેકોર્ડ એકઠો કરવાની જવાબદારી આ બોર્ડની રહેશે.

આ યોજનાની જાહેરાત પહેલાં નિશિકાંત દુબેએ જણાવ્યું કે ગરીબ અને વૃદ્ધ લોકોને બે ટાઇમનું ભોજન મળી શકે એની માટે આ યુનિવર્સલ પેન્શન યોજના ઘણી ઉપયોગી થશે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર માત્ર યુવાનો ઉપર જ નહીં પરંતુ વૃદ્ધ લોકો ઉપર પણ એટલું જ ધ્યાન આપી રહી છે. આ પ્રકારે પેન્શન યોજના અમલમાં અવતાં અસંગઠિત અને ખાનગી ક્ષેત્રમાં કાર્યકરીને નિવૃત્ત થયેલા લોકોને સામાજિક અને આર્થિક મદદ મળશે. ભાજપ દ્વારા રજુ કરવમાં આવેલા પેન્શન વિધેયકમાં 50,000 કરોડ રૂપિયાનું નેશનલ પેન્શન ફંડ બનાવવાની વાત કરી છે. આ વિધેયકને તમામ પાર્ટીઓએ આવકારી લીધું હતું અને સમર્થન આપ્યું હતું.