20140728

આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી ઉમટશે હજારો શિવભકતો


શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે બિલ્વ શૃંગારના દર્શન


શ્રાવણ માસના પ્રારંભ સાથે જયોર્તિલીંગના દર્શન માટે શ્રદ્ધાળુ ભાવિકોની લાંબી લાઇનો; જુદી-જુદી નદીઓના નીર દ્વારા જલાભિષેક
વેરાવળ, તા. ૨૭
શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે હજારો શિવભકતો સોમનાથ મહાદેવના દર્શન કરવા ઉમટી પડયા હતાં. આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોવાથી મહાપૂજા અને બિલ્વ શૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ નીમીત્તે દેશ-વિદેશના એક લાખથી વધુ શિવભકતો પ્રથમ જયોર્તિલીંગના દર્શનનો લાભ લેશે.
સોમનાથના મંદિરે સોમવારે સવારે ૬-૩૦ વાગ્યે મહાપૂજા, સવારે ૭-૦૦ વાગ્યે પ્રાતઃ આરતી, સવારે ૧૧-૦૦ વાગ્યે મહાદુગ્ધ અભિષેક, સવારે ૧૧-૩૦ કલાકે મહાપૂજા, બપોરે ૧૨ કલાકે મધ્યાહન આરતી, બપોરે ૨-૦૦ કલાકે બિલ્વ શૃંગાર દર્શન, સાંજે પાંચ વાગ્યે સાયં મહાપૂજા અને સાંજે ૭-૦૦ કલાકે આરતી દર્શન યોજાશે. પ્રથમ સોમવાર હોવાથી દેશ-વિદેશમાંથી  એક લાખથી વધુ શિવભકતો ઉમટી પડશે.
શ્રાવણ માસના પ્રથમ દિવસે ૫૦૦૦૦થી વધુ શિવભકતો દર્શન માટે આવી પહોંચ્યા હતાં.
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાંથી ૨૦૦૦ શિવભકતો પગપાળા ચાલીને આવ્યા હતાં. ૨૦૦થી વધુ ભાઇઓ અને બહેનો ગુજરાતભરની જુદી જુદી નદીઓના પાણી જલાભિષેક માટે લઇને આવ્યા હતાં. ત્રિવેણી ઘાટ, ગીતા મંદિર, મહાપ્રભુજીની બેઠક, ભીડભંજન મહાદેવ, ભાલકા તીર્થ સહિતના મંદિરોમાં ભારે ભીડ ઉમટી પડી હતી. સવારે ૮-૩૦ વાગ્યે ધ્વજારોહણ, ૧૦-૦૦ કલાકે મહામૃત્યુંજય યજ્ઞા અને સાંજે ૬-૦૦ વાગ્યે શૃંગાર દર્શન યોજાયા હતાં.