-સુરતનાં યુવાને કાર તૈયાર કરી
-1 લિટર પાણીમાં 70 કિ.મી.એવરેજ સુરત, તા.૨૨ સુરતના એક મીકેનીકલ એન્જિનીયરે પાણીની મદદથી દોડતી કાર બનાવી છે. આ કાર ૧ લિટર પાણીમાં ૭૦ કિલોમીટરની એવરેજ આપે છે. હાઇડ્રોજન કીટની મદદથી દોડતી આ કાર અંગે પેટન્ટ નોંધાવીને તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે આ પ્રકારની કાર બનાવવાની માંગણી કરી છે. સરકાર મંજુરી આપે તો આગામી દિવસોમાં પાણીથી દોડતી કાર જોવા મળશે. સુરતમાં રહેતા અને મુળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેવચડી ગામના બી.ઈ. મીકેનીક એવા પુરૃસોત્તમ પીપલીયાએ પાણીમાંથી હાઈડ્રોજન છુટો પાડીને તેનાથી કાર ચલાવવા માટે કરેલો પ્રયોગ સફળ થયો હોવાનો દાવો કર્યો છે. હાલમાં સુરતના કતારગામ-અમરોલી રોડ પર રહેતા પુરૃસોત્તમ પીપલીયાએ (પટેલ) આ શોધ અંગે જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વમાં ક્રુડ ઓઈલમાં થતાં ભાવ વધારાથી પેટ્રોલ, ડિઝલ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસના ભાવમાં પણ સતત વધારો થઇ રહયો છે. જેથી મૌંઘવારીમાં આવા ફ્યુલથી કાર ચલાવવની આર્થિક રીતે મુશ્કેલ બની રહયું છે. તેમણે કહયું કે, તેઓ સતત પેટ્રોલ-ડિઝલ તથા ગેસના બદલે અન્ય ફ્યુલથી કાર ચલાવી શકાય તે માટે પ્રયાસ કરતાં હતા. દરમિયાન જર્મનીમાં સ્ટ્રોરેજ હાઈડ્રોજથી ગાડી ચલાવાતી હોવાના ન્યુઝ જોયા બાદ તેમણે પાણીમાં રહેલા હાઈડ્રોજનને છુટો પાડીને કાર ચલાવવા માટેની વિચારણા શરૃ કરી હતી. તેમણે કહયું કે, રાજકોટની એક કંપનીમાં એન્જિનમાં ફ્યુલના વપરાશના ચેકીંગની ફરજ દરમિયાન જ તેમને અન્યો કરતા કંઇક નવું કરવાની આદત થઇ ગઇ હતી. જેને કારણે કંપનીમાંથી છૂટા પડયા બાદ તેમણે કારના એન્જિનમાં સુધારો કર્યા વગર જ એવરેજ વધારવાનો પ્રયોગ કર્યો હતો. હાલમાં પોતાની કારના એન્જીનમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના કારની બેટરીનો જ ઉપયોગ કરી ઈલેક્ટ્રોલાઈસસ પ્રોસેસ કરીને પાણીમાંથી ઓક્સીજન અને હાઈડ્રોજન છુટો પાડયો હતો. આ હાઈડ્રોજનની નળી ફ્યુલ સાથે જોડી દેવામાં આવી હતી. જેના કારણે કાર ચાલુ થઈ ગઈ હતી. આટલું જ નહીં પરંતુ એક લિટર પાણીથી ૭૦ કિલોમીટર કાર ચાલે તેવી એવરેજ મળી રહી છે. આ કામગીરીમાં તેમના પુત્ર જીજ્ઞોશે પણ સહયોગ આપ્યો હતો. આ અંગે તેમણે પેટન્ટ નોંધાવી દીધી છે. તેમજ ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રી તેમજ સુરતના કલેક્ટર અને પોલીસ કમિશ્નરને પણ તેમની આ શોધ અંગે જાણ કરી દીધી છે. જો સરકાર મંજુરી આપી દે તો આવનારા દિવસોમાં તેઓ સીએનજી અને એલપીજીની જેમ જ હાઈડ્રોજનની કીટ બનાવવાનું આયોજન કરી રહયા છે એમ તેમણે ઉમેર્યું હતું. |
Gujarat Samachar