20120827

નજીકમાં વીજળી પડતાં અંધાપો અને બહેરાશ દૂર થઈ ગયાં!


અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- વીજળી પડવાથી ભયાનક વિનાશ થાય, પ્રાણીઓના મરણ થાય એવું તો અનેકવાર બને છે પણ ક્યારેક એનાથી માન્યામાં ન આવે એવો લાભ પણ થાય છે.
ચોમાસાની ૠતુ આવે ત્યારે ઘણીવાર આકાશમાં વાદળોના ગરજવાનો અને વીજળીના ચમકવાનો પ્રાકૃતિક નજારો માણવા મળે છે. પણ એમાં જો વીજળી પડવાની ઘટના બને તો એનાથી અવનવા પરિણામો જોવા મળે છે. વીજળી પડવાથી ભયાનક વિનાશ થાય, પ્રાણીઓના મરણ થાય એવું તો અનેકવાર બને છે પણ ક્યારેક એનાથી માન્યામાં ન આવે એવો લાભ પણ થાય છે. વીજળી પડવાને લીધે લાગેલા આંચકાને લીધે અંધ દેખતા થઈ ગયા હોય, બહેરા સાંભળતા થઈ ગયા હોય અને બોબડા બોલતા થઈ ગયા હોય તેવા બનાવો પણ બનેલા છે. લકવાના દર્દીનાં અંગો ફરીથી કામ કરતા થઈ ગયા હોય એવા અને અસાઘ્ય મનોરોગીઓના રોગ દૂર થઈ ગયા હોય એવા કિસ્સા પણ નોંધાયા છે. કૃત્રિમ રીતે ‘શોક ટ્રીટમેન્ટ’ આપી દર્દીમાં સુધારો કરાય છે તેમ આ કુદરતી વીજળીનો શોક લાગવાથી એમનામાં સુધારો થઈ જાય છે એમ મનાય છે.

આવી એક દિલચસ્પ ઘટનાના સાક્ષી છે ઉપેન્દ્રનાથ રાહા. આ ઘટના એમના પોતાના જ જીવનમાં બની હતી એટલે એને એ ક્યારેય ભૂલી શકે એમ નથી. કલકત્તાવાસી ઉપેન્દ્રનાથને ૧૯૭૪માં મોતિયાની ભારે તકલીફ આવી. તેમણે કલકત્તાના ડોક્ટર નીહાર મુન્શીની સલાહ લીધી. ડો. મુન્શીએ એમની ડાબી આંખનું ઓપરેશન કરી મોતિયો કાઢી નાંખ્યો અને એમને સલાહ આપી કે છ મહિના પછી એમની જમણી આંખનો મોતિયો પણ કઢાવી નાંખે. પણ ઉપેન્દ્રનાથેએ સલાહનું પાલન ના કર્યું કારણ કે તે તેમની ડાબી આંખથી ‘પ્લસ-અગિયાર’ લેન્સથી થોડું થોડું જોઈ શકતા હતા. એમ કરતાં આખું વર્ષ નીકળી ગયું. પછી એકાએક જમણી આંખના મોતિયાની સ્થિતિ વકરી ગઈ. ડાબી આંખના લેન્સથી પણ દેખાવાનું ઓછું થવા લાગ્યું. થોડા મહિના બાદ તો તે સંપૂર્ણ રીતે દેખતા બંધ થઈ ગયા. આ રીતે પાંચ-છ વર્ષ વીતી ગયા.

૭ જૂન, ૧૯૮૦ના દિવસે એક અદ્‌ભુત ચમત્કાર બન્યો. રાતના ૯ વાગ્યાના સમયે ઉપેન્દ્રનાથ એમના ઘરની બહાર યોગાસન કરવા બેઠા હતા. આકાશમાં વાદળો ગરજી રહ્યા હતા એના પરથી વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે એવો એમને ખ્યાલ આવી ગયો હતો. ત્યાં જ એકાએક વીજળીનો ગગનભેદી કડાકો સંભળાયો અને વીજળી પડી. ઉપેન્દ્રનાથને લાગ્યું કે એમની નજીકમાં જ વીજળી પડી છે કેમ કે એમના માથા પર જબરદસ્ત ધક્કો લાગ્યો હોય એવો એમને અનુભવ થયો. આના લીધે તો ચાર-પાંચ મિનિટ સુધી તે બેભાન જેવા બનીને પડી રહ્યા. પછી ધીમે ધીમે તેમને હોશ આવતા તે સામાન્ય સ્થિતિમાં આવવા લાગ્યા. ત્યાંથી ઊભા થઈને તે ઘેર આવ્યા અને સૂઈ ગયા. જ્યારે સવાર પડી અને ઊંઘમાંથી જાગ્યા ત્યારે ખબર પડી કે એમની દુનિયા બદલાઈ ગઈ છે! છેલ્લા પાંચેક વર્ષથી આવેલો અંધાપો દૂર થઈ ગયો છે અને તે બઘું જ એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકે છે!

ઉપેન્દ્રનાથને પહેલાં તો લાગ્યું કે તે સ્વપ્ન તો નથી જોઈ રહ્યા ને! પણ તેમણે ખાતરી કરીને જોઈ લીઘું કે તે સ્વપ્ન નથી. તેમણે તેમની પત્નીને બોલાવી અને આ ચમત્કારની વાત કરી. તેણે પણ ખાતરી કરીને જોઈ લીઘું કે ખરેખર ઉપેન્દ્રનાથ ફરીથી જોવા લાગ્યા છે. કુટુંબના બધા સભ્યો પણ આનંદવિભોર બની ગયા. કોઈકે સૂચન કર્યું કે આ અદ્‌ભુત ઘટનાની જાણ દુનિયાભરના લોકોને થવી જોઈએ એટલે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરાવીએ. ઉપેન્દ્રનાથને થયું કે કદાચ આ પરિવર્તન અલ્પકાલીન હોય અને ફરીથી તે દેખતા બંધ થઈ જાય તો લોકોને જુઠ્ઠાણાની ગંધ આવે અને ફજેતી થાય. એટલે એ સૂચન માન્ય ન કર્યું. પણ મહિનો વીત્યા પછીયે એમની દૃષ્ટિ કાયમ રહી એટલે આ ઘટનાની જાણ વર્તમાનપત્રોને કરી. જુલાઈ મહિનામાં તમામ વર્તમાનપત્રોમાં નજીકમાં વીજળી પડવાથી ઉપેન્દ્રનાથનો અંધાપો દૂર થઈ ગયાના અહેવાલો પ્રગટ થયા.

નિષ્ણાત ડોક્ટરોએ ઉપેન્દ્રનાથની આંખોનું તબીબી પરીક્ષણ કર્યું. તેમણે જોયું તો તે વગર ચશ્મા કે લેન્સે પુસ્તક વાંચી શકતા હતા. રંગોની પરખ પણ તે બરાબર કરી શકતા હતા. ડાબી આંખે તેમણે મોતીયાનું ઓપરેશન કરાવ્યું હતં તેમાં પણ દેખાતું બંધ થઈ ગયું તે ફરી દેખાવા લાગ્યું હતું અને જમણી આંખના મોતિયાની સ્થિતિ તો વગર ઓપરેશને એકદમ દૂર થઈ ગઈ હતી. આ અદ્‌ભુત ઘટના પછી નેત્રવિશેષજ્ઞ ડો. નીહાર મુન્શીએ પોતાનું મંતવ્ય આપતા કહ્યું હતું, ‘મારી પ્રેક્ટિસના અંતિમ દિવસોમાં ઈ.સ. ૧૯૮૦ની આ ઘટના મને યાદ છે. ઉપેન્દ્રનાથ રાહા નામના એક દર્દીની ‘આંપ્ટિક એટ્રોફી’નો કેસ હતો. ઘણા વખતથી તે મારી પાસે ઇલાજ કરાવતા હતા. આંખોની સ્થિતિ એટલી બગડેલી હતી કે ઇલાજથી કોઈ ખાસ ફાયદો થતો નહોતો.

૭ જૂન ૧૯૮૦ના રોજ રાત્રે ૯ વાગે એમની અત્યંત નજીકમાં વીજળી પડી અને તે બેભાન જેવા થઈ ગયા. બીજે દિવસે સવારે તેમણે જોયું તો તે બઘું જ એકદમ સ્પષ્ટ જોઈ શકતા હતા. તે મને એમની આંખો બતાવવા પણ દોડી આવ્યા હતા. મેં જોયું તો તેમની વાત એકદમ સાચી હતી. હકીકતમાં એક સ્નાયુ છે જે આંખોની સાથે મગજનો સંપર્ક બનાવી રાખે છે. માનો કે તમારી પાસે એક કેમેરા છે, જેનાથી તમે ફોટો તો પાડી લીધો પણ અને ડેવલપ કે પ્રિન્ટ નથી કરાવી શકતા તો એ ફોટો નકામો જાય છે. આંખથી જે ચિત્ર જોવાયું તે મગજમાં ડેવલપ અને પ્રિન્ટ થાય છે. આંખથી જોવાયેલું ચિત્ર એ સ્નાયુ માત્રથી મગજ સુધી પહોંચે છે. જો કોઈ કારણથી આ સ્નાયુ સૂકાઈ જાય તો માનવીને દેખાતું બંધ થઈ જાય છે. ઉપેન્દ્રનાથ સાથે આવું જ થયું હતું. વીજળીની જોરદાર ચમક એમની આંખો પર પડી એના શોકથી આંખ અને મગજને જોડતો સ્નાયુ ફરી સક્રિય થઈ ગયો આંખ વડે મોકલાયેલ ચિત્રોને મગજે ફરી ડેવલેપ અને પ્રિન્ટ કરવાનું કામ શરૂ કરી દીઘું એમ કહેવાય. આમ, ઉપેન્દ્રનાથને આંખોની જ્યોતિ પાછી મળી ગઈ એ વીજળીથી સર્જાયેલો એક કુદરતી ચમત્કાર જ છે.’

અમેરિકાના ફેલમાઉથમાં રહેતા એડવિન રોબિન્સનના જીવનમાં પણ આવી જ ઘટના બની હતી. એક દિવસ તે ફેક્ટરીથી ઘેર પાછા ફરતા હતા ત્યારે એક સડક દુર્ધટનામાં તેમની આંખોની દૃષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી બેઠા. આને લીધે તેમને પરાધીન જેવી જંિદગી જીવવાનો વારો આવ્યો. આ રીતે નવ વર્ષો વીતી ગયા. એક દિવસ એક અદ્‌ભુત ચમત્કાર થયો અને એમની અંધારભરી જંિદગીમાં ફરી પ્રકાશ પથરાઈ ગયો. બન્યું એવું કે તે એક દિવસ ઘરની બહાર લોનમાં આરામખુરશી પર બેઠા હતા અને પોતાના વ્યવસાયને લગતી કોઈ બાબતમાં વિચારી રહ્યા હતા ત્યાં એકાએક આકાશમાં વીજળીના કડાકાભડાકા થવા લાગ્યા. થોડીવાર બાદ જોરદાર કડાકા સાથે વીજળી પડી. રોબિન્સનને લાગ્યું કે તે વીજળી તેની એકદમ નજીકમાં જ પડી હતી. તેના આંચકાથી તે થોડી પળો બેશુદ્ધ થઈ ગયા. પણ જ્યાં એ સ્વસ્થ થયા એ સાથે એ આનંદથી ઉછળવા લાગ્યા કેમ કે તે ફરીથી જોવા-સાંભળવા માંડ્યા હતા! આ સમાચાર વાયુવેેેગે પ્રસરી ગયા અને વર્તમાનપત્રો તથા ટેલિવીઝનમાં સારો એવો સમય ચમક્યા પણ ખરા! નવાઈ લાગે એવી એક અન્ય બાબત એ બની કે રોબિન્સનના માથે ૩૫ વર્ષથી ટાલ પડી ગઈ હતી ત્યાં ‘વીજળી પડવાની આ ઘટના બાદ’ ફરીથી વાળ ઉગવા લાગ્યા હતા.

આમ, માનવીની અત્યંત નજીકમાં વીજળી પડવાની ઘટનાઓથી ઘણીવાર માન્યામાં ન આવે તેવા ચમત્કારો સર્જાયા છે!

Gujarat Samachar