માઇક્રો બ્લોગીંગ સાઇટ ટવીટરને મળેલી અદ્ભૂત સફળતાના પગલે ટવીટરના બે સાથી ફાઉન્ડર બિઝ સ્ટોન અને ઇવાન વિલીયમ્સે ઓનલાઇન નવી બે ચેનલ કે વેબસાઇટ ઉભી કરવાનો પ્લાન ઘડયો છે. બ્રાંચમાં ટીવીના રિયાલીટી શો જેવું હશે જેમાં એક મુદ્દે ચર્ચા શરૃ થાય છે અને વિવિધ લોકો તેમાં અભિપ્રાય આપે છે. એવું જ નેટ પરના બ્રાંચમાં થશે. જયારે મીડીયમમાં ટેકસટ અને ફોટો શેરીંગ વગેરે હશે.
ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા મોટાભાગના લાઇવ ચેટમાં વધુ રસ બતાવે છે. એક અંદાજ મુજબ ઇન્ટરનેટ વપરાશકારો પૈકી ૨૦ ટકા લોકો એવા છે કે જે લાઇવ કોમ્યુનિકેશન પસંદ કરે છે. બીજો મુદ્દો એ પણ છે કે આવા ૨૦ ટકા લોકો ઓનલાઇન શોપીંગ અંગે નિર્ણય પણ ફટાફટ લે છે. કોઇ અહેવાલ ફ્રી-ડાઉનલોડ કરવામાં પણ તેમને રસ હોય છે.
ટવીટરનું સંશોધન કરનારા પૈકી બે જણા આ નવી સિસ્ટમ લઇને આવ્યા છે. ટવીટર જેમ ૧૪૦ અક્ષરોને વળગી રહેવાય છે એમ નવી સિસ્ટમમાં નહીં હોય તેમાં વધુ છૂટછાટ અપાશે. આ નવી બંને સિસ્ટમ સુધારાવાળી અને ઓન લાઇન ડાયલોગવાળી બની જશે.
સાઉથ કોરિયામાં ઇન્ટરનેટ પર નિયંત્રણો
સાઉથ કોરિયામાં સૌથી વધુ ઇન્ટરનેટના વપરાશકારો છે. ત્યાં લોકશાહી હોવા છતાં ઇન્ટરનેટ સેન્સરશીપ ક્ષેત્રે ચીનવાળી થઇ રહી છે. વિશ્વમા ંડાઉનલોડ સ્પીડ ક્ષેત્રે સાઉથ કોરિયા ટોપમાં છે. ત્યાંના સબ-વેમાં સ્માર્ટ ફોન વાઈ-ફાઇ એએસ થઇ શકે એવી સિસ્ટમ છે. વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ સર્ફીંગ કરનારાઓ છે ત્યાં સેન્સરશીપ પણ મોટા પાયે છે. સર્ફીંગ કરનારની સ્વતંત્રતા જયાં આંચકી લેવાય છે ત્યાં સૌથી વધુ ડાઉનલોડ સ્પીડનો શું અર્થ છે ? એવો પ્રશ્ન ઇન્ટરનેટ વિશ્વમાં પુછાઈ રહ્યો છે. તાજેતરમાં એક ઘટના એવી બની હતી કે કોઈએ ટવીટર પર દેશના પ્રમુખ માટે અભદ્ર શબ્દો લખ્યા હતા તે જાણમાં આવતાં જ તેનું ટવીટર એકાઉન્ટ બંધ કરી દેવા ટવીટરને લખાયું હતું.
સાઉથ કોરીયામાં જે બ્લોગરો, ટવીટરો કે વેબસાઇટ સરકારની ટીકા કરે છે તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આવા કિસ્સામાં કોર્ટ પણ સરકારની સાથે રહે છે. સાઉથ કોરિયામાં પોર્નોગ્રાફી સાઇબર પણ પ્રતિબંધ જેવી સ્થિતિ છે. સાઉથ કોરિયા દ્વારા ઇન્ટરનેટ ક્ષેત્રે ઉભા કરાતા અવરોધોને ચીન જેવા છે એમ અમેરિકા કહે છે.
ઇ-સ્પોર્ટસ માટે ચાન્સ
લંડન ઓલિમ્પિકસના સમાપન પછી એવી માગ ઉઠી હતી કે ઓલિમ્પિક સ્પોર્ટસમાં વીડીયો ગેમને પણ સ્થાન આપવું જોઈએ. વીડીયો ગેમના પ્રોફેશનલ પ્લેયર્સ ગયા રવિવારે એક ખાસ પ્રોગ્રામ યોજીને તેમાં ગોલ્ડ મેડલ જીતવા સુધીના ઇનામો રાખ્યા હતા.
આમ તો, ઇલેકટ્રોનિક ગેમીંગ જે ઇ-સ્પોર્ટસના નામે ઓળખાય છે તેણે છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર લોકપ્રિયતા ઉભી કરી છે. જર્મનીના કોલન ખાતે ઇ-ટેલ એકસટ્રીમ માસ્ટર્સ કોમ્પીટેશનના બેનર હેઠળ પ્રોફેશનલ વીડીયો ગેમ ટુર્નામેન્ટ યોજાઇ હતી.
૧૯ ઓગષ્ટે યોજાયેલી આ ગેમમાં ઘણાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વીડીયો ગેમનો સૌથી વધુ પ્રચાર-પ્રસાર ઇન્ટરનેટના માધ્યમથી થયો છે. ઓન લાઇન ગેમ રમતો મોટો વર્ગ છે. આ ઇ-સ્પોર્ટ ક્ષેત્રે જર્મની અને સાઉથ કોરિયા મોખરે છે જયારે અમેરિકા ત્રીજા ક્રમે છે.
આ પ્રોફેશનલ ઇ-સ્પોર્ટમાં ૨૦ હજારથી એક લાખ ડોલરના ઇનામો વિજેતાઓ માટે રાખવામાં આવ્યા હતા. વિશ્વના બેસ્ટ વીડીયો ગેમર્સને સ્ટાર ક્રાફટ ટુ અને લીગ ઓફ લીજેન્ડ તરીકે ઓળખવામાં આવ્યા હતા.
આકાશમાં હવે અપગ્રેડેડ પ્રોસેસર
વિશ્વમાં સૌથી સસ્તુ ટેબલેટ આકાશ આપવા ભારત સરકાર હવે તત્પર બની છે. આકાશ-વન સામેની ફરિયાદો હવે આકાશ-ટુમાં જોવા નહીં મળે. ગુગલ એનડ્રોઇડના અપગ્રેડ વર્જન સાથેનું આકાશ-ટુ એજયુકેશનેલ ટેબલેટ તરીકે ઓળખાય છે. આકાશ વનની જાહેરાત જયારે કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે કરી ત્યારે સમગ્ર વિશ્વ તેમના તરફ આકર્ષાયું હતું. કેમ કે તે સૌથી સસ્તું ટેબલેટ હતું. આકાશ બહાર પડયું તેના પછી તેની સિસ્ટમ અને ટચ સ્ક્રીન સામે ઉભી થયેલી ફરિયાદો બાદ આકાશ-ટુ માટે તૈયારીઓ થઇ હતી. આકાશ-ટુના પાર્ટ આપનાર ડેટાવીન્ડ આ વખતે એન્ડ્રોઇડ ૪.૦ સિસ્ટમ આપશે. આકાશ ટેબલેટનું પ્રથમ વર્ઝન ઓકટોબર -૨૦૧૧માં બહાર પડયું હતું. જેમાં ૩૫૦ સ્લ્લડ પ્રોસેસર હતું. ત્યાર બાદ ડેટાવીન્ડ અને આઇઆઇટી રાજસ્થાન વચ્ચે મતભેદો બહાર આવ્યા હતા. આકાશ-ટુને આઇઆઇટી મુંબઇ ખાતે ટેસ્ટ કરાયું છે અને હૈદ્રાબાદની વીએમસી સિસ્ટમ ખાતે એસેમ્બલ કરાયું છે. એક લાખ જેટલા આકાશ-ટુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટુંક સમયમાં અપાશે.
સાથે... સાથે...
- ચોક્કસ સમયગાળામાં 'ઓન લાઇન કોડીંગ કોમ્પીટેશન' પુરી કરવામાં વિશ્વભરના ૬૦,૦૦૦ ડેવલોપર્સ જોડાશે જે પૈકી ૧૩૦૦ ભારતના છે. આ કોન્ટેસ્ટનું નામ કોડ સ્પ્રીન્ટ છે.
- ભારત સરકારના આકાશ ટેબ્લેટ કોમ્પ્યુટરમાં ગુગલની એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ નાખીને વધુ મોડીફાઇડ બનાવવામાં આવશે.
- તમારા કોમ્પ્યુટરમાં લીમીટેડ સ્ટોરેજ હોય તો 'ક્લાઉડ કોમ્પ્યુટીંગ'નો ઉપયોગ કરવા વિચારવું જોઈએ. તે માટે ર્બસનો ઉપયોગ કરો.
|