20120829

ધાર્મિક-માંગલિક વિધિઓ કરાવનાર ભૂદેવ બ્રાહ્મણોની કેટકેટલી નૂખ-અટકો.

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 
આજે વિદેશી પ્રવાસીઓ માટે જેણે આગવું આકર્ષણ ઉભું કર્યું છે એવા કચ્છ કાઠિયાવાડના મલકમાં જઈ ચડોને કોઈ અજાણ્યો આદમી મળે તો પહેલો પ્રશ્ન કરેઃ
‘ભઈલા, તમારું નામ શું? ગામ શું? શી નાતે છો?’
તમે ઉત્તર આપોઃ ‘નામ જોરૂભાઈ, ગામ આકરુ, નાતે કારડીઆ રાજપૂત.’ વળી સવાલ કરે ‘પણ શાખે કેવા?’ જવાબ મળે જાદવ. નામ, ગામ અને શાખમાં તમારી આખી ઓળખ આવી જાય. આમ શાખ એ અટકનું બીજું નામ છે. બીજ રૂપ છે. અટકમાંથી આવેલો શબ્દ છે. ‘શાખ’ને સંિધ તરફ નૂખ તરીકે પણ ઓળખવામાં આવે છે. શાખ શબ્દનો બીજો અર્થ ‘આબરુ’ એવો થાય છે. એના માટે એક જાણીતી કહેવત છેઃ ‘લાખ જજોે, પણ શાખ ન જજો.’ ગામડાંઓમાં આજે પણ ‘શાખનો વ્યવહાર’ એવું બોલાય છે. આમ શાખ એ કાઠિયાવાડી શબ્દ બની ગયો છે. જુદી જુદી જ્ઞાતિની શાખ અર્થાત્‌ અટકો ક્યાંથી આવી તેની, શાખ ધરાવનારને પણ ઝાઝી સમજ હોતી નથી. અટકોનો ઇતિહાસ જાણવાનું મહત્ત્વનું સાધન કહેવતો, કથાઓ, દંતકથાઓ અને બારોટોના ચોપડા રહ્યા છે. આજની પ્રજાને પૂર્વજોના નામાઠામાના ઈતિહાસમાં રસ રહ્યો નથી. હવે તો બારોટ-વહીવંચાઓના વ્યવસાયો પણ બદલાઈ જવા માંડ્યા છે. કાનામાતર વગરના બોડિયા અક્ષરોમાં લખાયેલી અને પોતે જ ઉકેલી શકે તેવી વહીઓ કબાટ-પટારાઓમાં કેદ થઈ ગઈ છે. વિદેશોમાં વસતા ગુજરાતીઓ કોઈ કોઈવાર અમારા સંશોધકો પાસે આવીને એમના કૂળ-મૂળ, કૂળદેવ-દેવી, ગોત્ર, વતન અને અટકની જાણકારીની પૃચ્છા કરે છે. મારે અહીં વાત કરવી છે જુદી જુદી જ્ઞાતિઓની અટકો કેવી રીતે આવી?

જૂના જમાનામાં ધંધા ઉપરથી જુદી જુદી જ્ઞાતિઓની અટક અને ઓળખ મળતી. ગામડાઓમાં વિવિધ જાતિઓના વસવાટને વાડા કહેતા. ઉ.ત વાણીયાવાડો, કણબીવાડો, બ્રાહ્મણવાડો, ભરવાડવાડો વગેરે. એમ મોટા નગરોમાં વિવિધ જાતિઓના વસવાટવાળી જગાઓ, બજાર, હાટ, ચકલું, ચોક કે ચોટુ કહેતા. પ્રાચીન પાટણ શહેરના ૮૪ ચૌટાં કહેવાતાં. આ ચૌટામાં વિવિધ ધંધાર્થી જ્ઞાતિઓ વસવાટ કરતી. ધંધા પરથી તેમની ઓળખ અને અટકો ઉતરી આવી છે. આ રહ્યા એ ૮૪ ચૌટાં.

૧. સોના ફળિયું, ૨. નાણાવટ, ૩. ઝવેરીવાડ, ૪. સરૈયાવાડ, ૫. ફોફળિયાવાડ, ૬. સૂતરિયાવાડ, ૭. પડસુતરિયાવાડ, ૮. ઘીયાવાડ, ૯. તેલીવાડ, ૧૦. દંતારાવાડ, ૧૧. વલિયારવાડ, ૧૨. મણિયારવાડ, ૧૩. દોશીવાડ, ૧૪. નેસ્તીવાડ, ૧૫. ગાંધીવાડ, ૧૬. કપાસીવાડ, ૧૭. ફડિયાવાડ, ૧૮. એરંડિયાવાડ, ૧૯. ફડીવાડ, ૨૦. રસણિયાવાડ, ૨૧. પરવાળિયાવાડ, ૨૨. ત્રાંબાકાંટો, ૨૩. સંઘડિયાવાડ, ૨૪. પિત્તળગળા, ૨૫. સોનારવાડો, ૨૬. સીસાડાવાડ, ૨૭. મોતીપ્રોયાવાડ, ૨૮. સાળવીવાડ, ૨૯. મીણારાવાડ, ૩૦. કુંતારાવાડ, ૩૧. ચુનારવાડો, ૩૨. તુનારવાડો, ૩૩. કૂટારાવાડો, ૩૪. ગળિયારાવાડ, ૩૫. પરિયરવાડ, ૩૬. ઘાંચીવાડ, ૩૭. મોચીવાડ, ૩૮. સઈવાડ, ૩૯. લોહરિયારાવાડ, ૪૦. લોઢારાવાડ, ૪૧. ચિતારવાડ, ૪૨. સતૂઆરાવાડ, ૪૩. કાગદીવાડ, ૪૪. દારૂડિયાવાડો, ૪૫. વેશ્યાવાડો, ૪૬. પણગોલાવાડ, ૪૭. ગાંછાવાડ, ૪૮. ભાજભૂંજાવાડ, ૪૯. બીબાડાવાડ, ૫૦. ત્રાંબડિયાવાડ, ૫૧. ભેંસાયતવાડ, ૫૨. મલિનતાપિત્તવાડ, ૫૩. સ્વચ્છતાપિત્તવાડ, ૫૪. પાટીવણાવાડ, ૫૫. વૈતારાવાડ, ૫૬. કાટપિટિયાવાડ, ૫૭. ચોખાપિટિયાવાડ, ૫૮. સુખડિયાવાડ, ૫૯. સાથરિયાવાડ, ૬૦. તેરમાવાડ, ૬૧. વેગડિયાવાડ, ૬૨ વસાવાવાડ, ૬૩. સાંથિયાવાડ, ૬૪. પેરવાવાડ, ૬૫. આટિયાવાડ, ૬૬. દાળિયાવાડ, ૬૭. દોઢિયાવાડ, ૬૮. મુંજકુટાવાડો, ૬૯. અરગરાવાડ, ૭૦. ભાથારાવાડ, ૭૧. પિત્તળકાંટો, ૭૨. કંસારાઓળ, ૭૩. પસ્તાત્રિયાવાડ, ૭૪. ખાખરિયાવાડ, ૭૫. મજિઠિયાવાડ, ૭૬. સાકરિયાવાડ, ૭૭. સાબુગરવાડ, ૭૮. લુહારવાડો, ૭૯. સુથારવાડો, ૮૦. વણકરવાડ, ૮૧. તંબોલીવાડ, ૮૨. કંદોઈવાડો, ૮૩. બુદ્ધિહાટ, ૮૪. કંચિકાપણહટ. ભગવદ્‌ગોમંડલે આટલા ચૌટાં નોંઘ્યાં છે. એમાં કેટલી બધી ધંધાકીય અટકો આવે છે.

વિનોદિનીબહેન નિલકંઠે નોંધેલી ધાર્મિક ક્રિયાઓને લગતી અટકો ‘કહેવત કોશ’માં આ પ્રમાણે મળે છે. ‘આવસત્થી’ અગ્નિના ઉપાસકને આવસત્થી કહેવામાં આવે છે. તેઓ કહે છે કે વંશ પરંપરાથી અમારા કુટુંબમાં ‘આવસ્થ્ય’ અગ્નિનો હોમ નિરંતર થતો આવ્યો છે. અગ્નિહોત્ર, આવસત્થ્ય અને ગાર્હપત્ય એ ત્રણ પ્રકારના અગ્નિહોત્રના વિધિ હોય છે. ‘અગ્નિહોત્ર’માં પાંચ જુદા જુદા ચણતર કરેલા કુંડ કરાય છે. ‘આવસત્થ્ય’ અગ્નિનું જેમણે આધાન લીઘું હોય છે તેમને એકજ ચણેલો કુંડ હોય અને તેમાં દરરોજ હોમ થાય છે. આ બંને પ્રકારના અગ્નિને અખંડ ભારીને સાચવી રાખવામાં આવે છે. ત્રીજો પ્રકાર ‘ગાર્હપત્ય’ અગ્નિનો છે. તે અગ્નિ સાચવવો પડતો નથી, કેમ કે તે વિધિ દરરોજ રસોઈ માટે ચૂલો જગવે તેમાંથી અંગારા ત્રાંબાના નાના કુંડમાં લઈ તેમાં દરરોજ આહૂતિઓ અપાય છે. આ ધાર્મિક ક્રિયા કરવાને લીધે અટક આવસત્થ્ય- અગ્નિના ઉપાસક પડી છે.

બીજા ‘અગ્નિહોત્રી’ બ્રાહ્મણો છે. તેમના લગ્ન પ્રસંગે પ્રગટાવેલો અગ્નિ ગૃહસ્થી બને ત્યારે સાથે લઈ આવે છે. એને આજીવન પ્રજવલિત રાખી દરરોજ આહૂતિ આપે છે. આ ક્રમ એમના જીવનકાળ સુધી ચાલુ રહે છે. તેથી તેઓની ઓળખ ‘અગ્નિહોત્રી’ અપાય છે. ‘ચતુર્વેદી’ એ બ્રાહ્મણોની એક નાત છે. અટક છે. ઓળખ છે. ૠક, યજૂર, અથર્વ અને સામ એ ચારે વેદોનો જેમને અભ્યાસ હોય તેવા જ્ઞાનવાળા બ્રાહ્મણો અસલ ચતુર્વેદી કહેવાતા. ‘દીક્ષિત’ આ શબ્દના સંસ્કૃતમાં ઘણા અર્થો મળે છે. એને માટે કહેવાય છે કે જેણે સોમવજ્ઞ કર્યો હોય તે દીક્ષિત કહેવાતા. હોમવ્રત વગેરે આરંભેલા કર્મની સમાપ્તિ સુધી જેણે તેના નિયમો સ્વીકારેલ હોય તે પણ દીક્ષિત ગણાતા. જે માણસને દીક્ષા મળી હોય તે દીક્ષિત ગણાય.

બ્રાહ્મણોમાં ત્રિપાઠી અને ત્રિવેદી અટકો મળે છે. સંસ્કૃતમાં ત્રિપાઠીન્‌ શબ્દ છે. વેદમંત્રોના ત્રણ પાઠ (પદ, ક્રમ અને ધન)ને જાણનાર ત્રિપાઠી કહેવાય છે. તરવાડી અને ત્રિવેદીની સમજૂતી એક જ છે. આ અટક બ્રાહ્મણો ઉપરાંત હંિદુ વરણમાં અન્યત્ર પણ મળે છે. ત્રિવેદીમાંથી તેવારી અને નેવારી અટકો આવી છે. જૂના કાળે ત્રણ વેદનો અભ્યાસ કરનાર ત્રિવેદી કહેવાતા. એના પરથી તરવાડી અટક આવી. દવે અટક દ્વિવેદી પરથી આવી છે. બે વેદના જાણનાર બ્રાહ્મણો દ્વિવેદી કે દવે તરીકે ઓળખાય છે. જાની શાખ જ્ઞાની મૂળ યાજ્ઞિક ઉપરથી ઉતરી આવી છે. જ્ઞાનવાળા જ્ઞાની-વિદ્વાન પુરુષને હંિદીમાં ગ્યાનિ તરીકે ઓળખવામાં આવે છે. યાજ્ઞિક આ શબ્દનો મૂળ અર્થ યજ્ઞ કરનાર બ્રાહ્મણ એવો આપવામાં આવ્યો છે. આ અટક બ્રાહ્મણોમાં જ જોવા મળે છે.

બ્રાહ્મણોમાં બીજી અટક વ્યાસ છે. પુરાણો શીખવનાર વ્યાસ કે પુરાણીના નામે જાણીતા છે. યોગી અટક યોગ સાધનાર પૂર્વજો પરથી આવી છે. કોઈના પૂર્વજ મોટા યોગી થઈ ગયા હોય તો તે કુટુંબ યોગીના નામે જાણીતું થઈ જાય એ સ્વાભાવિક છે.

ભટ્ટ એ અવટંક સંસ્કૃતમાં યોદ્ધો, શૂરવીર પરથી આવી હોવાનું કહેવાય છે. પુરોહિત અટક ધાર્મિક વિધિ કરાવનારને માટેની છે. પૂજારી-મંદિરમાં પૂજા કરાવનારની છે. લુહાણામાં પૂજારા અટક આવે છે. ભણાવનાર અથવા અઘ્યયન કરાવનારને સંસ્કૃતમાં પાઠક અટકથી ઓળખવામાં આવે છે. જૂનાકાળે પુરાણો વાંચનાર પણ પાઠક તરીકે ઓળખાતા. પંડિત અટક-ઓળખ ગુજરાત, મહારાષ્ટ્ર અને કાશ્મીરમાં ખૂબ પ્રચલિત છે. કોઈ પણ પ્રકારના વિદ્વાન માણસને પંડિત કહી શકાય. પ્રાચીનકાળમાં વેદના અભ્યાસમાં બહુ બુદ્ધિશાળી હોય તેવા માણસને પંડિત કહેતા. કાશ્મીરમાં દરેક બ્રાહ્મણને પંડિત તરીકે સંબોધન કરાય છે. આજે તો પંડિત એટલે બ્રાહ્મણ એ શબ્દ રૂઢ થઈ ગયો છે. પંડ્યા એ ગોરના અર્થમાં વપરાય છે. પંડિત જેવા જ પંડ્યા પણ વિદ્વાન ગણાતા.

અઘ્વર્યુઃ ચાર વેદોમાંથી જે યજુર્વેદ જાણનારો ૠત્વિજ હોય તેને અઘ્વર્યુ કહેવામાં આવતો. અસલના વખતમાં શિક્ષણ આપનારને આચાર્ય કહેતા. એમનો વ્યવસાય બદલાયો પણ અટક વળગી રહી. અઘ્યારુ માટે સંસ્કૃતમાં અઘ્વર્યુ શબ્દ છે. એમાંથી અઘ્યારુ શબ્દ આવ્યો હોવાનું કહેવાય છે. પારસી કોમમાં ધાર્મિક ક્રિયાઓ કરાવનારા દસ્તુરો હોય છે તેને અઘ્યારુ કહે છે. ગામડાગામમાં લગ્ન, મરણાદિ અને તમામ શુભ, ધાર્મિક પ્રસંગોએ ગામના ગોર વિધિ કરાવે છે. એમની હાજરી વગર આ પ્રસંગો ઉકેલી શકાતા નથી. ‘ગોર’ એ મૂળ સંસ્કૃત ગુરુ શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં ગોર શબ્દનો અર્થ છે તેના કરતાં ગુજરાતીમાં ગોર શબ્દનો અર્થ બદલાઈ ગયો છે. હંિદુઓમાં દરેક કુળ અથવા કુટુંબને બાંધેલા ગોર હોય છે. એમનું ગોરપદુ વંશપરા ચાલુ રહે છે. ઉપાઘ્યાયઃ ધર્મના ગુરુને સંસ્કૃતમાં ઉપાઘ્યાય કહે છે. વર્તમાન સમયમાં આ અટક જૂના ધર્મગુરુઓના વંશજોને વારસામાં મળેલી છે.

‘ભૃગુશાસ્ત્રી’ અટક ભૃગુસંહિતા ઉપરથી જ્યોતિષ જોનાર અથવા વાંચી સંભળાવનાર ભૃગુવંશના શાસ્ત્રી માટે વપરાય છે. ‘મહન્ત’ અટક ઘણુંખરું બાવા લોકોમાં જોવા મળે છે. મહંત મંદિરના મુખ્ય સંચાલક માટે વપરાય છે. ‘પંચોલી’ બ્રાહ્મણો માટે કહેવાય છે કે બ્રાહ્મણના પાંચ કુળમાં જે મુખ્ય હોય તે પંચોલી કહેવાય. બીજી માન્યતા મુજબ પંચોલી ગામ પરથી આ અટક આવી છે. પાઘ્યે-પાઘ્યા આ શબ્દ ઉપાઘ્યાય શબ્દ પરથી આવ્યો છે. તેનો અર્થ ધર્મના ગુરુ એવો થાય છે. દેરાસરી અટક દેરાસરમાં રહેનાર કે સેવા કરનારની ઓળખ છે. જ્યારે દેવાશ્રયી દેવાશ્રયમાં વસનારની મૂળ અટક હતી. ‘વેદ’એ વેદ જાણનારની અટક હશે એવું અનુમાન છે. શાસ્ત્રી અટક બ્રાહ્મણોમાં જ જોવા મળે છે. અસલમાં શાસ્ત્રનો અભ્યાસ કરાવવાનો હક્ક માત્ર બ્રાહ્મણોનો જ હતો. ‘સ્માર્ત’ ઃ સંસ્કૃતમાં સ્મૃતિના અભ્યાસીને સ્માર્ત કહેવાય છે. અસલમાં સ્મૃતિના જાણકારો માટેની સ્માર્ત અટક હશે પણ કાળક્રમે જ્ઞાન અને વિદ્યા વિસરાઈ ગયાં પણ અટકનું લટકણિયું લટકી રહ્યું. બ્રાહ્મણોમાં ભવાની અને ભટનાગર અટકો પણ મળે છે.

આજે બ્રાહ્મણોની ૮૪ જેટલી પેટા શાખાઓ- અટકો સાંપડે છે. બ્રહ્મચોરાસી કરવી એટલે ૮૪ શાખાના અર્થાત્‌ તમામ બ્રાહ્મણોને જમાડવા. જૂનાકાળે બ્રાહ્મણોમાં આટલા ફાંટા નહોતા. વૃત્તિઓ અનુસાર તેમના ચાર મુખ્ય પ્રકારો હતા. ૧. કુશુલધાન્યકઃ અર્થાત્‌ જેઓ ત્રણ વર્ષ માટે અન્નાદિ સામગ્રી સંચિચ કરી રાખે તે. ૨. કુંભીધાન્યકઃ એક વર્ષ માટે સંચિત કરે તે. ૩. ત્રૈહિકઃ જે ત્રણ દિવસ માટે સંચય કરે તે અને ૪. અશ્વસ્તનિકઃ જે નિત્ય લાવે ને નિત્ય ખાય. ઈ.સ. ૬૦૦થી ૧૦૦૦ સુધી બ્રાહ્મણો ભિન્ન ભિન્ન જાતિઓમાં વિભિન્ન થયા જણાતા નથી. તે સમય સુધી બ્રાહ્મણોનો ભેદ શાખ અને ગોત્રનો ઉલ્લેખ કરવાથી થતો હતો. કોંકણના બારમી સદીના લેખમાં ૩૨ બ્રાહ્મણોનાં નામ દીધા છે. જેમનાં ગોત્ર છે પણ શાખા નથી. તેમાં બ્રાહ્મણોના ઉપનામ- શાખો પણ આપી છે. બારમી સદીમાં આવા ઉપનામ કે શાખનો પ્રયોગ ઘણો થતો. ઉ.ત દીક્ષિત, રાઉત, ઠાકુર, પાઠક, ઉપાઘ્યાય, પટ્ટવર્ધન વગેરે. શિલાલેખોમાં પંડિત, દીક્ષિત, દ્વિવેદી, ચતુર્વેદી, આવસ્થિત, માથુર, ત્રિપુર, અકોલા, ડેંડવાણ આદિ ઉપનામો મળે છે. આ અટકો સ્પષ્ટ રીતે તેમનાં વાસસ્થાનની વિગતો આપે છે. પાછળની આમાંના ઘણાં ઉપનામ ભિન્ન ભિન્ન ફાંટાઓ અને અટકોમાં પરિણમ્યા. વિચારભેદ અને દાર્શનિક ભેદ વધતાં એમાંથી અનેક ફાંટા અને ઉપનામો ઉભાં થયાં.

રાજગર કે રાજગોર બ્રાહ્મણો કાઠી દરબારો ખાચર, ખુમાણ અને વાળા આ બધી પરજના રાજગોર ગણાય છે. કાઠી સંસ્કૃતિમાં શ્રી જીલુભાઈ ખાચર નોંધે છે કે અસલમાં તેમનું રાજગોર નહીં પણ રાજપુરોહિત બિરૂદ હતું. રાજપુરોહિત બ્રાહ્મણોની જ ૪૦ જેટલી શાખાઓ હતી. જેમકે ૧ શીલુ ર વૈયા ૩ તેરૈયા ૪ ચાવડા ૫ ચાંઉ ૬ ભરાડ ૭ મહુરિયા ૮ ગામોટ ૯ ધાધિયા ૧૦ મહેતા ૧૧ માલણ ૧૨ મઢવી ૧૩ સુમડ ૧૪ દાદલ ૧૫ સુર ૧૬ ખાંડેયા ૧૭ ખોડિયા ૧૮ ગરિયા ૧૯ અસવાર ૨૦ પંડયા ૨૧ ઝાટવાડિયા ૨૨ સવાણી ૨૩ સુંદર્‌યા ૨૪ વોરિયા ૨૫ વ્યાસ ૨૬ ઝાખરા ૨૭ વણેલા ૨૮ ઓડીસ ૨૯ ભાંમટા ૩૦ બોરીસાગર ૩૧ શીહોરા ૩૨ ધીખાણિયા ૩૩ બુજડા ૩૪ શાંખોલ ૩૫ જોષી ૩૬ શીમાણી ૩૭ માવાણી ૩૮ કેશુર ૩૯ મીયાત્રા ૪૦ મથ્થર ઇત્યાદિ.
સૌરાષ્ટ્રમાં ઘણા રાજગોરોને ગરાસમાં જમીનો પણ મળેલી છે. તેઓ માન મર્યાદાવાળી અને મહત્ત્વાકાંક્ષી કોમ છે. રાજ્ય કુટુંબોમાં અંદરો અંદર ઝઘડા થતાં ત્યારે સમાધાન માટે રાજપુરોહિતો જ સમજાવી શકતા. સમાધાન પછી કોઈ દગો કરે તો રાજગોર ગળે કટારી નાખીને મર્યાના દાખલા છે. બ્રહ્મહત્યાનું પાતક ન લાગે માટે રાજપૂતો રાજગોરનું સન્માન જાળવતા અને વચન નિભાવતા. પાળિયાદના કાઠી દરબારો કાશી કે ગંગાજી પિતૃઓના ફૂલ પધરાવવા જતા ત્યારે રાજગોરને સરવણીમાં સાથે રાખતા. ચૌદશના વડવાઓની ખાંભી જુહારવા જતા ત્યારે ખાંભીને કસૂંબો ગોરબાપાના હાથે લેવરાવતા. ગોરની હાજરી વિના ડાયરો અઘૂરો લાગે. પ્રથમ ગોરદાદાને કસુંબો મીઠો કરાવ્યા પછી જ ડાયરો કસૂંબો લેતો. રાજપુરોહિતની સેવાઓની કદર કરીને ભીમડાદ કુંભારાના દરબારોએ મકન ગોરને ખેતી માટે જમીન આપેલી. આજે તો રાજગોર બ્રાહ્મણોને ય પોતાની આટલી શાખ-અટક છે એની ભાગ્યે જ ખબર હશે!
ચિત્રઃ : સોમાલાલ શાહ

-Gujarat Samachar