એક કૃપણદ્રષ્ટિ અથવા કંજૂસદ્રષ્ટિ છે. બીજી સમ્યકદ્રષ્ટિ અથવા ઉદારદ્રષ્ટિ છે અને ત્રીજી શ્રેષ્ઠ દ્રષ્ટિ અથવા પરમ ઉદારદ્રષ્ટિ છે.
માણસ પાસે ત્રણ પ્રકારની દ્રષ્ટિ હોય છે. આમ તો દ્રષ્ટિના ત્રણથી વધુ પ્રકારો પણ પાડી શકાય તેમ છે પરંતુ મુખ્યત્વે ત્રણ પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે જેમાં એક કૃપણદ્રષ્ટિ અથવા કંજૂસદ્રષ્ટિ છે. બીજી સમ્યકદ્રષ્ટિ અથવા ઉદારદ્રષ્ટિ છે અને ત્રીજી શ્રેષ્ઠ દ્રષ્ટિ અથવા પરમ ઉદારદ્રષ્ટિ છે. કૃપણદ્રષ્ટિ એક એવી દ્રષ્ટિ છે જેમાં શુભમાંથી પણ અશુભ જોવાની કૃપણતા રહેલી હોય છે. સમ્યકદ્રષ્ટિ જેવું હોય તેવું જુએ છે જ્યારે પરમ ઉદારદ્રષ્ટિમાં દર્શક અશુભ તત્વમાં પણ શુભ તત્વનું દર્શન કરે છે. થાઇલેન્ડ દેશના ચાંગ માઇ શહેરમાં ‘માનસરાવણ’ વિષય પર નવમી રામકથા કરી રહ્યો છું ત્યારે રાવણ વિશે બોલું તે પહેલાં એક વાત ખાસ કહી દઉં કે રાવણને સમજવા માટે પરમ દ્રષ્ટિનો ઉપયોગ કરશો તો અને તો જ રાવણના પાત્રને સાચી અને સારી રીતે સમજી શકશો. રામાયણનો ભારત અને ભારત બહારના દેશોમાં પણ બહુ મોટો પ્રભાવ છે.
થાઇલેન્ડની આ રામકથામાં દરરોજ સાંજે થતા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અહીંના કલાકારો દ્વારા થાઇ રામાયણ રજૂ કરવામાં આવી. આ દેશમાં પણ અયોધ્યા નામનું નગર છે. અહીં રાજા બદલાતા રહે પણ દરેક રાજા માટે ‘રામ’ શબ્દનો ઉપયોગ થાય છે. આ બધું શું બતાવે છે? રામાયણ માત્ર હિન્દુસ્તાન પૂરતી સીમિત નથી પરંતુ બહારના ઘણા દેશો ઉપર એનો વ્યાપક પ્રભાવ છે. રાવણ રામાયણનો ખલનાયક છે, પરંતુ એને આપણી વરસો જૂની સંકીર્ણ દ્રષ્ટિથી જોઇએ તો એ ખલનાયક છે, પરંતુ વરસો જૂના ચશ્માંને થોડા સાફ કરીને પહેરવામાં આવે તો આ ખલનાયકમાં રહેલા સદ્ગુણો પણ જોવા મળે અને એક નૂતન દ્રષ્ટિકોણથી દશાનનનું દર્શન થઇ શકે. આપણે ત્યાં પ્રદક્ષિણાનો મહિમા છે. પ્રદક્ષિણા એટલે દરેક દિશામાંથી દર્શન. આપણે રાવણને એક જ દિશામાંથી જોઇશું તો કદાચ એમાં દુર્ગુણ સિવાય કશું ન દેખાય એવું બને પરંતુ જો રાવણની પ્રદક્ષિણા કરીશું તો આ પાત્રમાં શુભ તત્વોનું પણ દર્શન થશે એવી મારી માન્યતા છે. રાવણ સંન્યાસીનું રૂપ ધારણ કરીને સીતાનું અપહરણ કરે છે એ સામાન્ય રીતે રાવણ દ્વારા થયેલો સૌથી મોટો અપરાધ છે. એણે પોતાના જ ભાઇ વિભીષણને લાત મારીને કાઢી મૂક્યો એવા નાના-નાના ઘણા અપરાધ આ માણસ કરે છે પરંતુ વૈશ્વિક રીતે રાવણના પાત્રને ખલનાયક તરીકે ચીતરવામાં સૌથી વધુ ઉપયોગી થાય એવી ઘટના હોય તો એ જાનકીનું અપહરણ છે.
રાવણ સંન્યાસીનું રૂપ લઇને ગયો એ માટે ઘણા વિદ્વાનોએ ગહન ચર્ચા કરી છે, પરંતુ રામચરિતમાનસમાં તુલસીદાસ સ્પષ્ટ લખે છે કે રાવણ જ્યારે સીતાનું હરણ કરવા જતો હતો ત્યારે કૂતરાની માફક થથરતો હતો. રાવણને શ્વાનની ઉપમા આપવામાં આવી છે. રાવણ મહાપરાક્રમી હતો. નવ ગ્રહને પોતાના ઢોલિયા સાથે બાંધી શકે એના પરાક્રમની શું વાત કરવી? છતાં બાબા લખે છે કે સૂકા પર્ણનો થોડો અવાજ થાય તો પણ રાવણ ધ્રૂજી ઊઠતો હતો જ્યારે એ જાનકીનું હરણ કરવા જતો હતો. આ પ્રસંગ આપણને શીખવે છે કે માણસનું ચરિત્ર એને હિંમત બક્ષે છે. ગમે તેવો શક્તિશાળી માણસ પણ જ્યારે સત્યનો સંગ છોડશે ત્યારે શ્વાન જેવો ભીરુ બની જશે કારણ કે જ્યાં સત્ય છે ત્યાં શક્તિ છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શારીરિક રીતે બહુ શક્તિશાળી ન હતા અને એમના મસલ પાવરથી કે મની પાવરથી અંગ્રેજો ભાગ્યા એવું નથી. મહાત્માના મોરલ પાવરથી અંગ્રેજો ભાગ્યા છે. ગાંધીજી પાસે જે શક્તિ હતી એ સત્યની શક્તિ હતી. સ્વામી રામદાસ કહેતા હતા કે વિવેક સમાન કોઇ ગુરુ નથી અને ચિત્ત સમાન કોઇ શિષ્ય નથી. રાવણ વિવેક ચૂકયો અને ત્યાંથી એના પતનની શરૂઆત થઇ. રાવણને કોઇકે પૂછ્યું કે તમે બધું જીતીને મેળવ્યું છે તો પછી જાનકી શા માટે હરણ કરીને લઇ ગયા? ત્યારે દશાનન જવાબ આપે છે સીતા વ્યક્તિ નથી પણ ભક્તિ છે અને ભક્તિને મેળવવી હોય તો જાહેરમાં નહીં પરંતુ છુપી રીતે જ મેળવવી પડે. રાવણ સાથે ખરેખર આવી કોઇ પ્રશ્નોત્તરી ન થઇ હોય પરંતુ રાવણના પાત્રને સમજવા માટે સાહિત્યકારોએ સુંદર કલ્પનાઓ કરી છે જે આપણને ઉપકારક થતી હોય છે. પદ્મશ્રી દુલાભાઇ ભાયાભાઇ કાગ એટલે કે ભગતબાપુએ એક કવિતામાં સુંદર કલ્પના કરી છે. એમણે વિચાર્યું કે રાવણ તો માયાવી હતો. એ ધારે તેનું રૂપ લઇ શકતો હતો. આ લંકેશ જો રામનું રૂપ ધરે તો શું થાય એની સુંદર કવિતા આ લોકકવિએ લખી છે. રામાયણમાં ભગવાન રામ વાલીપુત્ર અંગદને રાવણના દરબારમાં સમાધાન માટે મોકલે છે. અંગદ પોતાના પૂંછડાને લાંબું કરીને રાવણ કરતાં પણ ઊંચું આસન બનાવીને એના ઉપર બેસે છે અને રાવણ-અંગદ સંવાદ શરૂ થાય છે. રામાયણમાં મહત્વના સંવાદોમાં પરશુરામ અને લક્ષ્મણ વચ્ચે જે સંવાદ સીતાજીના સ્વયંવર વખતે થાય છે એવો જ રસિક અને રોચક સંવાદ રાવણ અને અંગદ વચ્ચે થાય છે. અંગદ રાવણને મળીને જ્યારે રામની છાવણીમાં પાછો આવે છે ત્યારે કોઇકે કહ્યું કે તમે સીતાજીને દાવ પર મૂકી દીધા તે બરાબર ન કર્યું ગણાય. તમે દશાનન રાવણને એમ કહ્યું કે તું જમીન ઉપર મૂકેલો મારો પગ હટાવી દે તો હું જાનકીને હારીને પાછો જતો રહું. પરંતુ એ વખતે રાવણ દ્વારા તારો પગ હટી ગયો હોત તો શું થાત? ત્યારે અંગદે બહુ સરસ જવાબ આપ્યો કે જાનકી ભગવાન રામની છે અને જાનકીને બચાવવી એ રામની જવાબદારી છે. મને ભગવાન રામ ઉપર ભરોસો હતો કે ગમે તેટલા રાવણ ભેગા થાય તો પણ મારા અડગ પગને ડગાવી શકશે નહીં કારણ કે એ મારો પગ નહોતો પણ ઇશ્વર પ્રત્યેની મારી શ્રદ્ધા હતી. રાવણમાં શુભ તત્વો પણ હતાં અને અશુભ તત્વો પણ હતાં. માત્ર અશુભ તત્વોની યાદી કરીએ તો રાવણમાં ચોરી, હિંસા, અનૃત, દંભ, કામ, ક્રોધ, મદ, લોભ, ભેદ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, વ્યસન જેવા અનેક અવગુણ હતા, પરંતુ મેં અગાઉ કહ્યું તે રીતે માણસ પાસે પરમ ઉદારદ્રષ્ટિ હોય તો અવગુણમાંથી પણ સદ્ગુણ મેળવી શકે છે. આપણે માત્ર એટલું જ વિચારીએ કે જે અવગુણોથી રાવણનું પતન થયું એમાંનો એક પણ અવગુણ હું મારા જીવનમાં રાખીશ નહીં તો રાવણનું પાત્ર પણ પ્રેરણાદાયી બની શકે બાકી જે વ્યક્તિમાં શુભ ગ્રહણ કરવાની હંસવૃત્તિ નથી એને ભગવાન રામનું પાત્ર પણ ઉપકારક થવાનું નથી.
રામાયણમાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણે ભાઇને જગાડવામાં આવે છે પરંતુ ત્રણે બંધુને જગાડનાર અલગ-અલગ વ્યક્તિ છે. દશાનન રાવણને એની બહેન શૂર્પણખા જગાડે છે અને કહે છે કે તું જેનું હરણ કરીને લાવ્યો છે તે સ્ત્રીનો પતિ કોઇ સામાન્ય માણસ નથી માટે એની શરણાગતિ સ્વીકારવામાં આપણું ભલું છે. પરંતુ રાવણ માનતો નથી. ત્યારબાદ કુંભકર્ણને રાવણ ખુદ જગાડે છે અને જાગી ગયા બાદ કુંભકર્ણને જાણ થાય છે કે પોતાના ભાઇ દ્વારા જાનકીનું હરણ થયું છે અને રામ-લક્ષ્મણ રિછ અને વાનરની સેના લઇને લંકાના પાદર સુધી પહોંચી ગયા છે ત્યારે સાચા અર્થમાં જાગી ગયેલો કુંભકર્ણ પોતાના મોટાભાઇને કહે છે કે હું યુદ્ધ માટે તૈયાર છું પણ મારે એક પ્રશ્ન કરવો છે કે મેં સૂતા રહીને કશું ગુમાવ્યું નથી પરંતુ તમે જાગતા રહીને શું મેળવ્યું? આ કુંભકર્ણની સૂક્ષ્મ જાગૃતિ સૂચવે છે. વિભીષણને હનુમાનજી જગાડે છે, પરંતુ મારે અહીં એ કહેવું છે કે જે રાવણ કુંભકર્ણ જેવા મહાતામસી માણસને જગાડી શકે તે આપણને કેમ ન જગાડી શકે? માટે રાવણના પાત્રની પ્રદક્ષિણા કરીને એમાં રહેલા શુભતત્વને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો જોઇએ. રાવણ તમસ એટલે કે અંધકારનું પ્રતીક છે. એ તામસી પ્રકૃતિનું પ્રતીક નથી પણ રાજસી પ્રકૃતિનું પ્રતીક છે. કુંભકર્ણ તામસી પ્રકૃતિનું પ્રતીક છે અને વિભીષણ સાત્વિક પ્રકૃતિનું પ્રતીક છે. આપણે આપણી અંદર રહેલા રાવણને સુવાડી જાગી જવાનું છે. એક કાવ્યની પંક્તિ છે કે પદ પદ લંકા, ઘર ઘર રાવણ, ઇતને રામ કહા સે લાઉં? એ અર્થમાં દરેક નગર લંકાનગરી છે અને દરેક વ્યક્તિ વધુ કે ઓછા પ્રમાણમાં લંકેશ છે. એ લંકેશને કુંભકર્ણની માફક નિદ્રાધીન કરી આપણી અંદર રહેલા શુભ તત્વોને જગાડવાથી સૂક્ષ્મ અર્થમાં જાગી શકાશે. જો કૃપણદ્રષ્ટિ હશે તો વિભીષણમાં પણ રાવણનું દર્શન થશે અને જો પરમ ઉદારદ્રષ્ટિ હશે તો રાવણમાં વિભીષણનું દર્શન થશે માટે અંત:કરણની વૃત્તિને શાંત કરવાની જરૂર છે. અરીસામાં ચહેરો દેખાય છે પરંતુ પાણીમાં દેખાતો નથી કારણ કે પાણીમાં તરંગો હોય છે. જે માણસ પોતાના અંત:કરણની વૃત્તિને ચંચળમાંથી શાંત બનાવી શકશે તે સત્યનું પ્રતિબિંબ જોઇ શકશે. એ માટે અરીસા પરની અને ચશ્માં ઉપરની ધૂળ દૂર કરવી પડશે જેથી પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળે. માનવી જો જૂની માન્યતાઓ અને પૂર્વગ્રહોની ધૂળને ખંખેરી નાખે અને અંત:કરણ શાંત રાખે અને જો પરમ ઉદારદ્રષ્ટિ કેળવે તો અશુભ તત્વ પણ શુભ દેખાશે એવું મારું અંગત માનવું છે. (સંકલન: જગદીશ ત્રિવેદી) માનસદર્શન, મોરારિબાપુ
|
|