સીધા-સાદા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાં સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ લાગણીની સ્લેટ પર જ કરે છે.
આપણી આસપાસ વસતા હજારો લોકોમાં ઘણા એવા પણ નજરે ચડશે, જે સ્વભાવે એકદમ ભોળા અને વ્યવહારમાં સાવ સરળ હોય છે. આવી વ્યક્તિઓને ઘણી વખત 'ભગવાનના માણસ'નું લેબલ લગાવાતું હોય છે પરંતુ એવું પણ બનતું હોય છે કે સફળતા આવા સીધા-સાદા માણસોથી દસ ડગલાં દૂરથી જ ચાલી જાય છે. આવા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાંય સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને લાગણીશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ તેઓ લાગણીની સ્લેટ પર કરતાં હોય છે.
અહીં આવા સીધા લોકો માટે સફળ થવાના દસ પગથિયાં આપેલાં છે. આ પ્રત્યેક પગથિયું તમને સફળતાની ઓર નિકટ લઇ જશે.
પહેલું પગથિયું
આત્મવિશ્વાસ: પહેલો સગો પાડોશી નહીં બલકે આત્મવિશ્વાસ. યાની કી જાત પર ભરોસો છે! કોઇ કાર્યમાં તનતોડ મહેનત કરતા પહેલા એ કામ સફળતાપૂર્વક પૂરું કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઇએ. નહીંતર ખુદની યોગ્યતા પર નહીં પણ અને બીજાંની સલાહો પર ચાલનારાઓની તો આખી ફોજ છે.
બીજું પગથિયું
યોગ્યતા: એક સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે સૌથી મોટો તફાવત તેની યોગ્યતાનો હોય છે. કોઇ કામ હાથ પર લેતા પહેલા તે માટેની યોગ્ય લાયકાત કેળવવી જોઇએ. આપણે મહેનત ઘણી કરીએ પણ યોગ્યતાના પ્રશ્નને ઓપ્શનમાં કાઢી નાખીએ તો સફળતાનો સંઘ કાશીએ ન પહોંચે! યોગ્યતાની મૂડી વધારવા સતત જ્ઞાન મેળવતા રહો અને વહેંચતા રહો. સીધા રહીને પણ સફળ થઇ શકાય. બસ તમારા હરીફોથી બહેતર બનવાના પ્રયાસમાં લાગ્યા રહો.
ત્રીજું પગથિયું
આયોજન: રોજિદાં કામ હોય કે જિંદગીનાં મસમોટા ભગીરથ કાર્યો, બધું જ યોગ્ય રીતે આયોજનપૂર્વક થવું જોઇએ. મોટા ભાગના સીધા લોકોની આ જ મુશ્કેલી હોય છે કે તેઓ આયોજન કરવાની કળા નથી જાણતા હોતા અને પરિણામે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે. સફળ થનારા લોકોની ખૂબી એ જ હોય છે કે તેઓ દરેક કામને તબક્કાવાર આયોજનપૂર્વક જ કરતા હોય છે. આની સામે સીધા લોકો કહેતા રહી જાય છે કે 'ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો!' પરંતુ એવું નથી. સફળતા માટે જરૂરી છે ગણતરીપૂર્વકનું યોગ્ય આયોજન અને તેનું યોગ્ય 'બેકઅપ!'
ચોથું પગથિયું
પરિવર્તન: જેમ બંધિયાર પાણી સડી જાય તેવું જ વ્યક્તિત્વનું પણ છે. બદલાતા સમયની સાથોસાથ તમારા વ્યક્તિત્વમાં કોઇને કોઇ સકારાત્મક પરિવર્તન આણતા રહો, જેથી તમારો સહજ અને સરળ સ્વભાવ ઓર નીખરી આવશે. એટલું જ નહીં આજુબાજુનાં પરિવર્તનોને પણ એટલી જ સહજતાથી સ્વીકારતા શીખો. જો આપણે નહીં બદલાઇ એ તો સમય બદલાઇ જશે. આસપાસના લોકો બદલી જશે અને આપણે વસવસો કરીને ત્યાંને ત્યાં જ રહી જશું! પરિવર્તન એ સંસારનો જ નહીં, સફળતાનો પણ નિયમ છે!
પાંચમું પગથિયું
આંતરિક સંઘર્ષ: આપણી અંદર સતત એક યુદ્ધ ચાલતું રહે છે, એ છે જાત સામેનું યુદ્ધ. ઘણા લોકો આ આંતરદ્વંદ્વમાં જ પાછળ રહી જાય છે. જેમાં એક મન કહે છે બીજાઓ જેવા બનો, જયારે બીજું કહે છે જેવા છો તે જ ઠીક છો! ક્યારેક તો આ લડાઇ જીવનભર ચાલતી રહે છે. સફળ થવા માટે આંતરદ્વંદ્વના આ કળણમાંથી બહાર આવવું આવશ્યક છે. એ માટે મનને મક્કમ બનાવવું પડશે અને જાતને મજબુત બનાવવી પડશે 'અંદરથી સ્ટ્રોંગ!' તમારી દીવાદાંડી તમે જ બનો.
છઠ્ઠું પગથિયું
પડકાર: દરેક કામ, પ્રત્યેક તકને એક પડકારની જેમ ઝીલી લો. આ પડકાર આપણને લક્ષ્ય કેન્દ્રિત બનાવે છે. જો તમે નવાનવા પડકાર ઝીલવામાં ડરતા રહેશો તો સફળતા પણ આપણાથી ડરીને દૂર જ રહેશે. તકને પડકાર માનવાથી બીજો ફાયદો એ થાય છે કે એકાગ્રતા વધે છે અને સફળતાની શકયતાઓ પણ વધી જાય છે. એટલે જો સરળતાને વ્યક્તિત્વનો મંત્ર ગણીએ તો પડકાર એ સફળતાનો મંત્ર છે!
સાતમું પગથિયું
ટીમ વર્ક: આપણે રોબિન્સન ક્રૂસોની જેમ કોઇ ટાપુ પર એકલા નથી રહેતા. સાવ એકલા રહીને કોઇ કામ ન થઇ શકે. આપણે ગમે તેટલી સરળ, સમજદાર કે કાબેલ વ્યક્તિ હોઇએ પણ ટીમના મહત્વને વીસરી જઇને કામ કરશું તો સફળતા પણ એકલવાયી જ રહેશે. આપણે સફળ છીએ એવું માનવા માટે પણ બીજા લોકો જોઇશે ને! આથી ઊલટું, ટીમ વર્ક અને ભાગીદારીથી આપણામાં તંદુરસ્ત હરીફાઇના ગુણ ખીલે છે. વળી, આપણો સહજ સ્વભાવ ટીમમાં પણ સમ્માનનીય બનાવે છે.
આઠમું પગથિયું
લાગણીઓની સ્વસ્થતા: ઘણી વખત આપણે લાગણીઓને વશ થઇને એવાં કામો કરતા હોઇએ છીએ, જેને બીજા શબ્દોમાં સમાધાન કહી શકાય. અલબત્ત, આપણે બીજાને નુકસાન થાય એવું કશું ન કરીએ પણ આપણો ખુદનો ફાયદો થાય એવું તો કરી જ શકાય. વળી, એટલા આળા પણ ન બનીએ કે ખસખસના દાણાની પણ ઠેસ વાગી જાય!
નવમું પગથિયું
વ્યવહારકુશળતા: સીધા લોકો ઘણી વખત બીજાઓ સાથે વ્યવહાર કરવામાં જ માર ખાઇ જતા હોય છે. કરવા જઇએ ભલાઇ અને થઇ જાય કંઇક ઊલટું. આપણા વ્યવહારમાં વિચાર અને આચાર વચ્ચે સાતત્ય હોવું જોઇએ, જેથી બધા સામે ચાલીને આપણા સાથીદાર બનવા ઇચ્છે! જો આપણો વ્યવહાર નબળો અને સાવ બાંધછોડ કરવાની વૃત્તિવાળો રહ્યો તો સફળતા તો એક બાજુએ રહી પણ શોષણના શિકાર થઇ જવાની શકયતા રહે છે. એટલે 'સખાવત લાખની પણ વ્યવહાર કોડીનો'!
દસમું પગથિયું
ડર નિવારણ: ઘણી વખત આપણે કાલ્પનિક ભયથી પીડાતા હોઇએ છીએ. જેથી કામ શરૂ કર્યા પહેલા જ હાર માની લઇએ છીએ. આ ભયના પાયામાં અનુભવ અને આત્મવિશ્વાસ ખૂટતા હોય છે. સતત ડર્યા કરવાની વૃત્તિ આપણા પ્રયત્નોને પણ ત્રુટિયુક્ત બનાવે છે. સફળ લોકો કંઇ વિશિષ્ટ ઇશ્વરીય શક્તિ ધરાવતા નથી હોતા. બસ તેઓ ડર્યા વિના કામ કર્યે રાખતા હોય છે. સાચુકલા ભય કરતા ઘણી વખત આ કાલ્પનિક ભય વધુ ઘાતક પુરવાર થતો હોય છે, માટે સફળ થવા આ ભયને તો જાકારો દેવો જ રહ્યો.