20130131

કૉમ્પ્યુટર વિધવા


આપણી ઈન્દ્રિયો  આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે.
– ભગવાન શંકરાચાર્ય

જગતમાં સૌ શરાબીની  એક  કમનસીબી છે,
જે શરૂમાં શોખ હોઆગળ જતા પલટાય આદતમાં
મરીઝ 





કૉમ્પ્યુટર વિધવા                         – ડૉ. ગુણવંત શાહ

કૉમ્પ્યુટર વગરનું જીવન કેવું હોઈ શકે ?

મારી પાસે કૉમ્પ્યુટર નથી. એના વગર મારું કશુંય અટકતું નથી, મારે એ વસાવવું નથી. પરંતુ પ્રશ્નોત્તરી વિભાગ રિડિફ.કોમ શરૂ થયો ત્યારથી શીલા ભટ્ટ મને ઈન્ટરનેટ લેવા માટે આગ્રહ કરી રહ્યાં છે. મારે ઘરમાં માહિતીનું ગોડાઉન નથી જોઈતું. મારે તો માહિતીના વજન વગર હીંચકે બેસીને પ્રેમાનંદનું ‘નળાખ્યાન’ કે વાલ્મીકિનું ‘રામાયણ’ કે કાલીદાસનું ‘મેઘદૂત’ કે ભારવિનું ‘કિરાતાર્જુનિયમ’ કે ભવભૂતિનું ‘ઉત્તરરામચરિત’ કે શુદ્રકનું ‘મૃચ્છકટિકમ’ વાંચવું છે. કોમ્પ્યુટર સાથે જોડાયેલું ઈન્ટરનેટ મારાં ચરણોમાં દુનિયાભરની માહિતીનો ઢગલો ઠાલવી દે છે. કેવળ માહિતી તો ઘાસ જેવી છે. ઘાસ ખાવા માટે ગાય છે. માણસ તો એમાંથી બનેલું દુધ (જ્ઞાન) અને નવનીત (શાણપણ) પામવા માટે સર્જાયો છે. જો માહિતી ખાવાથી જ્ઞાની બનાતું હોત તો ઊધઈ સૌથી મોટી વિદ્વાન ગણાતી હોત. આટલું કહ્યા પછી કહેવાનું કે જો યોગ્ય વિનિયોગ થાય તો કૉમ્પ્યુટર આશીર્વાદ છે. હવે એના વગર નહીં ચાલે. દુનિયા ગામડું બની રહી છે. સરહદો અર્થહીન બની રહી છે. ઈન્ટરનેટ ઘણું આપી શકે તેમ છે. એની સામે એટલો લાંબો સમય ન બેસવું કે જીવન ખતમ થાય. કૉમ્પ્યુટર સાથે જડાઈ ગયેલા પતિની પત્નીને ‘કૉમ્પ્યુટર વિધવા’ કહે છે. કૉમ્પ્યુટર મિત્ર છે, પરંતુ એ તમારા માથા પર ચડી બેસે ત્યારે શત્રુ છે. બધો આધાર મારા–તમારા પર છે.
શ્રી કૉમ્પ્યુટરાય નમ:
લેખકના પુસ્તક ‘ગુફતગૂ’માંથી સાભાર