શીયાળો એટલે ઠંડીની મોસમ. જેમાં પ્રવાસીઓનો આનંદ અનેરો હોય છે. જોકે પ્રવાસીઓ તો મોટા ભાગે આ દિવસોમાં ગરમ સ્થળે જવાની ઇચ્છા રાખતા હોય છે, પરંતુ વિન્ટર સ્પોર્ટ્સએ આ દિવસોમાં હિલ સ્ટેશનની વિશિષ્ટતા છે. જો લાંબી રજા ગાળવાનો મૂડ હોય અને હરવાફરવાની સાથે થોડો રોમાંચ પણ માણી લેવો હોય તો રજાની મઝા કંઈક ઓર જ બની રહે છે.
હેલી સ્કીઇંગ
હેલ સ્કીઇંગ એ એવા પ્રવાસીઓ માટે છે, જેઓ વધુમાં વધુ રોમાંચનો લહાવો લેવા ઇચ્છે છે. એક હેલિકોપ્ટર પ્રવાસીઓને બરફ આચ્છાદિત પર્વતની ટોચ પર ઉતારે છે, જ્યાંથી વાંકાચૂંકા અજાણ્યા માર્ગે સ્કીઇંગ કરતાં કરતાં નીચે ઉતરે છે. જોકે આમાં થોડું જોખમ તો છે છતાં પણ આ અનોખો રોમાંચકારી અનુભવ છે.
ક્યાં જશો ઃ હેલી સ્કીઇંગ માટે મનાલીને સૌથી શ્રેષ્ઠ સ્થળ ગણવામાં આવે છે. મનાલીમાં હનુમાન ટિબ્બા, દેવ ટિબ્બા, રોહતાંગ પાસ.
***
આઈસ સ્કેટિંગ
આઈસ સ્કેટિંગ સ્કીઇંગની જેવું જ હોય છે. આ રમતમાં પગમાં સ્કેટ્સ બાંધી, બરફ પર લપસવાનું હોય છે. આ દરમિયાન શરીરનું સમતોલન જાળવી રાખવું ખૂબ જ જરૃરી હોય છે અને એ ઘણું સહેલું પણ હોય છે.
ક્યાં જવું ઃ આઈસ સ્કેટિંગ માટે સિમલા સૌથી ઉત્તમ જગ્યા છે. અહીંના વિન્ટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં તેને ઘણું મહત્ત્વ અપાય છે. અહીંનું આઈસ સ્કેટિંગ રિંગ વિશ્વના આ ભાગનું સૌથી મોટું કુદરતી રિંગ છે. અહીં આઈસ સ્કેટિંગ ડિસેમ્બરથી લઈને ફેબુ્રઆરી સુધી ચાલે છે. અહીં સવારસાંજ બે જ સેશન હોય છે. અહીં આખી સિઝન માટે અથવા ઓછા સમય માટે પણ મેમ્બરશિપ મળે છે.
***
આઈસ ક્લાઈબિંગ
આઈસ કલાઇબિંગ વિન્ટર સ્પોર્ટ્સનો સૌથી વધુ રોમાંચ આપનારો અનુભવ છે. સખત રીતે જામેલા બરફ પર ધીરે ધીરે ચડવું ઘણું મુશ્કેલીભર્યું હોવા છતાં આનંદ આપે તેવું છે. આઈસ ક્લાઈબિંગ સમયે પ્રવાસીઓએ તેમની સાથે ખાસ પ્રકારની કુહાડી રાખવી પડે છે. બરફવાળા પર્વતમાં પોતાના માટે રસ્તો બનાવતા બનાવતા ઉપર ચડવાની મજા કંઈ જુદી જ છે.
ક્યાં જશો ઃ આઈસ ક્લાઇબિંગ માટે જાણીતાં સ્થળો જમ્મુકાશ્મીર, ગઢવાલ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, કુમાઉ છે.
***
સ્નો-બોર્ડિંગ
સ્નોબોર્ડિંગ બેશક નવી રમત છે અને હજુ એટલી લોકપ્રિય પણ નથી, પરંતુ સ્કીઇંગ કરતાં વધુ મજાની છે. સ્કીઇંગમાં જ્યાં સ્કાયર્સ પોતાનું વજન એક સ્કીથી બીજી સ્કી પર નાખે છે ત્યાં સ્નોબોર્ડર્સને પોતાનું વજન બન્ને બોર્ડો પર પંજાથી એડીઓ તરફ શિફટ કરવું પડે છે.
ક્યાં જવું ઃ ઓલી (હિમાચલ પ્રદેશ)માં સ્નોબોર્ડિંગની ઘણી સારી સગવડ છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા અહીં પ્રવાસીઓને રહેવા માટેની પણ સરસ સગવડ છે. ઓલીના વિન્ટર સ્પોર્ટ્સ, જ્યાં પ્રવાસીઓને રોમાંચ અને ઉત્સાહથી ભરી દે છે ત્યાં નંદાદેવી અને હિમાલયના બરફથી આચ્છાદિત શિખરો જોઈને મનને અનહદ શાંતિ મળે છે. ગુલમર્ગ (જમ્મુકાશ્મીર)માં પણ સ્નોબોર્ડિંગની સરસ સગવડ છે.
***
ઓપન સી ફિશિંગ
પહાડી વિસ્તારોની નદીઓમાં ફિશિંગ માટે એપ્રિલથી જૂનનો સમયગાળો ઉત્તમ છે. ત્યાં મેદાની વિસ્તારમાં સમુદ્રમાં ફિશિંગ માટે ઓકટોબરથી ડિસેમ્બરનો સમય સારો છે.
ભારતમાં માત્ર ચાર મુખ્ય દરિયાઈતટ છે, જ્યાં ફિશિંગ કરી શકાય છે.
***
સ્કીઇંગ
સ્કીઇંગ ઠંડીની મોસમની સૌથી વધુ જૂની અને લોકપ્રિય રમત છે. ઊંચા ઊંચા પર્વતોની વાંકીચૂંકી કેડીઓ પર ચારે બાજુ બરફ જામેલો હોય ત્યારે આ સ્થિતિમાં પગમાં સ્કી બાંધી બરફ પર લપસવાની મજા કંઈક ઓર જ હોય છે. મોટા ભાગે ડિસેમ્બરની આખરમાં આ રમત રમવાની શરૃઆત થાય છે, જેનો માર્ચ સુધી આનંદ લઈ શકાય છે.
ક્યાં જશોઃ હિમાચલ પ્રદેશમાં ઓલી અને કુફરી (સિમલા) અને ગુલમર્ગ (જમ્મુકાશ્મીર) સ્કીઇંગના સૌથી જાણીતા ટૂરિસ્ટ સ્પોટ છે. જ્યાં પ્રવાસીઓના આ દિવસોમાં ટોળાં જોવા મળે છે. સ્કીઇંગ માટે જરૃરી બધાં જ સાધનો અહીં મળી રહે છે.
ઓલીમાં સ્કીઇંગનો ૭થી ૧૪ દિવસનો કોર્સ પણ કરાવાય છે. કુફરી અને ગુલમર્ગમાં વાર્ષિક વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરાય છે. આ સિવાય ઉત્તરાકાશી ગંગોત્રી રોડ પર દયારા બુગ્યાલામાં સ્કીઇંગને માટે ૨૮ ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો ઢોળાવ છે. મનાલી, નારકંડા, ચંબા, કુપર, પબ્બર (હિમાચલ પ્રદેશ) પણ સ્કીઇંગને માટે ઘણાં સારાં ટૂરિસ્ટ સ્પોટ છે.
લગભગ બધાં જ સ્કી રિસોર્ટ્સમાં પ્રવાસીઓને માટે બધી જ પાયાની સગવડ અપાય છે, જેવી કે સ્કી લોજ, લિટ્સ, રહેવાનું-જમવાનું વગેરે સહેલાઈથી મળે છે.
Gujarat Samachar