અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- 'મારું નામ હેડક જેમ્સ છે. હું પારલૌકિક દુનિયામાંથી આવું છું. આ દુનિયાની દ્રષ્ટિએ તો મારું મરણ થઈ ગયું છે. તમે પરલોકની દુનિયામાં માનો છો એટલે મને પ્રેતરૃપે જોઈને આશ્ચર્ય નહીં પામો એમ વિચારીને તમારી પાસે આવ્યો છું.
સત્તરમી સદીના એક પાદરી જેરેન્સી ટેલરે એમના સ્મૃતિ-ગ્રંથમાં એક પ્રેતાત્માને નરી આંખે જોયાનો અને એનો પરચો થયાનો પ્રસંગ લખ્યો હતો. એકવાર જેરેન્સી ઘોડા પર સવાર થઈ વેટફાસ્ટથી ડિલ્સગેરો જઈ રહ્યા હતા. ત્યાં અચાનક એક અજાણ્યો માણસ એમના ઘોડાની પીઠ પર સવાર થઈ ગયો. એના આવા વિચિત્ર વર્તનથી જેરેન્સી ડઘાઈ ગયા અને એ કોણ છે અને આવું કેમ કરે છે એ પૂછ્યું. તે માણસે કહ્યું - 'મારું નામ હેડક જેમ્સ છે. હું પારલૌકિક દુનિયામાંથી આવું છું. આ દુનિયાની દ્રષ્ટિએ તો મારું મરણ થઈ ગયું છે. તમે પરલોકની દુનિયામાં માનો છો એટલે મને પ્રેતરૃપે જોઈને આશ્ચર્ય નહીં પામો એમ વિચારીને તમારી પાસે આવ્યો છું. તમે સારી વ્યક્તિ છો અને મને મદદરૃપ થશો એવી આશા રાખું છું. તમારે મારી પત્ની પાસે જઈને મારો એક સંદેશો આપવાનો છે. તેણે બીજી વાર જે પુરુષ સાથે લગ્ન કર્યા છે તે તેનો નવો પતિ તેને છેતરીને તેની સાથે દગો કરી રહ્યો છે. તેના મનની મુરાદ ખરાબ છે. તેની સંપત્તિ હડપી લેવા તે કાવતરું કરવાનો વિચાર કરી રહ્યો છે. એટલે તે એનાથી દૂર રહે અને સાવધ રહે.' પાદરી જેરેન્સી ટેલરે તો એ માણસે જણાવેલા નામ અને સરનામા પરથી તે મહિલાને સંદેશો આપી દીધો.
પરંતુ જેમ્સની પત્નીએ એ પાદરીની વાત પર જરાય વિશ્વાસ ન મૂક્યો. તે ભૂત-પ્રેતની વાતમાં શ્રધ્ધા ધરાવતી નહોતી. તેણે એ સંદેશ પર ધ્યાન ન આપ્યું અને કોઈ સાવધાની પણ રાખી નહીં. સંપત્તિની લાલસા માટે જેણે એ મહિલા સાથે લગ્ન કર્યા હતા તેણે થોડા સમય બાદ એ મહિલાની હત્યા કરી દીધી. હત્યાનો કેસ કેરિક ફોરેન્સની કોર્ટમાં શરૃ થયો. પોલીસને પણ શંકા હતી કે તે મહિલાના નવા પતિએ એની સંપત્તિ હડપ કરી લેવા એની હત્યા કરી નાંખી હોવી જોઈએ. એમની તપાસ પણ એ દિશામાં જ જતી હતી. પાદરી ટેલરને આ વાતની જાણ થઈ એટલે તેમણે પણ પોલીસ અને અદાલત સામે આવીને પોતાની પ્રેત-મુલાકાતની વાત રજૂ કરી. મહિલાના મરણ પામેલા પૂર્વ પતિએ તે મહિલાને જે સંદેશો આપવાનો કહ્યો હતો તેમાં આ જ બાબત કહેવાઈ હતી. પોતે એ સંદેશો આપ્યો પણ હતો. પરંતુ તે મહિલાએ એના પર વિશ્વાસ મૂક્યો નહોતો. આ વાત સાંભળી અદાલતના ન્યાયાધીશ અચંબામાં પડી ગયા હતા. પણ એ પ્રેત-સાક્ષાત્કારનો કોઈ પુરાવો તો હતો નહીં. અદાલતના ન્યાયાધીશે કહ્યું - 'અમે આ વાતને સાચી કઈ રીતે માની લઈએ? એ મહિલાના મરણ પામેલા પૂર્વ પતિ હેડક જેમ્સનો પ્રેતાત્મા તમને મળીને સંદેશો આપે છે તો તે અહીં અદાલતમાં પ્રકટ થઈને કેમ આ બાબતની યથાર્થતા કહેતો નથી ?'
ન્યાયાધીશ કેરિક ફોરેન્સની વાતથી કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. કેટલાકના હોઠ પર તો સ્મિત પણ રેલાઈ ગયું. ત્યાં જ કોઈને અપેક્ષા નહોતી તેવું થયું. વીજળી પડવાથી થાય તેવો જોરદાર કડાકો થયો. આખી અદાલત ધૂ્રજી ઉઠી. પ્રેતાત્માની એક અસ્પષ્ટ છાયા ન્યાયાધીશના ટેબલ પાસે દ્રશ્યમાન થઈ. તે પ્રેતાત્મા છે એવી સૌને ખબર પડી ગઈ. તે પ્રેતાત્માના હાથ એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યા. જીવતાજાગતા માનવીના હાથ હોય તેવા સ્પષ્ટ... તે હાથે ન્યાયાધીશનો લાકડાનો હથોડો ઉપાડયો અને ન્યાયાધીશના ટેબલ પર ત્રણ વાર જોરથી પછાડયો. પછી આખી કોર્ટને સંભળાય તેવો સ્પષ્ટ મોટો અવાજ સંભળાયો - હું જેમ્સ હેડક છું. હું સાક્ષી આપું છું કે મારી ભૂતપૂર્વ પત્નીનું ખૂન સંપત્તિની લાલચમાં એના નવા પતિ ડેવિસે કર્યું છે. એ અહીં હાજર જ છે. પૂછો એને... ડેવિસને લાગ્યું એની ગરદનની આસપાસ કોઈ અદ્રશ્ય હાથની ભીંસ વધી રહી છે... ડેવિસને ખ્યાલ આવી ગયો કે તે કામ એ પ્રેતાત્માનું જ છે. એટલે એ કાંપવા લાગ્યો. એનું મોં જઘન્ય અપરાધના પાપથી કાળું પડી ગયું. પ્રેતાત્માના શબ્દો તેના કાનમાં ગૂંજવા લાગ્યા - 'તારો ગુનો કબૂલ કર. નહીંતર હું તને જીવતો નહીં જવા દઉં...' ડેવિસે કોર્ટમાં જ કબૂલ કરી લીધું - 'મેં સંપત્તિની લાલસામાં જ જેમ્સની વિધવા પત્ની સાથે નવા લગ્ન કર્યા હતા. મેં જ એને મારી નાંખી છે. હું ગુનેગાર છું.' કોર્ટે તેના પર મુકદ્દમો ચલાવ્યો અને તેને દંડ આપ્યો.
સત્તરમી સદીની એક અન્ય ઘટના પણ પ્રેત-ઉપદ્રવનો પુરાવો પૂરો પાડે છે. રોયલ સોસાયટીના ફેલો જોસેફ ગ્લેનવિન ઈંગ્લેન્ડના પ્રમાણિક, સન્માનનીય નાગરિક હતા. તેમણે તેમનાં સંસ્મરણોમાં ઈ.સ. ૧૬૬૨માં બનેલી એક પ્રેતાત્માના પરચાની વાત કરી છે - ઈંગ્લેન્ડના વિન્ટશાયરમાં નિમાયેલા એક ન્યાયાધીશની કોર્ટમાં એક વિચિત્ર કેસ આવ્યો હતો. એક અર્ધ-પાગલ જેવો માણસ આખો દિવસ નગારું વગાડયા કરતો અને ભીડ ભેગી કરી પૈસા ભેગા કરતો હતો એટલે પોલીસે તેની ધરપકડ કરી તેનું નગારું જપ્ત કરી તેના પર કેસ કર્યો હતો. તેને એના પ્રાચીન નગારા સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો. ન્યાયાધીશે તેને ફરી જાહેરમાં નગારું ન વગાડવાની ચેતવણી આપી તેને છોડી દીધો. પરંતુ તેનું નગારું તો જપ્ત કરી જ લીધું. પોલીસે તે નગારું ન્યાયાધીશના ઘેર જ મોકલી આપ્યું. ન્યાયાધીશના ઘરમાં એક ખૂણામાં ખાસ કામની ન હોય એવી વસ્તુઓ રાખતા હતા ત્યાં તે મૂકી દેવાયું. જે દિવસે તે ન્યાયાધીશના ઘરમાં આવ્યું તે દિવસથી જ ઉપદ્રવ શરૃ થઈ ગયા. કોઈ ઘરના બારણા જોરજોરથી ખખડાવતું, ઘરના છાપરા પર ધમાચકડી મચાવતું, આંગણામાં ઉછળકૂદ કરતું હોય એવું લાગતું. પછી ઘરની વસ્તુઓ એની જગ્યાએથી આઘીપાછી થઈ જતી, એની જગ્યા પરથી ઉછળીને નીચે પડી જતી. બહુ તપાસ કરી પણ આવું કોણ કરે છે અને કેમ કરે છે તેની ખબર ના પડી.
એક દિવસ મેજિસ્ટ્રેટ એમના ઘરમાં ભોજન લઈ રહ્યા હતા ત્યાં એક વિચિત્ર ઘટના બની. ઘરનું મુખ્ય બારણું ખખડવા લાગ્યું અને બીજી જ પળે એક જોરદાર ધડકા સાથે સ્ટોપરથી બંધ કરાયેલું બારણું ખૂલી ગયું. એક કદાવર આદિવાસી જેવો માણસ બારણું તોડી અંદર આવ્યો હોય તેવું લાગ્યું. અંદર આવીને તે કશું શોધતો હોય તેમ આમતેમ ફરવા લાગ્યો. મેજિસ્ટ્રેટે તેનો ચહેરો ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો તો પાછી વિચિત્ર બાબત બની. તે માણસનો ચહેરો, હાથ, પગ વગેરે દેખાતા બંધ થઈ ગયા... માત્ર કોટ જ ઘરમાં ફરતો હોય તેવું દેખાવા લાગ્યું. જે જગ્યાએ પેલું જૂનું નગારું - ઢોલ રાખ્યું હતું ત્યાં એ બહુ જ આંટા મારતો.
આ ઘટના નજરે જોયા પછી મેજિસ્ટ્રેટ મોકસનને ખ્યાલ આવી ગયો કે જરૃર આની પાછળ કોઈ પ્રેતાત્માનું જ કારણ છે. તેમણે બહુ વિચાર કર્યો કે પહેલાં તો આ ઘરમાં આવું કોઈ તત્ત્વ જોવા મળ્યું નથી તો હમણાથી જ કેમ જોવા મળે છે? પછી એકાએક ખ્યાલ આવ્યો કે આ ઘટનાની શરૃઆત થઈ તે દિવસે જ પેલા અર્ધપાગલ - વિક્ષિપ્ત માણસનું નગારું મારા ઘરમાં આવ્યું છે. તેમણે એ અર્ધપાગલનો સંપર્ક સાધ્યો તો આશ્ચર્યજનક વાત જાણવા મળી. એ માણસ પહેલેથી પાગલ નહોતો! તેણે એક કબાડી માર્કેટમાંથી જૂનું નગારું સાવ સસ્તા ભાવે ખરીદ્યું તે પછી તેના મગજની હાલત બગડવા લાગી હતી. ધીરે ધીરે અર્ધપાગલ જેવો થઈ ગયો હતો. સમય અને સ્થળનો વિચાર કર્યા વિના આખો દિવસ તે નગારું વગાડયા કરતો. વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે જે દિવસે તેનું નગારું જપ્ત થઈ ગયું તે દિવસથી તેની માનસિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવા માંડયો હતો અને મોક્સને તેનો સંપર્ક સાધ્યો ત્યારે તે એકદમ સ્વસ્થ થઈ ગયો હતો! ન્યાયધીશ મોક્સને તરત તે નગારું તેમના ઘરમાંથી હટાવી લેવડાવ્યું અને પાછું તે કબાડી માર્કેટમાં મોકલાવી દીધું, જ્યાંથી તેને પેલા માણસે ખરીદ્યું હતું. ન્યાયાધીશ મોક્સનના ઘરમાં તે જ દિવસથી શાંતિ થઈ ગઈ. તમામ પ્રેત-ઉપદ્રવો બંધ થઈ ગયા. આ ઉપરથી સાબિત થાય છે કે ઘણીવાર પ્રેતાત્મા પોતાની પ્રિય વ્યક્તિ કે વસ્તુની આસપાસ ફરતા રહેતા હોય છે!
-Gujarat Samachar.