બહુયે ચહું રે તોય ક્યમ કરી કહું
મારો ફફડે છે જીવ ઘણો રાંકડો !
હાં કે સૈયર લાગ્યો રે –
રે લાગ્યો અણિયાળી આંખ્યુનો આંકડો !
મારો ફફડે છે જીવ ઘણો રાંકડો !
હાં કે સૈયર લાગ્યો રે –
રે લાગ્યો અણિયાળી આંખ્યુનો આંકડો !
કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી
આડો ઊતર્યો ઓલ્યો ફાંકડો,
આઘીપાછી તે જરી થાવા નો પામી કે
મારગડો હતો સાવ સાંકડો.
આડો ઊતર્યો ઓલ્યો ફાંકડો,
આઘીપાછી તે જરી થાવા નો પામી કે
મારગડો હતો સાવ સાંકડો.
ચસચસતો ચોરણો, કોરુંમોરું કેડિયું
સાફલિયો બાંધ્યો સહેજ વાંકડો,
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.
સાફલિયો બાંધ્યો સહેજ વાંકડો,
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.
ના ઝાલી બાંયજી કે ના ઝાલ્યો છેડલો
ના માર્યો વ્હાલે એ કાંકરો,
આઘેથી આવડલી આંખ્યના ઉલાળે રે
ચિત્તનો ઘુમાવી ગિયો ચાકડો.
ના માર્યો વ્હાલે એ કાંકરો,
આઘેથી આવડલી આંખ્યના ઉલાળે રે
ચિત્તનો ઘુમાવી ગિયો ચાકડો.