૭૬ની ઘટના. તપન નામનો અઢાર વર્ષનો હેન્ડસમ યુવાન. મોરબીની એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે. એક દિવસ સવારના દસ વાગે લઘુશંકા કરવા માટે ગયો, પછી તરત જ ગભરાઇને ડોકટરની પાસે દોડી ગયો. ‘શું થયું છે?’ જનરલ પ્રેકિટશનર ડો. લિંબાસિયાએ પૂછ્યું. ‘પેશાબમાં લોહી પડે છે.’ તપને જવાબ આપ્યો. ‘એટલે કે યુરિનનો કલર લાલશ પડતો છે એમ જ ને?’ ‘ના, યુરિનને બદલે લાલ ચટ્ટાક લોહીની ધાર થાય છે.’ડો. લિંબાસિયાએ દવા લખી આપવાને બદલે તાત્કાલિક પેશાબનું લેબોરેટરી પરીક્ષણ કરાવી લેવાનું મુનાસિબ સમજયું. શહેરની સારી ગણાતી પેથેલોજી લેબોરેટરી ઉપર ભલામણ ચિઠ્ઠી લખી આપી. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થઇને આવી ગયો. લખ્યું હતું: પ્લેન્ટી ઓફ પસ સેલ્સ. એબન્ડન્ટ રેડ બ્લડ સેલ્સ. ડૉ.લિંબાસિયા સમજી ગયા કે રિપોર્ટ ગંભીર હતો, પણ સામે બેઠેલા તપનની હાલત રિપોર્ટ કરતાં પણ વધારે ગંભીર હતી. એના શરીરમાંથી લોહી ઓછંુ થઇ રહ્યું હતું એની સાબિતી એના મોં ઉપર દેખાઇ રહી હતી. ‘તને યુરિનરી ઇન્ફેકશન થયું છે. સારી એન્ટિબાયોટિક દવા લખી આપું છું. પાંચ દિવસનો કોર્સ છે, પણ ફરક પડવાની શરૂઆત ચોવીસ કલાકમાં થઇ જશે, કહીને ડો. લિંબાસિયાએ પ્રિસ્ક્રિપ્શન ઉતારી આપ્યું.
ચોવીસ કલાકમાં ફરક જરૂર પડયો, પણ ડોકટરે કહ્યું હતું એના કરતાં તદ્દન ઉલટી દિશાનો. તપનના પેશાબમાં લોહીની માત્રા વધતી ગઇ. હવે પેશાબમાં લોહીને બદલે લોહીમાં પેશાબ જતો હોય એવું થઇ ગયું. ડો. લિંબાસિયાએ શહેરના જાણીતા ફિઝિશિયન અને બીજા એક હોશિયાર સર્જનનની મદદ લીધી. મોટા ડોકટરો એટલે વધારે પરીક્ષણો. તપનના પેશાબતંત્રમાં પથરી કે ટી.બી.નો ચેપ કે ગાંઠ જેવ બીમારી છે કે નહીં એ માટેના ટેસ્ટ્સ કરાવી જૉયા. કશું જ ન જડયું. ત્યાં સુધીમાં તપન એટલો કમજોર પડી ચૂકયો હતો કે એને રાજકોટ ખસેડવો પડયો. તપનનાં મમ્મી-પપ્પા રાજકોટમાં રહેતાં હતાં અને રાજકોટ એ વખતે પણ તબીબી ક્ષેત્રે સૌરાષ્ટ્રનું પાટનગર હતું.
રાજકોટમાં પણ તમામ શ્રેષ્ઠ તબીબોની પેનલ તપનની બીમારીનું નિદાન કરવા માટે બેઠી. એ બધાંએ ભેગા મળીને એક વાત શોધી કાઢી કે આ બાબતમાં એમનાથી કશુંય થઇ શકે તેવું નથી. સિનિયર ડૉકટરે તપનના પપ્પાને સલાહ આપી, ‘તમારો દીકરો ડૂબી રહ્યો છે. એને બચાવવો હોય તો ઝટ મુંબઇ ભેગો કરો.’ કોથળા જેવા બની ચૂકેલા દીકરાને ચકીને વિમાનમાં નાખવામાં આવ્યો. મુંબઇની પ્રખ્યાત, મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં પણ દરેક વિભાગના વડા નિષ્ણાત તબીબો તપનની હાલત તપાસવા ભેગા થઇ ગયા. દરેકનાં મોંમાંથી પહેલું વાકય સરી પડયું તે આ હતું, ‘ઓહ, નો, હી ઇઝ અલમોસ્ટ ડેડ!’
આ લગભગ મૃત:પ્રાય બની ચુકેલા યુવાનને બચાવવા માટે બધા કામે લાગી ગયા. નવેસરથી લેબોરેટરી પરીક્ષણો કરાવવામાં આવ્યાં, પણ એના રિપોર્ટ્સ આવે એ પહેલાં ફરજ ઉપરની નર્સે દોડતાં આવીને સમાચાર આપ્યા, ‘સર, તપન ઇઝ સિન્કિંગ! એનું બ્લડપ્રેશર ઝડપથી ઘટી રહ્યું છે. પલ્સ પણ મંદ પડતી જાય છે.’ એક અઠવાડિયા પહેલાંનો ગોરો, ભરાવદાર, સોહામણો તપન હવે કાળો અને ચમકવિહોણો દેખાઇ રહ્યો હતો.
સિનિયર ડોકટર નિર્ણય ઉપર આવ્યા, ‘નિદાનની રાહ જોઇ શકાય તેમ નથી. રોગની સારવારને નિર્ણય કરીએ ત્યાં સુધીમાં તો તપન!’ પછી એમણે અશુભ વાતમાંથી જીભને વાળી લીધી, ‘એના શરીરમાંથી એટલું બધું લોહી ચાલ્યું ગયું છે કે આપણે પહેલું કામ તો એને થોડું-ઘણું લોહી ચડાવવાનું કરવું પડશે. લેટ અસ મેનેજ ફોર બ્લડ ટ્રાન્સફયુઝન!’
તપનના લોહીનું સેમ્પલ બ્લડ બેન્કમાં મોકલાયું. અડધા કલાકમાં તો એક બોટલ બ્લડની આવી ગઇ. તપનની ‘વેઇન’માં પારકું રકત દાખલ થવું શરૂ થઇ ગયું, પણ આફતો આવે છે ત્યારે સમૂહમાં આવે છે. તપનને બીજાના લોહીનું જબરદસ્ત રિ-એકશન આવ્યું. આખા શરીરમાં ખજવાળ પડી, ચામડી ઉપર લાલ ચકામાં પસી આવ્યાં, છાતીમાં દુ:ખાવો પડયો, શ્વાસમાં રૂંધામણ થવા લાગી. તરત જ લોહીનો બાટલો બંધ કરી દેવો પડયો. હવે શું કરવું? સિનિયર ફિઝિશિયને રસ્તો બતાવ્યો, ‘દરદીના સાવ નજીકનાં સગાં હોય એનું લોહી ચડાવો! શકય હોય તો એનાં મમ્મી અથવા પપ્પાનું જ બ્લડ એને આપો, જેથી રિએકશન ન આવે.’ પણ તપનના પપ્પાને ડાયાબિટીસ હતો. મમ્મી પોતે જ એટલી નબળી હતી કે જૉ એના શરીરમાંથી એક યુનિટ લોહી કાઢી લેવામાં આવે, તો બીજા બે યુનિટ જેટલું રકત એને ચડાવવું પડે! આ તબક્કે તપનની કટોકટીભરી સ્થિતિની વાત વાયરાની પાંખે સવાર થઇને મુંબઇના એક બહુ જૂના, લગભગ નિવૃત્તિની ધાર ઉપર બેઠેલા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ સર્જન ડૉ. મહેતાના કાન સુધી જઇ પહોંચી. ડૉ. મહેતા વગર આમંત્રણે દોડી આવ્યા. તપનને તપાસી લીધો. એનો કેસપેપર વાંરયા વગર સીધો અને એકમાત્ર સવાલ પૂછ્યો, ‘તને લોહી પડવાની શરૂઆત થઇ એની પહેલાં તેં કોઇ ટેબ્લેટ ગળી હતી ખરી? કોઇ પણ અન્ય બીમારી માટે દવા લીધેલી હતી ખરી?’ પથારીમાં પડેલા તપને સ્મૃતિ ઉપર વજન મૂકીને જવાબ શોધી કાઢયો, ‘હા, મને સાધારણ તાવ આવ્યો હતો, એટલે મેં કેમિસ્ટની દુકાને જઇને તાવની ગોળી માગી હતી.’ ‘એ ગોળીનું નામ એનાલ્જન હતું?’ ‘હા, એ ગોળી ખાધા પછી મારો તાવ તો તરી ગયો, પણ બીજા દિવસની સવારથી મારા પેશાબમાં લોહી પડવું શરૂ થઇ ગયું હતું.’ ‘બેટા, એમ સમજ કે પેશાબ વાટે લોહી નહીં, પણ તારી જિંદગી જઇ રહી હતી! પણ હવે તું ચિંતા ન કરીશ. હું આવી ગયો છું, હું તને મરવા નહીં દઉં.’ દસ મિનિટ પછી દસ જેટલા ધુરંધર કન્સલ્ટન્ટ ડોકટરો સમક્ષ ડો. મહેતા પોતાનું અનુભવ-વિશ્વ ઠાલવી રહ્યા હતા, ‘તપનને બીજું કંઇ નથી, પણ એ જી-સિકસ પી.ડી.નો કેસ છે. એના શરીરમાં આ નામનાં એક ખાસ તત્ત્વની ણપ છે. માટે એને કેટલીક ખાસ દવાઓ આપી શકાય તેમ નથી. એમાં સામાન્ય તાવ માટે એણે લીધેલી એનાલ્જિનની ગોળી પણ આવી જાય છે. તરત જ એના શરીરે ગોળીની સામે પ્રતિક્રિયા બતાવવી શરૂ કરી દીધી. પરિણામે છોકરો મરવા જેવો થઇ ગયો.’ ‘તો હવે સારવારમાં શું આપવું?’ ‘સારવારમાં એટલું જ કરો, એને આપો છે એ બધી જ સારવાર બંધ કરી દો! તપન ચોવીસ કલાકમાં સાજો થઇ જશે. હા, એણે જે લોહી ગુમાવ્યું છે એ સરભર તો કરવું જ પડશે, પણ એ લોહી એના નિકટનાં સગાંનું હોવું જૉઇએ અને અમુક ખાસ પરીક્ષણો કયાô પછી જ આપવું જોઇએ. ‘ડો. મહેતાએ મત જણાવ્યો. આવું લોહી તપનના મામા નિરંજનભાઇ તરફથી મળી ગયું. તપન ઝડપથી બેઠો થઇ ગયો. મોતના મુખમાંથી પાછો ફરેલો તપન અત્યારે તો પચાસ વરસનો થઇ ચૂકયો છે. પૂરેપૂરો તંદુરસ્ત છે. એનો યુવાન પુત્ર કદાચ પપ્પાના આ જીવલેણ અનુભવમાંથી પ્રેરણા મેળવીને ડોકટર બની ચૂકયો છે.
તપનભાઇ દીકરાને એક સલાહ અવશ્ય આપે છે, ‘બેટા, ડોકટર બનવું અઘરું છે. સારા અને હોશિયાર ડોકટર બનવું વધારે અઘરું છે, પણ અનુભવી ડોકટર બનવું સૌથી વધારે અઘરું પણ છે અને જરૂરી પણ…’
સત્યઘટના. પાત્રોનાં નામો બદલ્યાં છે,