20130429

શુભ કાર્ય માટે શુભ મુહૂર્ત જરૂરી


દરેક કાર્ય અનુસાર તેનાં મુહૂર્ત પણ અલગ-અલગ હોય છે. મુહૂર્તશાસ્ત્રમાં મુખ્ય શુભ યોગો આ પ્રમાણે છે. સર્વાર્થ સિદ્ધિ યોગ,રવિપુષ્ય યોગ, ગુરુપુષ્ય યોગ, પુષ્કર યોગ, રાજયોગ, રવિયોગ તથા કુમારયોગ.
* અમાસની તિથિએ માંગલિક કાર્યોનો પ્રારંભ કરવો જોઈએ નહીં.
* રિક્તા તિથિઓ જેમ કે ચોથ, નોમ, ચૌદશે આજીવિકા સંબંધિત કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવો જોઈએ નહીં.
* નંદા તિથિઓ જેમ કે પ્રતિપદા, છઠ્ઠ અને અગિયારસે કોઈ પણ યોજનાનો અમલ અથવા ક્રિયાન્વિત ન કરવી.
* રવિવાર, મંગળવાર તથા શનિવારે મેળ-મિલાપ કે સંધિનાં કાર્ય ન કરવાં.
* ચંદ્ર જે દિવસે રાશિ પરિવર્તન કરે તે તિથિ અને નક્ષત્રમાં કોઈ પણ કાર્યની રૂપરેખા બનાવવી નહીં અને કાર્યારંભ કરવો નહીં.
* જે દિવસે નક્ષત્ર અને તિથિનો યોગ ૧૩ આવે તે દિવસે પારિવારિક અથવા સામાજિક ઉત્સવ અથવા કાર્યનું આયોજન કરવું જોઈએ નહીં.
* જ્યારે કોઈ ગ્રહ ઉદય અથવા અસ્ત હોય ત્યારે તેનાથી ત્રણ દિવસ પહેલાં અને ત્રણ દિવસ પછી પોતાના કોઈ વિશેષ કાર્યની શરૂઆત ન કરવી.
* પોતાની જન્મરાશિનો અને જન્મ નક્ષત્રનો સ્વામી જ્યારે અસ્ત હોય, વક્રી હોય અથવા શત્રુ ગ્રહોની વચ્ચે હોય ત્યારે તે સમયમાં પણ પોતાના જીવન સાથે જોડાયેલ અને આવક સંબંધી ક્ષેત્રોનો વિસ્તાર અથવા યોજનાઓને ક્રિયાન્વિત કરવી જોઈએ નહીં. બુધ ગ્રહને અસ્તનો દોષ ઓછો લાગે છે.
* તિથિ, નક્ષત્ર અને લગ્નની સમાપ્તિ થઈ રહી હોય તે સમયે જીવન, મૃત્યુ અને આયુષ્ય સાથે જોડાયેલ કોઈ પણ કાર્યને અંજામ આપવો જોઈએ નહીં.
* ક્ષય તિથિને હંમેશાં કોઈ પણ કાર્ય માટે ત્યાગવી જોઈએ.
* સમીપર્વત ગ્રહણ જે નક્ષત્રમાં થયું હોય તે નક્ષત્રને આગળના ગ્રહણપર્યંત શુભ કાર્યોથી દૂર રાખવું જોઈએ.
* જન્મ રાશિથી ચોથી, આઠમી અને બારમી રાશિ પર જ્યારે ચંદ્ર હોય ત્યારે તે સમયે પ્રારંભ કરવામાં આવે તો તે કાર્ય નષ્ટ થઈ જાય છે.
* શુભ કાર્યના પ્રારંભમાં ભદ્રકાળથી બચવું જોઈએ.
* ચંદ્ર જ્યારે કુંભ અથવા મીન રાશિમાં હોય તે સમયે ઘરમાં અગ્નિ સંબંધી વસ્તુઓ જેવી કે કાષ્ઠ, ગેસ સિલિંડર, પેટ્રોલ, અસ્ત્ર-શસ્ત્ર, નવાં વાસણ, વીજળીનો સામાન અથવા મશીનરી લાવવાં જોઈએ નહીં.
* વિવાહ માટે મંગળવારે કન્યાની અને સોમવારે વરની વરણી ક્યારેય કરવી જોઈએ નહીં.
* જન્મવાર અને જન્મ નક્ષત્રમાં નવાં કપડાં પહેરવાં શુભ રહે છે.
* પુષ્ય નક્ષત્ર માત્ર વિવાહ માટે જ નહીં, પરંતુ અન્ય સઘળાં કાર્યોમાં તે શુભ હોય છે.
* દેવશયન સમયમાં બાળકને શાળામાં પ્રવેશ કરાવવો જોઈએ નહીં.
* ચર એટલે કે યાત્રા સંબંધી કાર્યો માટે ચર લગ્ન જેમ કે મેષ, કર્ક, તુલા, મકર યોગ્ય છે.
* સ્થિર કાર્યો જેમ કે વિવાહ કે ભવનનિર્માણ વગેરે માટે સ્થિર લગ્ન જેમ કે વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ યોગ્ય રહે છે.
* ઘરના કોઈ વડીલનો શ્રાદ્ધ દિવસ હોય અથવા મૃત્યુતિથિ હોય તે દિવસે કોઈ નવા કાર્યની શરૂઆત કરવી જોઈએ નહીં.
* પરીક્ષાનું ફોર્મ ભરવા અથવા કોઈ ઈન્ટરવ્યૂ વખતે નંદા અને જયા તિથિઓ શુભ માનવામાં આવી છે.
* સૂર્ય જ્યારે બુધ અને ગુરુની રાશિઓમાં હોય તો તેવા સમયે નવા ભવનમાં પ્રવેશ કરવો જોઈએ નહીં.
* મંગળવારે ધન ઉધાર લેવું જોઈએ નહીં અને બુધવારે આપવું જોઈએ નહીં.
* સોમવાર અને શનિવારે પૂર્વ દિશામાં, ગુરુવારે દક્ષિણ દિશામાં, રવિવાર અને શુક્રવારે પશ્ચિમ દિશામાં, મંગળવાર અને બુધવારે ઉત્તર દિશામાં વ્યવસાયિક અથવા પારિવારિક કાર્ય માટે યાત્રા કરવી જોઈએ નહીં.
વિવાહ, મુંડન, ગૃહપ્રવેશ વગેરે શુભ કાર્યોમાં માસ, તિથિ, નક્ષત્ર, યોગાદિની શુદ્ધિ સાથે વિવાહ લગ્નની શુદ્ધિને સવિશેષ મહત્ત્વ અને પ્રધાનતા અપાઈ છે. તિથિને શરીર, ચંદ્રને મન, યોગ-નક્ષત્ર વગેરેને શરીરનાં અંગ તથા લગ્નને આત્મા માનવામાં આવેલ છે.
સામાન્ય માહિતી ..... ના સોજ્ન્ય માંથી ...