ફસ્ર્ટ એમ.બી.બી.એસ.નું વર્ષ હતું. આખરી પરીક્ષા નજીકમાં હતી. હોસ્ટેલની રૂમમાં બેસીને હું એનેટોમીનું પાઠયપુસ્તક વાંચી રહ્યો હતો. માનવીના મગજનું વિજ્ઞાન સમજતાં-સમજતાં મારું મગજ દુખવા લાગ્યું. મેં માર રૂમ પાર્ટનરને કહ્યું, ‘દોસ્ત, ચા પીવી પડશે.’‘તુમને તો મેરે મૂંહ કી બાત છીન લી! ચાલ, સામે જ તો કેન્ટીન છે. શુભ કામમાં દેર શાની?’ રૂમ પાર્ટનરે ફિઝિયોલોજીનું થોથું બાજુ પર મૂકી દીધું. અમે બંને જણા ‘ચા સત્ય, જગત મિથ્યા’નો મંત્રજાપ કરતાં-કરતાં કેન્ટીનમાં દાખલ થયા. જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલ કેન્ટીનના માલિક આદમ સાથે મારો પ્રથમ પરિચય એ દિવસે થયો. બપોરના ત્રણ વાગ્યા હતા. સપ્ટેમ્બરના આહ્લાદક દિવસો હતા. લગભગ વિદાય થઇ ચૂકેલા ચોમાસાના ભીનાં પગલાં હજુ પણ હવાની સપાટી પર વાંચી શકાતા હતા. એવામાં નોકર આવીને બે ગંદા કપમાં લાલ રંગનું વરાળ છોડતું પાણી અમારા ટેબલ ઉપર મૂકી ગયો. પ્રથમ ઘૂંટડે જ મારા દિમાગમાંથી પણ વરાળ વછૂટી. મેં ઘાંટો પાડયો, ‘આદમ…!’ જવાબમાં પાંત્રીસેક વર્ષનો આદમ હાજર થયો, ‘જી, સા’બ!’ ‘યે કયા હૈ?’ ‘જી. યે ચાય હૈ!’
‘ઇસમેં દૂધ કયોં નહીં હૈ?’ ‘દૂધ ડાલા હૈ, સા’બ લૈકિન જરા કમ ડાલા હૈ.’ આદમનો જવાબ નફફટાઇ અને જુઠ્ઠાણાના સમાન ભાગવાળા મિશ્રણ સમાન હતો. હું ગુસ્સે થવા જતો હતો, પણ અટકી ગયો. મેં જૉયું કે કેન્ટીન ભરચક્ક હતી. દરેક ટેબલ ફરતે ચાર-પાંચ વિધાર્થીઓ બેઠેલા હતા. પણ ચા-નાસ્તો કરીને કેન્ટીન છોડતી વખતે ભાગ્યે જ એમાંના કોઇ પૈસા ચૂકવવાની તકલીફ ઉઠાવતા હતા. આદમે દયામણો ચહેરો કરીને ખુલાસો રજૂ કર્યો, ‘દેખતે હો ના? જબ પૈસા આયેગા, તો દૂધ આયેગા, ઔર જબ દૂધ આયેગા તબ ચાય ભી અરછી બનેગી. વરના તો યે ગરમ પાની હી મિલેગા, સા’બ!’ આદમ બૂરા નહીં હૈ, યે સબ આદમી બૂરે હૈ!’ ઢીલું, જૂનું, ડાઘાવાળું પેન્ટ. અડધી બાંયનું કયારેય ન ધોવાતું શર્ટ. તેલ નાખ્યા વગરના અસ્તવ્યસ્ત વાળ. લાલઘૂમ આંખો અને થોથર ચડી ગયા હોય તેવો ચહેરો. આ છેલ્લાં બે લક્ષણો આદમે આગલી રાતે કરેલા સુરાપાનને કારણે હતા એની તો મને વરસો બાદ જાણ થયેલી. પાણી જેવી ચા અને વાસી નાસ્તો ઐ આદમની ક્રિયા હતી, તો બિલ ન ચૂકવવું એ વિધાર્થીઓની પ્રતિક્રિયા હતી. આદમ પણ કયારેય કડક ઉઘરાણી કરતો નહીં. બહુ-બહુ તો એકાદ વાર કરગરી જુએ, ‘સા’બ, આપકે કલકે પૈસે બાકી હૈ. પાંચ કપ ચાય કે ઔર તીન પ્લેટ ચવાણે કે.’ વિધાર્થીઓ પેંધા પડી ગયેલા હતા. કયારેક હસીને વાતને ઉડાવી મૂકતા, તો કયારેક આદમની સામે લાલ આંખ કરતા, ‘આ ઉકાળેલા પાણીના તારે પૈસા, જોઇએ છે, એમ? જૉ ડિન સાહેબને ફરિયાદ કરીશું, તો તારો કોન્ટ્રેકટ જપ્ત થઇ જશે.’ આટલી હકીકત પરથી કોઇ એવું ન ધારી લે કે આદમ અને અમારી વરચે માત્ર નફરતનો અને છેતરપિંડીનો સંબંધ હતો. આદમ અમારો પ્રિય આદમ હતો અને એને પણ અમારા વગર ચાલતું જ નહીં. કયારેક સખત કડકીના દિવસો આવી જાય, ત્યારે આદમ અમને ના પાડી દે, ‘આજ નાસ્તેમેં કુછ નહીં હૈ. ખાલી ચાય મિલેગી.’ જવાબમાં અમે રસોડાની અંદર ઘૂસી જતાં અને પતરાના ડબ્બાઓ જાતે ખોલીને અંદરથી કડક થઇ ગયેલી બ્રેડ કે વાસ મારતું ચવાણું જાતે જ મેળવી લેતા. આદમ મૂંગો-મંૂગો, બીડીનું ઠૂંઠૂં ચૂસતો, અમારું તોફાન જૉઇને હસતો રહેતો. હું મારું બિલ નિયમિતપણે ચૂકવી આપતો. સાથે થોડોક ઠપકો પણ, ‘આદમ, તું કયાં સુધી આમ ને આમ છેતરાયા કરીશ? હું જૉઉં છું કે કેટલાક છોકરાઓ તો સવારનો નાસ્તો, બપોરનું લંચ અને રાતનું ડિનર પણ તારી કેન્ટીનમાં જ પતાવી નાખે છે. છ-છ મહિના લગી બિલ નથી ચૂકવતા. પછી એનો ભોગ અમારે બનવું પડે છે. તું શા માટે કડક ઉઘરાણી?’‘ઉપરવાલા સબ દેખતા હૈ, સા’બ!’ આદમ હસી દેતો. હું મારી જાતને. પૂછી બેસતો આ માણસ ભલો છે? કે મૂર્ખ? અને પછી મારા કાન પર આદમનો અવાજ અથડાતો. એ કોઇ અકરાંતિયા વિધાર્થીને કહી રહ્યો હતો, ‘જૉસેફ, પીછલી પાંચ ટર્મસે તું રોજ પાંચ-પાંચ આદમિયોં કા ખાના ઉડા રહા હૈ. આજ તક એક પૈસા ભી નહીં ચૂકાયા આજ કુછ તો…’ જોસેફ કિશ્ચિયન હતો. ઓવરસીઝ સ્ટુડન્ટ હતો. વિદેશીઓના કવોટા ઉપર પ્રવેશ મેળવીને આવ્યો હતો. નપાસ ઉપર નપાસ થયા કરતો હતો. એને મળતી સ્કોલરશિપ કયારનીયે અટકી ગઇ હતી. છેલ્લી પાંચ ટમ્ર્સથી એ આદમના માથે પડયો હતો. એક ટર્મના છ મહિના. પાંચ ટમ્ર્સ એટલે પૂરા ત્રીસ માસ. અઢી વર્ષ. પછી અમારી ચામાં દૂધ કયાંથી આવે?
આજે બત્રીસ-તેત્રીસ વર્ષ પછી પણ કશું જ બદલાયું નથી. મેડિકલ કેમ્પસમાં હોસ્ટેલ છે, કેન્ટીન છે અને ઘરડો બની ચૂકેલો આદમ છે. હવે વહીવટ એના જુવાન દીકરાઓના હાથમાં છે. આદમ પેરેલિસિસનો ભોગ બનીને લાકડાની બેંચ ઉપર પડયો રહે છે. ચા આજે પણ ઉકળતું પાણી છે અને ચવાણું આજે પણ વાસી છે. કશું જ બદલાયું નથી. સિવાય કે એક દિવસે બનતી એક ઘટના. બપોરે બે વાગ્યે એક ઇમ્પોર્ટેડ કાર આવીને ઉભી રહે છે. અંદરથી એક જાડિયો ફોરેનર બહાર નીકળે છે. જાડિયો મોટેથી બરાડે છે, ‘આદમ! એ…ય…, આદમ! મુજે પહેચાના કિ નહીં?’ આદમ બહાર નીકળવાની સ્થિતિમાં નથી, જાડિયો કેન્ટીનમાં ઘૂસે છે. સૂતેલા આદમને ઢંઢોળે છે, ‘મૂજે પહેચાના?’
આદમ આંખો પટપટાવે છે. સાડા છ ફિટ ચો, સવાસો કિલોગ્રામથી પણ વધારે વજનવાળો. એ હસી પડયો, ‘હમ જોસેફ. હમકુ માલુમ થા તુમ નહીં પહેચાનેગા. તુમ હમકુ ભૂલ જાયેગા, લૈકિન હમ તુમકુ કૈસે ભૂલ સકતા? તુને તો મુજે ખિલાયા-પિલાયા. જો તૂં નહીં હોતા, તો યે જૉસેફ ડૉકટર નહીં બન શકતા. દેખ, મેં તેરે લિયે કયા લાયા!’ આટલું કહીને જાડિયા જોસેફે એના પેટને ઢાંકતો કીમતી કોટ હટાવ્યો. એની ફાંદ ઉપર સોનાનો જાડો બેલ્ટ બાંધેલો હતો અને એ પટ્ટા નીચે કરન્સી નોટોની થપ્પીઓ દબાવેલી હતી. જોસેફે સાચા સોનાનો પહોળો વજનદાર પટ્ટો કાઢીને આદમની છાતી પર મૂકયો અને રૂપિયાના ઢગલા નીચે આદમનું આખું શરીર ઢાંકી દીધું. ‘યે તો કુછ ભી નહીં હૈ, આદમ! બહા કાર ખડી હૈ વો ભી તેરે લિયે હૈ. મૈં સ્ટીમરમેં ચઢાકર લાયા હૂં એશ કર, આદમ! એશ કર! તેરા યે જૉસેફ બહોત કમાયા હૈ.’ આદમના દેહને લકવો હતો, મનને નહીં. એની લાગણી આંખોનું પાણી બની ગઇ. એણે નોટોની એક થોકડી સ્વીકારીને આંખે અડકાડી. બાકીનું બધું જાડિયાને પાછું આપી દીધું. ગાડીની તો એને જરૂર જ કયાં હતી! પગ જ નકામા થઇ ગયા હતા. એણે કંપતા અસ્પષ્ટ અવાજે એના દીકરાને ‘ઓર્ડર’ સંભળાવ્યો, ‘એક ચાય લાઓ! ઔર સૂનો, આજ ચાયમેં જરા ભી પાની મત ડાલીયો. આખ્ખે દૂધ કી ચાય બનાઇયો!’ આજે આટલાં વરસ બાદ આદમની ઉદારતા રંગ લાવી રહી હતી. મોડી તો મોડી પણ ઉઘરાણીની વસૂલાત થવા લાગી હતી. ‘ખુદા કે ઘર દેર હૈ, મગર અંધરે નહીં હૈ’ એ કહેવત સાચી પડી રહી હતી. આદમ આવે ટાણે આંસુ ન ખેરવે તો બીજું કરે પણ શું? ધરતી ઉપર માત્ર બે જ આદમ થઇ ગયા. એક પહેલો આદમ અને બીજૉ અમારો આદમ.
(સત્ય ઘટના,
Dr.SHARAD THAKAR