20130427

મોટી આંખોવાળી એ છોકરી પર નજર પડતાંની સાથે જ મનમાં વસી ગઇ--આશા ઐયર


- કોલેજના એક એસાઇનમેન્ટ માટે ફિલ્ડમાં જવાનું થયું, ત્યારે સમાજની વાસ્તવિકતાનો સામનો થયો
- માત્ર લેખ લખવાથી આવી છોકરીઓની સ્થિતિ બદલાવાની છે? ખરેખર તો સમાજના દૃષ્ટિકોણને બદલવો જરૂરી છે


મને નાક પર સ્કાર્ફનો છેડો દાબતાં જોઇ એ હસવા લાગી અને મેં જ્યારે એની સામે જોયું ત્યારે બોલી, 'મેં કહ્યું હતું ને કે તારાથી સહન નહીં થાય?’ 'એવું નથી.’ મેં જરા મક્કમ સ્વરે કહ્યું હતું. એ ફરી હસવા લાગી હતી. એ વાતવાતમાં હસતી હતી. મારાં પ્રોફેસર કહે છે કે આ રીતે હસવું એ પણ 'ડિફેન્સ મિકેનિઝમ’ હોય છે.

હું સોશિયલ વર્કના છેલ્લા યરની વિદ્યાર્થીની હતી. ફિલ્ડ વર્કના નામે અમને સમાજના જુદા જુદા વર્ગથી અવગત કરાવવામાં આવ્યા છે. અમને એવા પણ દૃશ્યો જોવા મળ્યા, જે પરિવારજનોએ અમને જણાવ્યા નહોતા, એમ વિચારીને કે આપણે ઉચ્ચ વર્ગના હોવાથી સમાજના આવા વર્ગથી દૂર જ રહેવું જોઇએ. મેં મારા આ ખાસ કાર્ય માટે કચરો વીણતી બાળકીઓ પસંદ કરી છે. આ શોધમાં એક દિવસ મારી નજરે રીના ચડી. મોટી ચમકદાર આંખોવાળી એ છોકરી પર નજર પડતાંની સાથે જ મારા મનમાં વસી ગઇ.

ત્રણેક દિવસ તો હું દૂરથી જ એને જોતી રહી. આ દરમિયાન મેં એના અનેક ફોટા પણ લીધા. ચોથા દિવસે એક જગ્યાએ એને થોડી વાર થાક ઉતારવા બેઠેલી જોઇ હું એની પાસે ગઇ. એણે પહેલાં તો મારી સામે અછડતી નજર નાખી અને થોડી વાર હાથમાં પકડેલું બિસ્કિટ ખાતી રહી. મને ત્યાં ને ત્યાં જ ઊભેલી જોઇ એણે ફરી મારી સામે જોઇ સ્મિત કર્યું. 'તું મને ઓળખે છે?’ એણે હવામાં હાથ હલાવીને કહ્યું, '... પણ અદ્દલ બીજા લોકો જેવાં જ છો.’ 'બીજા લોકો જેવી?’ મારા ડિજિટલ કેમેરા અને ફાઇલ તરફ ઇશારો કરતાં એ બોલી, 'આ છે ને બધું.’ મેં પૂછ્યું, 'આ બધામાં એવું શું છે?’

'આવા જ કેમેરા, ફાઇલ અને પેન લઇને કેટલાય સાહેબો, મેડમ લોકો આવે છે. અમને અનેક સવાલો કરે છે. ફોટા પાડે છે અને જતાં રહે છે. અમને નાસ્તા-પાણીના પૈસા આપી જાય છે.’ એ મારા પર્સ સામે નજર કરતાં બોલી. હું થોડી વાર કંઇ બોલી નહીં, તો એણે મારી સામે મધુર સ્મિત કર્યું અને એના એ સ્મિત પર હું ફિદા થઇ ગઇ. એની સાથે ફરતાં ફરતાં ત્રીજા દિવસે મને ખબર પડી કે કચરામાં ફેંકી દેવાયેલા પેકેટમાંથી એ અને એનાં ભાઇ-બહેનો સફાઇપૂર્વક આખા બિસ્કિટ કાઢી લેતાં અને રીનાના શબ્દોમાં જ કહું તો, 'આનાથી અમે અમારી પાલ્ટી કરીએ છીએ. ક્યારેક તો કીરીમવાળા મળી જાય છે.’ 'અમે એટલે કોણ કોણ?’ મેં પૂછયું.

'હું, મારી મોટી બેન, નાની બેન અને ભાઇ.’ પછી પોતાની પાસેની જગ્યા સાફ કરતાં બોલી, 'આવો, બેસો. પૂછો, શું પૂછવું છે?’ એને આવી રીતે બોલતી જોઇને મારાથી હસ્યા વિના ન રહેવાયું.'તારું નામ?’ 'રીના, મને દસ વર્ષ થયાં છે. મારી મા, માસી, ભાઇ-બેન બધાં જ કચરો વીણે છે.’ 'તારા પપ્પા?’ 'મારો બાપ આખો દિવસ દારૂ પીએ છે અને અમારી કમાણી પર જલસા કરે છે.’ એ બોલી, 'અમારી સાથે રહેતી ઘણી સ્ત્રીઓ પણ ક્યારેક એકાદ-બે ગ્લાસ પી લેતી હોય છે.’ મારી આંખોમાં આશ્ચર્યભાવ જોઇ એ હસવા લાગી, 'એ વાતાવરણમાં રહો ને, તો તમે પણ પીવા લાગો.’ વિચારતાં જ જાણે મારા મનમાં એ દુર્ગંધ પ્રસરી ગઇ.

હું નાક પર રૂમાલ મૂકતાં સહેજ અચકાઇ. 'તમારે શું વાંધો? તમે લોકો જે ઘરમાં ન રાખી શકો, તે બધું કચરામાં નાખી દો છો. છોકરાઓની પોટી, ગંદા કપડાં, એંઠવાડ... અમારે તો એ બધું અમારા હાથે જ ઉપાડવું પડે ને.’ એટલામાં કોઇની બૂમ સંભળાઇ, 'રીના... અલી રીના... કોની સાથે વાતે ચડી છો? ઘરે ચાલ...’ 'આવી પહોંચી મારી મોટી બેન સદિયા...’ એ ધીમા સ્વરે બોલી. મેં પાછળ જોયું, તો અદ્દલ રીના જેવી જ દેખાતી થોડી મોટી ઉંમરની છોકરી ઊભી હતી. રીના ગઇ, પણ જતાં જતાં મને ફરી આવવાનો ઇશારો કરતી ગઇ.

બે દિવસ સુધી તો મારે મારા વિશ્વાસને જાળવી રાખવો પડયો. ત્રીજા દિવસે હું એક કલાક વહેલી પહોંચી ગઇ અને મારી યુક્તિ સફળ નીવડી. મને જોતાં જ એના ચહેરા પર સ્મિત છવાઇ ગયું. મને રાહત થઇ કે ચાલો, એ પણ મારી રાહ જોતી હતી. 'કેમ? તારી બહેનને શું વાંધો હતો? તને કોઇ વઢયું નહોતું ને?’ 'ના રે ના, મને વઢવાનું તો કંઇ નવી વાત નથી. બે વખતથી જેટલા લોકો આવે છે, એ બધાં મારા જ ફોટા પાડી જતાં હોવાથી એ મારા પર ચીડાય છે.’

'એને તારી સાથે લેતી આવજે, એના પણ ફોટા પાડીશું.’ એ બોલી, 'અને એને થોડું પૂછશો તો બધું બરાબર થઇ જશે.’
'તો ક્યાં છે એ? એને બોલાવ...’ 'ચાલો, આપણે બેસીએ. એ આવતી હશે.’ દસેક મિનિટમાં જ સદિયા આવી ગઇ. મેં પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, 'તમને લોકોને કૂતરાની બીક નથી લાગતી?’ મને અનુભવ હતો કે જ્યાં કચરાપેટીની આસપાસ કૂતરા આંટા માર્યા કરતાં હોય છે.

'કયા?’ 'અહીં આંટા મારતાં, રખડતાં હોય છે ને?’ 'આ? ચાર પગવાળાં? ના રે, એમનાથી તે શું ડરવાનું? એમના કરતાં તો બે પગનાં જે કૂતરાં ફરતાં હોય છે તે વધારે ભયંકર હોય છે.’ રીનાની બહેન પહેલી વાર બોલી. હું થોડી વાર તો સ્તબ્ધ થઇ ગઇ, પણ પછી વિચાર્યું સાચું જ કહે છે. આ એ જ સમાજ છે જ્યાં બળાત્કાર વખતે સ્ત્રીની જાતિ, ધર્મ કે રૂપ સાથે કંઇ લાગતુંવળગતું નથી. થોડી વાર પછી મેં પૂછયું, 'આવા કૂતરા આવે તો તમે લોકો શું કરો?’

'પહેલી વાત એ કે અમે બધાં સાથે રહીએ છીએ.’ એ રીના સામે જોતાં બોલી, 'આ ગાંડી સાંભળતી નથી ને એકલી આવતી રહે છે. માએ અમને કટર આપી રાખ્યાં છે. કોઇ વધારે નજીક આવે તો મારી દેવાનું, જ્યાં વાગે ત્યાં.’
પછી ઉમેર્યું, 'એક વાર અમારી ત્રણે બેનો જતી હતી, ત્યારે બે માણસો અમારી પાછળ પડયા હતા. અમે અલંકાર કોલોની પાછળ હતા, પાછળના રસ્તે.

પાછળનો રસ્તો ખબર છે ને?’ મેં માથું હલાવ્યું, તો એ બોલી, 'ત્યાં લોકો પાછળ નકરો કચરો ફેંકી દે છે. અમે બૂમો પાડી હોત તો પણ કોઇએ સાંભળી ન હોત. અમને ખબર હતી કે ત્યાંથી થોડે જ દૂર સરકારી પટાવાળાના ઘર અને જાહેર શૌચાલય હતા. ત્યાં એક નાળામાં ગંદકી હતી. અમે એ બંનેને ઇશારાથી ત્યાં સુધી લઇ ગયા. વીણાએ એમને હાથ પકડાવ્યો અને અમે બંનેએ પાછળથી માર્યો ધક્કો બંને એમાં જઇ પડયાં. હવે કચરો વીણતી છોકરીઓનો ભૂલેચૂકેય હાથ નહીં પકડે.’

'ભણવા વિશે ક્યારેય વિચાર્યું છે?’ આ સાંભળી બંને હસી, 'અમે ભણવા જઇશું, તો કચરો કોણ વીણશે તમે લોકો?’ મને લાગ્યું જાણે કોઇએ જોરદાર તમાચો માર્યો હોય, છતાં મેં પ્રયત્ન કર્યો કે એ બંનેને સમજાવી શકું, 'ભણશો તો બીજું કંઇ કામ કરશો, ઘરમાં રહી શકશો.’ 'અમને કોણ ઘરમાં રહેવા દેશે? અમારાં એક કાકીના બાપાએ આઠમા ધોરણ સુધી ભણાવ્યાં, પછી એમનાં લગ્ન થયાં ને એ અમારી સાથે રહેવા આવ્યાં. એમને આમાં ક્યાંથી ગમે? એ રોજ કચ-કચ કરતાં કે બીજે ક્યાંક ઘર લો. કાકા ખૂબ રખડ્યાં, પણ જ્યાં ધંધાનું કહે કે અમે કચરો વીણીએ છીએ, તો એમને કોઇ મકાન ભાડે આપતાં નહીં. અમે ભણીએ તો પણ આ તમારો સમાજ અમને ગંદા જ સમજશે.’ એટલામાં રીના બોલી ઊઠી, 'અલી ભાગ... પેલા બળદિયા આવ્યાં...’ અને એ દોડવા લાગી.

'દોડ નહીં, ધીરે ચાલ...’ સદિયાએ કહ્યું, 'દોડીશ તો એ આપણી પાછળ દોડશે. ચાલો મેડમ, જરા ઝડપથી ચાલીએ.’ અમે સુરક્ષિત અંતરે પહોંચી ગયાં ત્યારે પોતાની ચાલ ધીમી કરતાં સદિયા બોલી, 'હમણાં થોડા દિવસ પહેલાં કચરાપેટી પાસે ઊભેલી ગાયને રોટલી ખવડાવવા જતાં એક માજી મરી ગયાં ને’ યાદ આવ્યું,મેં છાપાંમાં વાંચ્યું હતું કે કચરાપેટી પાસે ઝઘડતા બળદિયાથી ગભરાઇને એક વૃદ્ધાનો ટ્રક સાથે એક્સિડન્ટ થયો. ઉફ આ છોકરીઓ રોજ આવી અસલામતી વચ્ચે કેવી રીતે આટલી આનંદથી જીવે છે? હું ગુમસુમ થઇ ઘરે આવી.

રિપોર્ટ લખવાનો હતો, પણ શું લખું? એમના જીવનમાં પરિવર્તન લાવવા માટે શું સૂચન આપું? સમાજના દૃષ્ટિકોણને બદલવો કેટલો જરૂરી છે? જેટલો કચરો આપણે બહાર ફેંકીએ છીએ, તેનાથી અનેકગણો કચરો તો આપણી અંદર છે. આ ઊંચનીચ અને ભેદભાવનો કચરો બાહ્ય કચરાથી વધારે દુર્ગંધ મારે છે અને સદીઓથી સડી રહ્યો છે લોક ક્લાયણકારી રાજ્ય આ નામ મને ઉપલક લાગવા માંડ્યું હતું. 'સમાજસેવા’ના નામે જે લોકો જશ ખાટી જાય છે મને લાગ્યું કે એ લોકોએ પોતાનાં નામ બદલી નાખવા જોઇએ.

સદિયા અને રીનાનો ફોટો હાથમાં પકડી હું વિચારી રહી હતી કે હું એમના માટે કંઇ ન કરી શકું, તો સામાજિક કાર્યમાં ડિગ્રી લેવાનો શો અર્થ? માત્ર લેખ લખવાથી એમની અને એમનાં જેવી હજારો છોકરીઓની જિંદગીમાં કંઇ પરિવર્તન નહીં આવી શકે. મેં મનોમન એક સંકલ્પ કર્યો. અલબત્ત, એ પણ સાચું છે કે મારા એ સંકલ્પનું કોઇ નામ મને સૂઝતું નથી. શીશ અદીબીનો શેર છે, 'એક શય હૈ જો બેદાર કિયે જાતી હૈ દિલ કો, એક અઝ્મ હૈ ગો ઉસકા મુઝે નામ ન આયા.’