પ્રયાગે ફોન કર્યો ત્યારે એની પ્રેમિકા પંછીનો પતિ ત્રિલોચન ઘરમાં હાજર જ હતો. પણ પંછી ચબરાક હતી. એ જાણે પોતાની બહેનપણીનો ફોન આવ્યો હોય એવી સહજતાથી પ્રયાગ સાથે વાત કરવા માંડી, ‘હાય, ડોલી! કેમ છે?’
‘ડોલી?! સમજી ગયો. ત્રણ આંખોવાળો તારો વર ત્રિલોચન ઘરમાં લાગે છે. એ રાક્ષસ હજુ ગયો નથી?’
‘અરે, જો ને! તાપ કેટલો બધો પડે છે! પણ લાગે છે કે ઉનાળો હવે પૂરો થવાની તૈયારીમાં છે. એક-બે દિવસમાં જ વરસાદ પડવો જોઇએ.’
‘હં..! સમજયો! તારો જાલીમ ધણી હવે ગમે તે ઘડીએ ઘરમાંથી બહાર પડશે, ખરું ને? પણ એક-બે દિવસ એટલે મારે શું સમજવું? એક-બે મિનિટ કે એક-બે કલાક?’
‘ઓહ્, ડોલી! તારે ટી.વી. સિરિયલનો સમય જાણવો છે ને? તો સાંભળ, ‘સાજન ઔર સજની’ કાર્યક્રમ બપોરે એક વાગ્યે શરૂ થાય છે અને એ શરૂ થવા આડે માંડ એક-બે મિનિટ બચી છે. તું ટી.વી.ની સ્વીચ ઓન કર, ચેનલ ટયુન કર, એટલી વારમાં ‘સાજન ઔર સજની’ ચાલુ થઇ જશે.’
કોઇ ચેનલ ઉપર સાજન-માંજન કે સજની-ફજની જેવી સિરિયલ હતી નહીં, આ બધી તો સાંકેતિક વાતો હતી. પંછીએ એનો પતિ ન સમજે એ રીતે પ્રેમીને જણાવી દીધું કે પોતાનો પતિ અત્યારે ઘરમાં છે, પણ એ હવે ઓફિસમાં જવાની તૈયારીમાં જ છે અને એ પછી એક અને બે વાગ્યાની વરચેના સમયમાં પોતે અને પ્રયાગ શાંતિથી મળી શકશે. ‘સાજન ઔર સજની’ નામનો કોઇ કાર્યક્રમ જો ભજવાશે તો એ પંછી અને પ્રયાગની અંગત, ગોપિત જિંદગીરૂપી કેબલ ચેનલ ઉપર ભજવાશે અને એને જોનાર ભગવાન સિવાય બીજો એક પણ પ્રેક્ષક નહીં હોય.
ફોન ઉપર વાત ચાલતી હતી. એ સમયે ત્રિલોચન બૂટની દોરી બાંધી રહ્યો હતો. એ પછી તરત એણે બ્રિફકેસ હાથમાં લીધી અને બહાર જવા માટે બારણું ઊઘાડયું. પછી એ અટકયો, પત્નીની સામે જોઇને એણે ઘાંટો પાડયો, ‘આજે તો અગિયારશ છે ને? એટલે હું મટન તો નહીં જ જમી શકું ને?’
‘સવાલ જ નથી ને! તમારે હાડકાં ચાટવા હોય તો બહાર હોટલમાં જ જમીને આવજો! અગિયારશના પવિત્ર દિવસે મારું રસોડું ન અભડાવશો, પ્લીઝ!’
ત્રિલોચન કંસરાજની અદાથી હસ્યો, ‘ઠીક છે, પણ એટલું યાદ રાખજે કે કયારેક તારાં જ હાડકાં ચાવી જવાનો છું! હા… હા… હા..!’
ક્રૂર વિધાત્રીની આ કઠોર મજાક હતી કે ત્રિલોચન જેવા દુષ્ટ પુરુષને નમણી નાગરવેલ જેવી પંછી પત્નીરૂપે મળેલ હતી. ત્રિલોચન બધી વાતે પૂરો હતો. એના બાપા મરતી વખતે જામેલો ધંધો મૂકતા ગયા હતા, એટલે એને કમાણીની ચિંતા ન હતી. શરાબ એનો સંગાથી હતો, નોનવેજ ભોજન એનો શોખ હતો અને જુગાર એનો ટાઇમ-પાસ હતો. પંછી જેવી પદમણીનું સ્થાન એના જીવનમાં પત્ની તરીકેનું નહીં, પણ પગલુછણિયા જેવું હતું. પાંચ વર્ષના અત્યંત ત્રાસભર્યા લગ્નજીવન બાદ ખુદ પંછી આજે પોતાની જાતને પ્રશ્ન પૂછી રહી હતી, ‘હું આપઘાત કરીને મરી કેમ ન ગઇ?!’ જો પંછી આજે જીવી રહી હતી તો એનું એક માત્ર કારણ એ હતું કે આ તબક્કે એને પ્રયાગ જેવો પુરુષ પ્રેમી સ્વરૂપે મળી ગયો હતો. ત્રિલોચન ગયો એ પછી દસ મિનિટ બાદ પ્રયાગનું આગમન થયું. એને ઘરમાં લીધા પછી પંછીએ પહેલો પ્રશ્ન આ પૂછ્યો, ‘અહીં આવતાં તને કોઇએ જોઇ તો નથી લીધો ને?’
‘ના.’ પ્રયાગે યાદ કરીને જવાબ આપ્યો, ‘આમ તો ખાસ કોઇની નજર નથી પડી, પણ તારા બંગલાની સામે જે મકાન આવેલું છે તેની ઓસરીમાં એક ફાલતુ માણસ ઊભો હતો. એ ટીકી-ટીકીને તારા બંગલા તરફ જોઇ રહ્યો હતો. એક ક્ષણ માટે મને એમ પણ થયું કે હું પાછો વળી જાઉ, પણ પછી બેધડક રીતે સાવ નોર્મલ બનીને જાણે હું તારા પતિને મળવા આવ્યો હોઉ એ રીતે અંદર સુધી ચાલ્યો આવ્યો. પણ હવે મને ચિંતા થઇ રહી છે. એ માણસ કયાંક ત્રિલોચન આગળ ચાડી તો નહીં ફૂંકી દે ને?’
‘ઊહું! એ માણસ લબાડ છે, પણ એનું ઘ્યાન તારા તરફ નહીં પડયું હોય, એની ખરાબ નજર મારી ઉપર છે. વાસ્તવમાં સામેનાં મકાનમાં એક ઓફિસ આવેલી છે. એમાં પચીસ-ત્રીસ જણાં કામ કરે છે. આ માણસ પણ એમાંનો એક જ છે. એનાથી સાવચેત રહેવા જેવું ખરું, પણ ખાસ ડરવા જેવું નથી.’ પંછીના ખુલાસા પછી પ્રયાગનો જીવ હેઠો બેઠો.
બંને પ્રેમીઓ એકમેકને વળગી પડયાં. ‘ઊફ્! કેવી જિંદગી છે! આ દેશ, આ સમાજ અને આ કાયદો બે સાચાં પ્રેમીઓને સુખપૂર્વક મળવા પણ દેતો નથી. ડગલે ને પગલે ડરતાં રહેવું પડે છે.’ પ્રયાગે હૈયાવરાળ કાઢી.
‘અને જરા પણ મનમેળ વગરના પતિ સાથે એની નિર્દોષ પત્નીને જીવનભર બાંધી રાખે છે.’ પંછીથી પણ એની અંતરવેદના વ્યકત થઇ ગઇ.
પંછી અને પ્રયાગ મહિનામાં એકાદ વાર આવી રીતે મળતાં હતાં. વારંવાર મળવાનું શકય પણ ન હતું, કારણ કે સમાજ અને કાનૂનની નજરોમાં એમનું મળવું એ અપરાધ હતો. એ બંને જણાં અલગ-અલગ જગ્યાએ પરણેલાં હતાં. ભલે બંને જણાં એમનાં જીવનસાથીઓથી ભયંકર હદે દુ:ખી હતાં, પણ એ એમનું કિસ્મત હતું. જયારે પ્રેમીની ઝંખના પાતાળ ફાડી નાખે એવી પ્રબળ થઇ જાય, ત્યારે જ એ બંને મળતાં હતાં. પંછી કયારેક એનો વસવસો પ્રેમી આગળ વ્યકત કરી દેતી, ‘પ્રયાગ, આપણે બંને પોતાનાં જીવનસાથી સાથે છૂટાછેડા લઇને પરસ્પર લગ્ન ન કરી શકીએ?’
‘કરી શકીએ, પંછી, જરૂર કરી શકીએ, પણ મારે તો બે નાનાં-નાનાં બાળકો પણ છે. એમનું ભવિષ્ય કથળી જાય. અને તારાં મમ્મી-પપ્પા કે મારા માવતર આવાં પગલાંથી દુ:ખી થઇ જાય એ પણ કડવી વાસ્તવિકતા છે.’
‘એનો અર્થ તો એવો થયો ને કે આપણો સમાજ દંભી છે. આ દેશમાં બે પરણેલાં પાત્રો લગ્નેતર સંબંધ રાખી શકે છે, પણ કાયદેસર ડિવોર્સ લઇને એકબીજાંની સાથે પરણી શકતાં નથી.’
‘હા, પંછી, અહીં પતિ-પત્ની સમાજને દેખાડવા ખાતર દુ:ખી સંસારનું બળદગાડું ખેંરયા કરે છે અને સુખી હોવાનો અભિનય કરતાં રહે છે.’ આટલી ચર્ચા પછી પ્રયાગ અને પંછી પોતાની સાવ અલગ દુનિયામાં ખોવાઇ જતાં.
જેમ જેમ ત્રિલોચનનો ત્રાસ વધતો ગયો, પંછીનાં હૃદયમાં પ્રયાગનો પ્રેમ પામવાની તરસ પણ વધતી ગઇ. પણ એ મજબૂર હતી. પ્રયાગને વારંવાર મળવામાં અનેક પ્રકારના જોખમો હતા.
‘પ્રયાગ, ચાલને આપણે કયાંક હોટલમાં થોડાંક કલાકો માટે પહોંચી જઇએ. મારા ઘરે તને બોલાવવામાં મને ડર લાગે છે. ત્રિલોચનને જો સહેજ પણ શંકા પડશે, તો… એનો સ્વભાવ તો તું જાણે જ છે. એ આપણાં બંનેનાં ખૂન કરી નાખશે.’ પંછીએ ડરેલી હાલતમાં દિલની વાત કહી નાખી.
‘ના, ડાર્લિંગ! આજકાલ હોટલો ઉપર પોલીસખાતાના દરોડા પડવા માંડયા છે. એમાં જો ઝડપાયાં તો બીજા દિવસે આપણાં નામ અખબારના પહેલાં પાને ચમકયા વગર ન રહે.’ ‘તો ચાલ ને આપણે એકાદ-બે દિવસ માટે કયાંક બહારગામ ચાલ્યાં જઇએ. કોઇ હિલ સ્ટેશન પર કે કોઇ દરિયા કિનારે આવેલા રિસોર્ટમાં…’
‘એટલો સમય છે તારી પાસે? હું તો પુરુષ છું, ગમે તે બહાનું કાઢીને ઘરમાંથી નીકળી શકું, પણ તું તારા પતિને કેવી રીતે છેતરી શકીશ?’
વાત ત્યાં જ અટકી પડતી. પંછીનો વસવસો ખાસ તો ત્યારે વધી જતો, જયારે એનાં ઘ્યાનમાં મોટી, પ્રખ્યાત હસ્તીઓનાં પ્રેમપ્રકરણો આવી જતાં હતાં. એ ટી.વી.ની ન્યૂઝ ચેનલો પર કે અખબારો અને મેગેઝિનોમાં વાંરયા કરતી કે દેશ-વિદેશના જાણીતા સ્ત્રી-પુરુષો સમાજની જરા પણ શેહશરમ રાખ્યા વગર કેવાં પોતાનાં પ્રિય પાત્રોની જોડે જિંદગી માણતાં હતાં! એલિઝાબેથ ટેલરે આઠ વાર લગ્ન કર્યા. એને કોની શરમ નડી? મશહૂર ટેનિસ સ્ટાર આન્દ્રે અગાશી પહેલાં બ્રૂક શીલ્ડને પરણ્યો, પછી સ્ટેફી ગ્રાફને. બોલિવૂડની વાત કરીએ તો રાજકપૂર-નરગીસથી માંડીને રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા સુધી આ જ બિન્દાસ્ત સિલસિલો ચાલુ હતો. સંગીતા બિજલાણી સલ્લુને છોડીને અઝહરૂદ્દીન પાસે જાય છે, તો સલ્લુ મિયાંની યાદીનો અંત જ નથી આવતો. માત્ર ફિલ્મી સિતારા જ શા માટે? રાજનેતાઓ પણ આમાંથી કયાં બાકાત છે?
‘મોટા કરે એ લીલા અને આપણે કરીએ તે છિનાળવું!’ ધીમે-ધીમે આ એક ગ્રંથિ બંધાઇ ગઇ પંછીના દિમાગમાં. જે લોકો મોટા છે, ધનવાન છે, વિખ્યાત છે એમને કોઇ કંઇ પૂછતું નથી, સમાજની શરમ મઘ્યમ વર્ગના અને ગરીબ લોકોને જ નડે છે.
ખ્ખ્ખ્
એક સાંજે પંછી શાકભાજી ખરીદવા ગઇ હતી. ફૂટપાથ પર પાથરણું પાથરીને બેઠેલી ચંપા સાથે એ ભાવતાલ કરી રહી હતી. બાજુમાં ચાર ગંદા બાળકો રમી રહ્યા હતાં. ચંપાનાં જ કૂલભૂષણો હતાં. ભયાનક તોફાને ચડયા હતાં. એમાંથી એક છોકરાને એના બાપે એક લાફો મારી દીધો. છોકરો મોટેથી રડવા માંડયો અને પછી ચંપા જે વીફરી છે! ઘરાકને પડતી મેલીને એણે પોતાના ધણીને પકડયો, ‘એઇ, તું કોણ મૂવો છે મારા છોરા પર હાથ ઉપાડવાવાળો?’
‘કોણ તે તારો વર!’ ધણી પણ સામે ઘૂરકયો.
‘તે હું થઇ જયું? તું મારો ધણી ખરો, પણ આ છોકરાનો બાપ નથી, હમજયો? તારો તો આ એક જ દીકરો છે, આ મોટો સે ઇ! બાકીનાં તંઇણ તો બીજાનાં સે! ને ઇંમને જણનારી હું સું! તુ હેનો મારે..?’ વીફરેલી વાઘણ જેવી ચંપાને ન વરનો ડર હતો, ન સમાજની શરમ હતી. પંછી સ્તબ્ધ થઇને વિચારતી રહી : ‘હવે તો ફકત મઘ્યમવર્ગ જ બાકી રહ્યો! આ વર્ગનું કલ્ચર તો અમેરિકા અને યુરોપના લોકો કરતાંયે આગળનું છે! કાશ, મારામાં આ ચંપા જેવી હિંમત હોત!’