20130427

(૧) મૃત્યુનો વેપારી બન્યો સંજીવની દાતા ! ... (પ્રેરકકથાઓ) ...




alfred nobel




૧૦૦ વર્ષ પહેલાં સવારના પહોરમાં એક માણસે સમાચાર પત્ર જોયું. આશ્ચર્ય અને ભય સાથે એણે પોતાની અવસાન નોંધ વાંચી. સમાચારપત્રોમાં ભૂલથી ખોટી વ્યક્તિના અવસાનની વાત હતી. એ વાંચીને એણે આઘાત અનુભવ્યો. વાંચનાર માણસ બોલી ઊઠ્યો : ‘ હું અહીં છું કે ત્યાં ? આઘાતમાંથી બહાર આવીને લોકો એમના વિશે શું કહે છે કે ધારે છે એનો બીજો વિચાર આવ્યો. એ અવસાનનોધમાં આમ લખ્યું હતું : ‘સૂરંગનો રાજા મૃત્યુ પામે છે.’ એમાં આ શબ્દો પણ ઉમેરવામાં આવ્યા હતા. ‘તે તો મૃત્યુનો વેપારી હતો.’ આ વાંચનાર સૂરંગનો શોધક હતો અને જ્યારે એણે ‘મોતનો વેપારી’ એ શબ્દો વાંચ્યા ત્યારે એણે મનોમન પ્રશ્ન કર્યો : ‘શું હું આવી જ રીતે લોક્યાદ રહેવાનો છું ?’ એના હૃદયમાં એક લાગણીનો સ્પર્શ થયો અને તેણે નિર્ધાર કર્યો કે તે પોતે આવી રીતે લોક્યાદમાં રહેવા માગતો નથી. તે જ દિવસથી માંડીને એણે શાંતિ માટેનું કાર્ય આરંભ્યું. આ, માનવીનું નામ હતું આલ્ફ્રેડ નોબલ અને આજે તે મહાન પારિતોષિક નોબલ પ્રાઈસના નામથી જગતમાં ઓળખાય છે. જેમ આલ્ફ્રેડ નોબલના હૃદયમાં સંસંવેદનાની વીજળી ચમકી ગઈ અને પોતાના જીવનનાં મૂલ્યોમાં મહાન પરિવર્તન લાવી શક્યા. મૃત્યુનો વેપારી બન્યો સંજીવનીનો દાતા ! તેવી જ રીતે આપણે પણ આપણા ગઈકાલના જીવનમાં ડોકિયું કરીને આવું નવું રચનાત્મક પરિવર્તન લાવી શકીએ.


*****
(૨) લોભ પાપનું મૂળ છે ...




onion




એક માણસે એક ડૂંગળીના કોથળાની ચોરી કરી. એ પકડાઈ ગયો અને તેને ન્યાયધીશ સામે ઊભો કર્યો. ન્યાયધીશે બધી હકીકત સાંભળી. એમણે સજા માટે ત્રણ વિકલ્પ ડૂંગળીચોરને આપ્યા. પહેલો વિકલ્પ હતો – એક જ બેઠક પર એક કોથળો ડૂંગળી ખાઈ જવી; બીજો વિકલ્પ હતો – સો ફટકા માર ખાવાનો; ત્રીજો વિકલ્પ હતો – દંડની રકમ ભરી દેવી.



પેલા માણસે એક જ બેઠકે ડૂંગળી ખાઈ જવાની સજા સ્વીકારી. ડૂંગળી ખાતી વખતે એને પૂરતો આત્મ વિશ્વાસ હતો કે – એ બધી ડૂંગળી ખાઈ જશે. પણ એણે બે - પાંચ ખાધી અને એની આંખમાંથી કાળી બળતરા સાથે આંસું વહેવાં માંડ્યાં, નાક વહેવા લાગ્યું અને મોંમાંયે લાય લાગી.




આ દશા જોઇને ચોરે વિનંતી કરી : ‘સાહેબ, બધી ડૂંગળી હું નહિ ખાઈ શકું. એમ કરો એને બદલે મને સો ફટકા મારો.’ એટલે સિપાઈએ સોટી લીધી અને મંડ્યો સબોડવા. દસ-બાર ફટકા પડ્યા અને પછી એક ફટકોયે સહન કરવો અશક્ય બન્યો. વળી પાછા ન્યાયધીશને વિનંતી કરી : ‘સાહેબ, આ ફટકાયે મારાથી સહન થતા નથી ! એમ કરો, આપ કહો તો બધો દંડ ભરી દઈશ.’ આ બિચારા – બાપડા ચોરે, નબળા મનના અને સ્થિર ચિત્તે વિચાર ન કરનારા ચોરે દંડ ભરી દીધો. દંડ ભરીને અને ત્રણેય સજાનો સ્વાદ ચાખીને આખા શહેરમાં એ હાંસીનું પાત્ર બની ગયો. અસ્થિર અને લોભી માનવીઓ ઘણું બધું સહન કરે છે. આણું મૂળ કારણ છે લોભ. લોભ બધા બધા પાપનું મૂળ છે.




*****
(રા.જ. ૧૧-૦૬(૨૯)/૩૪૯)

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com