20130429

મંદબુદ્ધિની પ્રિયા પ્રેગ્નન્ટ હતી, પણ એનો પિતા કોણ? (કભી કભી)


કોઇની નજર દિલ્હીની એક વેરાન સડક પર નાંખેલા કચરાના ઢગલા પર પડી.
કચરામાં એક નવજાત શિશુ પડયું હતું. એ બાળકી હતી. આ બાળકીને ઉઠાવી મિશનરી ઓફ ચેરિટીને સોંપી દીધી. બાળકી મોટી થઇ તો ખબર પડી કે તે મંદબુદ્ધિની છે. થોડા સમય બાદ બાળકીને પંજાબની એક મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં સંસ્થામાં દાખલ કરવામાં આવી. તેની રહેવાની વ્યવસ્થા એક સ્ત્રી સંસ્થામાં દાખલ કરવામાં આવી.
એ બાળકી મોટી થઇ. એને પ્રિયા નામ આપવામાં આવ્યું. સમય વહેતો ગયો. તે હવે ૨૧ વર્ષની થઇ ગઇ હતી. પ્રિયાને એક મેન્ટલી રિટાર્ડેડ સેન્ટરમાં રાખવામાં આવી હતી. હવે તે વયસ્ક હતી. મે ૨૦૦૯ના રોજ પ્રિયાના પેટમાં દર્દ થવા લાગ્યું. તે ઊલટીઓ કરવા લાગી. ડોકટરોએ નિદાન કર્યું કે, મંદબુદ્ધિની યુવતી પ્રિયા પ્રેગ્નન્ટ છે. સંચાલકો માટે મુશ્કેલીઓ હતી કે પ્રિયા બહાર જતી જ નહોતી તો તે કોનાથી ગર્ભવતી બની?
આ બાબતની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસની તપાસમાં પ્રિયા સાથે કુકર્મ કરનાર વ્યક્તિ તરીકે ભૂપેન્દ્રનું નામ બહાર આવ્યું. ભૂપેન્દ્ર એ સ્ત્રી સંસ્થાનો કર્મચારી હતો. પ્રિયા જ્યારે નારી સંસ્થામાં હતી ત્યારે તે તેની પર અત્યાચાર કરતો હતો. ભૂપેન્દ્રની ધરપકડ કરવામાં આવી પરંતુ આ તરફ પ્રિયાનો મામલો બેહદ નાજુક હતો. એક તો પ્રિયા મંદબુદ્ધિની હતી. ગર્ભ રહ્યાને ઘણો સમય વીતી ગયો હોઇ ગર્ભપાત કરાવવામાં જોખમ હતું. બીજી બાજુ તે જો બાળકને જન્મ આપે તો પણ પોતે મંદબુદ્ધિની હોઇ બાળકને સાચવી શકશે કે કેમ તે એક પ્રશ્ન હતો. પ્રિયાનો મનોવૈજ્ઞાાનિકો દ્વારા આઇક્યૂ ટેસ્ટ કરાવવામાં આવ્યો. તે માનસિક-બૌદ્ધિક વય માંડ ૮ થી ૧૦ વર્ષની હતી, જ્યારે તેની શારીરિક વય ૨૧ વર્ષની હતી. એ જ રીતે પ્રિયાની અનુમતિ વગર ગર્ભપાત કરાવી શકાય નહીં. આ કારણે પ્રશાસને પંજાબ હાઇકોર્ટનું માર્ગદર્શન માંગ્યું. હાઇકોર્ટે પ્રિયાના આઇક્યૂ લેવલ અને બીજા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઇને જણાવ્યું કે, "પ્રિયા એક મંદબુદ્ધિની યુવતી છે અને તે જો બાળકને જન્મ આપશે તો એ બાબત ના તો બાળકના હિતમાં હશે અને ના તો એની માતાના હિતમાં. વળી પ્રિયાનો ગર્ભ વૈવાહિક બંધનથી નહી પરંતુ કુકર્મના કારણે બંધાયો છે. આ સંજોગોમાં પ્રિયા બાળકને જન્મ આપશે તો પાછળથી આ મામલો બાળક અને મા બેઉ માટે અભિશાપ બની જશે. તેથી પ્રિયાને ગર્ભપાતની અનુમતિ આપવામાં આવે છે."
પંજાબ હાઇકોર્ટની આ અનુમતિ બાદ એક નવો વિવાદ સર્જાયો. હાઇકોર્ટના આ ફેંસલા વિરુદ્ધ એક જાગૃત નાગરિક સુચિત્રા શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમાં એમ જણાવવામાં આવ્યું કે, "અદાલત એક માસુમને દુનિયામાં આવતાં રોકી શકે નહીં. વળી પ્રિયાના ઉદરમાં જે ગર્ભ છે તેને ૧૯ સપ્તાહ થઇ ચૂક્યા છે. આ સંજોગોમાં ગર્ભપાત પ્રિયાના જીવ માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. વળી મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ૧૯૭૧ મુજબ ગર્ભવતી સ્ત્રીની ગર્ભપાત માટે અનુમતિ લેવી જરૂરી છે. હા,તે માનસિક રીતે બીમાર ના હોવી જોઇએ. કેવળ મેન્ટલી રિટાર્ડેડની પરેશાનીથી પીડિત હોવાના કારણે પ્રિયા આ શ્રેણીમાં આવતી નથી."
સુપ્રીમ કોર્ટે પ્રિયાના ગર્ભપાતની અનુમતિ ના આપી અને પંજાબ હાઇકોર્ટના ફેંસલાને રદ ઠેરવ્યો. આ ચુકાદો સુપ્રીમ કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ કે.જી.બાલાક્રીષ્નન, પી. સાથાશિવમ અને બી.એસ.ચૌહાનની ખંડપીઠે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પ્રિયાને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવી અને તેની ડિલીવરી માટેની વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી. તેની રહન સહન તથા મેડિકલ સુવિધાઓ પર પણ કડક નજર રાખવામાં આવી. પ્રસવનો સમય નજીક આવતા જ તેને એક સરકારી હોસ્પિટલના વિશેષ વોર્ડમાં દાખલ કરી દેવામાં આવી.
આ તરફ પ્રિયા સાથે દુષ્કર્મ કરનાર હવસખોરોની પોલીસ તપાસ પણ ચાલુ હતી. કોઇ અપરાધી ગર્ભવતી પ્રિયાને નુકસાન ના પહોંચાડે તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. હોસ્પિટલમાં પ્રિયાને ખાસ ડબલ બેડ આપવામાં આવ્યો. ૨૪ કલાકની એક નર્સ, એક આસિસ્ટન્ટ અને એક લેડી ગાર્ડની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી. તેનો રૂમ પણ એટેચ્ડ બાથરૂમવાળો હતો. બાળક જન્મે તો તેના માટે પારણું પણ તૈયાર રાખવામાં આવ્યું.
પોલીસ પણ એનું કામ કરી રહી હતી. પ્રિયાના ગર્ભપાતનો કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો હોઇ આ હવે એક હાઇપ્રોફાઇલ કેસ હતો. પોલીસ પ્રિયા સાથે કુકર્મ કરનાર ૨૩ શંકાસ્પદોના લોહીના નમૂના લીધા જેથી આવનાર બાળકના ડીએનએ સાથે મેળવી શકાય. અત્યાર સુધીમાં એક સંદિગ્ધ ભૂપેન્દ્ર તો જેલમાં હતો પરંતુ પોલીસને લાગ્યું કે પ્રિયા મંદબુદ્ધિની હોઇ એક કરતાં વધુ વ્યક્તિઓએ તેની સાથે કુકર્મ કર્યું હોવું જોઇએ. પોલીસ હવે બીજા અપરાધીઓને શોધી રહી હતી અને પ્રિયાના બાળકના જન્મની પણ રાહ જોઇ રહી હતી.
અને એ દિવસ આવી પહોંચ્યો. તા.૩જી ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ પ્રિયાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. પ્રિયાની નવજાત બાળકીના જન્મના સ્વાગત માટે મંદબુદ્ધિના બાળકોની સંભાળ રાખતી એક સંસ્થાના મકાનને સજાવવામાં આવ્યું હતું. તા.૧૫મી ડિસેમ્બરે પ્રિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. પ્રિયા તેની ફૂલ જેવી નાનકડી બાળકીને લઇ આશ્રય સ્થાને પહોંચી. તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. જે સમયે પ્રિયા તેના નવજાત બાળકને લઇ આશ્રય સ્થાને પહોંચી ત્યારે તેનામાં ઘણું પરિવર્તન જણાતું હતું. એવું લાગતું હતું જાણે તે મા હોવાની અનુભૂતિ કરી રહી છે. પ્રિયાએ જાતે જ તેની બાળકીને પારણાંમાં મૂક્યું અને સહુ કોઇ એને જોઇ રહ્યાં.
બાળકીનો જન્મ થયા બાદ તરત જ તેનું ડીએનએ સેમ્પલ લઇ લેવામાં આવ્યું હતું. પોલીસે સ્ત્રી સંસ્થા સાથે સંકળાયેલા શંકાસ્પદોના લોહીનાં નમૂના લઇ બાળકીના ડીએનએને મીલાવવાનુ કામ ફોરેન્સિક વિભાગને સોંપી દીધું. પોલીસ પાસે જે ૨૩ શંકાસ્પદોની યાદી હતી તેમાં એક છોટુરામ હતો. છોટુરામના ડીએનએ સાથે પ્રિયાની બાળકીનું ડીએનએ મેચ ખાતુ હતું. પોલીસે છોટુરામની ધરપકડ કરી. છોટુરામ ખુદ બે બાળકીનો પિતા હતો. અને એ સ્ત્રી સંસ્થામાં સિક્યોરિટી ગાર્ડ હતો. તેણે જ સ્ત્રી સંસ્થામાં પ્રિયા સાથે કુકર્મ કર્યું હતું. છોટુરામની ધરપકડ બાદ વધુ નામ ખુલ્યાં. છોટુરામે પોલીસની સખ્તાઇ બાદ કબૂલ કર્યું કે, "હા, સાહેબ, અપરાધી હું જ છું પણ મારી જેમ આ કામ કરવામાં બીજા પણ કેટલાક છે. તેમાંથી એક છે આશ્રય સ્થાનનો અટેન્ડેન્ટ ભગવાનદીન યાદવ."
પોલીસે ભગવાનદીન પાછળથી ધરપકડ કરી. એણે પ્રિયા સાથે કુકર્મ કરવાનો અપરાધ સ્વીકારતાં બીજા નામ આપ્યાં. તેમાં ડ્રાઇવર નરેશ, આશ્રયસ્થાનનો એટેન્ડેટ દેવેન્દ્ર અને કર્મચારી બિજેન્દ્ર પણ પ્રિયા સાથે વારાફરતી કુકર્મ કરતા હતા. ચોકીદાર બિજેન્દ્ર તો બાથરૂમમાં જ પ્રિયા સાથે કુકર્મ કરતો હતો. પ્રિયા પર અત્યાચાર કરવાની શરૂઆત છોટુરામે કરી હતી. અને એ વખતે જ પ્રિયા સગર્ભા થઇ ગઇ હતી. તે પછી સંસ્થાના બીજા કર્મચારીઓ પણ પ્રિયા સાથે અત્યાચાર કરતાં રહ્યા હતા. આ બધા જ કર્મચારીઓ મોકો મળતા પ્રિયાને પોતાની વાસનાનો શિકાર બનાવતા રહ્યા હતા. પરંતુ પ્રિયાની પ્રેગનન્સી તે બધાંને જેલ ભેગા કરી દેશે તેની તેમને કલ્પના પણ નહોતી. શરૂઆતમાં પકડાયેલા ભૂપેન્દ્રના બયાન પર પોલીસે વિવાદાસ્પદ બનેલા આશ્રયસ્થાનમાં કામ કરતા બિજેન્દ્ર ઉપરાંત જમનાપ્રસાદ અને માયા તથા કમલાને પણ ગિરફતાર કર્યાં. જમનાપ્રસાદ આશ્રયસ્થાનના મેઇન ગેટનો સિકયોરિટી ગાર્ડ હતો. માયા નર્સ હતી અને કમલા સ્વીપર હતી. આ બધા કુકર્મીઓને સાથ આપતા હતાં અને જરૂરી સગવડો ઊભી કરી આપતાં હતા. હવે એ બધા જ જેલના સળિયા પાછળ છે. તા.૯ એપ્રિલ, ૨૦૧૨ના રોજ ચંદીગઢની સેશન કોર્ટના વિદ્વાન ન્યાયાધીશે નવ જેટલા આરોપીઓને દોષી જાહેર કર્યા. તે તમામને ૧૦-૧૦ વર્ષની સજા કરી. ન્યાયાધીશે એવી નોંધ પણ લખી કે, "આ પ્રકરણ સમાજના અપરાધીઓની આંખો ખોલવા મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ કેસનો ચુકાદો અપરાધીઓના મનમાં ડર પેદા કરશે જેથી સમાજમાં આવો અપરાધ કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ હજાર વાર વિચારશે."
અને હા પ્રિયા અને તેની બાળકી હવે ખુશખુશાલ છે. આશ્રયસ્થાનના કર્મચારીઓેએ પ્રિયાની નાનકડી બાળકીનું નામ પરી રાખ્યું છે. પરીની હવે ખૂબ સુંદર પરવરિશ થઇ રહી છે.
(પ્રિયા નામ પરિવર્તિત છે)
- દેવેન્દ્ર પટેલ