કોઇ પણ જોનારને એમ જ લાગે કે આ ખરેખર અકસ્માત જ હોવો જોઇએ. એક જૂની ખખડી ગયેલી સાઇકલ. વેચવા કાઢો તો એના બદલામાં પચાસ રૂપિયા પણ ન આવે. એની ઉપર સવાર થયેલો કાંતિ કકકડ. ઉંમર માંડ ત્રીસની, પણ લાગે પચાસનો. એની હાલત તો સાઇકલથી પણ ખરાબ. બજારમાં ઉભો રાખો તો વીસ રૂપિયા પણ ન આવે. એક નાનકડી ફેકટરીમાં કામ કરે. પરસેવાની નોકરી અને પાણીના રેલા જેવો પગાર.કાંતિ કક્કડ સવારે અગિયાર વાગે નોકરી ઉપર જતો હતો ત્યાં પાછળથી ગાડીની જોરદાર ટક્કર વાગી. એક ચીસ સાથે એ ફેંકાઇ ગયો. ‘અરે..! અરે..!’ કરતું ટોળું ભેગું થઇ ગયું. ગાડીનો માલિક કુશલ કાપડવાલા નામનો શહેરનો રઇસ વેપારી યુવાન હતો. નાસી છૂટવાને બદલે એણે કાર ઉભી રાખી નીચે ઉતર્યો. લોકોની ભીડને ચીરીને એ કાંતિ જયાં ધરાશયી થઇને પડયો હતો ત્યાં જઇ પહોંરયો. ‘આંધળા છો? આમ ગાડી ચલાવાતી હશે? બિચારા ગરીબ માણસને વગર વાંકે લાળી નાખ્યો! એ તો સારું થયું કે બાપડો ફેંકાઇ ગયો, બાકી જો ગાડીનાં પૈડાં નીચે આવી ગયો હોત તો..?’ ટોળાંમાંથી આક્રોશનો સમૂહ-સૂર ઉઠયો. તો કાંતિનું શું થયું હોત એનો જવાબ સાઇકલ પાસે હાજર હતો. સાઇકલ કાંતિ જેટલી નસીબદાર ન હતી. એ ગાડીનાં પૈડાં નીચે આવી ગઇ હતી, ચગદાઇને આકાર વગરનાં ભંગારમાં ફેરવાઇ ચૂકી હતી. ‘માફ કરજો, ભાઇઓ! વાંક મારો જ છે. હું મારા બિઝનેસના વિચારોમાં હતો. ગાડીની ઝડપ પણ વધારે હતી. એમાં મેં એકાગ્રતા ગુમાવી અને બિચારા આ નિર્દોષ માણસને…’ કુશલની કબૂલાત ટોળાની ધારણા કરતાં વિપરીત હતી. તરત જ લોકોએ પોતાનો સૂર બદલ્યો. ‘ના, ના, શેઠ સાહેબ! તમારો એકલાનો વાંક નથી. તાળી બે હાથે જ વાગે. આ માણસ શું જોઇને રસ્તાની વરચોવરચ સાઇકલ ચલાવતો હશે? તમે તો હોર્ન પણ મારેલું, પણ આ બહેરાને સંભળાયું હોય તો ને!’ કુશલે વાદ-વિવાદમાં સમય બગાડવાને બદલે કાંતિને બેઠો કર્યો. એની ભાંગતૂટ તપાસી. એને પોતાની ગાડીની પાછલી બેઠકમાં નાખ્યો અને પોતાના પરિચિત ઓર્થોપેડિક ડોકટરના દવાખાને પહોંચાડયો. એકસ-રે પાડીને ડોકટરે નિદાન કર્યું, ‘જમણા પગે પિંડીના હાડકામાં હેરલાઇન ફ્રેકચર છે. પાટો બાંધી આપું છું. સવા મહિનો આરામ કરવો પડશે.’ ડોકટરની ફી કુશલ કાપડવાલાએ ચૂકવી. કાંતિને એના ઘરે પણ એણે જાતે પહોંચાડયો. એની પત્ની કòષ્ણાના હાથમાં દસ હજાર રૂપિયા પણ કુશલે સામેથી મૂકી દીધા, ‘સવા મહિના સુધી તમારા પતિ કામ ઉપર નહીં જઇ શકે. આ રૂપિયા તમારા ઘરખર્ચ માટે. અને આ રહ્યું મારું વિઝિટિંગ કાર્ડ. કશી તકલીફ હોય તો જણાવજૉ. મારો માણસ તરત જ આવી જશે. કૃષ્ણા ગરીબ ઘરની પત્ની હતી, પણ શરીરની અમીર હતી. એનું છલકાતું જોબન થીગડાંવાળા સાડલામાંથી ડોકિયા કરતું હતું. એ મીઠું હસીને બોલી, ‘શેઠ, તમે કેટલા ભલા છો! બાકી આ કળિયુગમાં અમારા જેવા ગરીબ માટે આટલું બધું કોણ કરે? અને એકિસડેન્ટ કંઇ તમે જાણી જૉઇને થોડો કર્યોહતો? એ તો થવાનો હશે તે થઇ ગયો… પદમણી નારનાં પ્રેમાળ વચનો પામીને પાછો ફરતો કુશલ મનોમન બબડયો, ‘માત્ર હું જ જાણું છું કે આ અકસ્માત ખાલી અકસ્માત ન હતો, કૃષ્ણા! પણ મારી વિચારેલી સાજીસ હતી. જયારથી તને મેં જોઇ લીધી છે, ત્યારથી મારી ઉંઘ ઉડી ગઇ છે. પણ તારા સુધી પહોંચવું શી રીતે? આખરે ના છૂટકે આ માપસરનો અકસ્માત મારે કરવો પડયો! હવે તું મારાથી બચીને કયાં જવાની..?’ કુશલને એના આત્મા સાથે વાત કરવાની આદત હતી. ઁઁઁ બે દિવસ પછી કાંતિલાલ અને કૃષ્ણાનાં ઝૂંપડી જેવા મકાનની બહાર ગાડી ઉભી રહેવાનો અવાજ સંભળાયો. કૃષ્ણા બહાર દોડી આવી. જોયું તો કુશલ શેઠ એના નોકરો દ્વારા ગાડીની ડીકીમાંથી માલ-સામાન ઉપાડવી રહ્યા હતા. પાછળ એક ટેમ્પો હતો. ઘઉં, દાળ-ચોખાનાં પોટલાં, તેલ-ઘીના ડબ્બા, સ્ટીલનાં વાસણો, પ્લાસ્ટિકની બરણીઓ, સ્ત્રી-પુરુષના નવાં નક્કોર કપડાં! કૃષ્ણા તો ડઘાઇ જ ગઇ, ‘આ બધા ઉપકારનો બદલો હું કયા ભવે..?’ ‘આવતા નહીં, પણ આ જ ભવે વાળી શકો છો!’ કુશલ હસ્યો, ‘આ સામાનમાં ચા-ખાંડના પેકેટ્સ પણ છે. ઘરમાં દૂધ તો હશે ને? એક કપ ચા બનાવી શકાય એટલું? કૃષ્ણા સમજી ગઇ. દોડીને સરસ, કડક-મીઠી, આદુંવાળી ચા બનાવી લાવી. કપ હાથમાં લેતી વખતે કુશલે કુશળતાપૂર્વક એનો હાથ કૃષ્ણાના હાથને અડકાવી લીધો. કૃષ્ણાના સમગ્ર દેહમાં ઝણઝણાટી થઇ આવી. એ વિચારી રહી, ‘આ પણ એક અકસ્માત જ હોવો જોઇએ. બાકી કુશલ જેવો ધનવાન, પ્રખ્યાત, કુંવારો પુરુષ કંઇ જાણી-જૉઇને એના હાથને..?’ ટૂંકમાં આ સ્પર્શ એને ગમ્યો ખરો. વધુ તો ગમ્યો એને કુશલનો જવાબ જયારે કૃષ્ણાએ પૂછ્યું, ‘ચા કેવી લાગી?’ ‘સરસ છે… તમારા જેવી જ… ગરમાગરમ અને મીઠી!’ કુશલ ચા પીને તરત જ નીકળી ગયો. ગાડીમાં બેસીને એણે પોતાના આત્મા સાથેનો સંવાદ શરૂ કર્યો: ચામાં કયાં ખાંડ વધારે હતી! પણ મારે તો કૃષ્ણા ગરમ, સેકસી અને ચાસણી જેવી મીઠી છે એવું એના કાન સુધી પહોંચાડવું હતું એટલે કહી નાખ્યું. કશું બની જાય એની રાહ જૉઇને બેસી ન રે’વાય. જિંદગીમાં કયારેક આપણે જે ઇરછતાં હોઇએ એવી ઘટના પેદા પણ કરવી પડે. આત્માની સાથે વાતો કરવાની કુશલમાં આવડત પણ હતી અને ફાવટ પણ! સવા મહિનાના ખાટલા પછી કાંતિ ઉભો તો થયો, પણ એની નોકરી છૂટી ગઇ. કૃષ્ણાએ કુશલ કાપડવાલાની ઓફિસમાં જઇને રડતાં-રડતાં આ સમાચાર આપ્યા. કુશલે રૂમાલને બદલે હાથથી એનાં આસું ઝીલી લીધાં, ‘આવતી કાલે એને મારી પાસે મોકલી આપજે. હું મારા ધંધામાં ગમે ત્યાં એને થાળે પાડી દઇશ. કામ કાંતિલાલથી થાય એટલું અને પગાર તમારાથી લઇ શકાય એટલો! બસ? હવે તો રાજી ને?’ કૃષ્ણા ફરીથી રડી પડી, ‘તમારો અહેસાન… એનો બદલો… કયા ભવે… હું દાસી થઇને તમારી ચાકરી કરું તોય…’ ‘આવતા ભવે દાસી શા માટે? આ ભવે રાણી કેમ નહીં?’ કુશલે લોઢું ગરમ જોઇને હથોડો માર્યો. સોના જેવી કૃષ્ણા પીગળી ગઇ. એણે શરમથી પાંપણો ઝુકાવીને હા પાડી દીધી. બધું સરસ રીતે ગોઠવાઇ ગયું. કાંતિ બિચારો સવારના દસથી સાંજના સાત વાગ્યા સુધી નોકરીમાં રોકાયેલો રહે. કુશલ રોજ બપોરે કૃષ્ણાની ગોરી-ગોરી કાયામાં ચાર કલાક ખોવાયેલો રહે. શહેરમાં એની માલિકીના દસ-બાર બંગલાઓ ખાલી પડેલા હતા. એમાંથી એક બંધ મકાનના બંધ કમરામાં કુશલ રોજ-રોજ કૃષ્ણાની અનુપમ કાયાનાં અગોચર દ્વારો ઉઘાડતો રહે. કૃષ્ણાની આખી શિકલ જ બદલાઇ ગઇ. સુંદર, પાકું મકાન. વર માટે સ્કૂટર. એના પોતાના માટે સરસ મઝાનાં કપડાં, આભૂષણો. શરીરના સોનામાં વૈભવની મીનાકારી ભળી! ‘ભગવાન પણ કેવો અજબનો જાદુગર છે, નહીં!’ એક બપોરે દેહની તૃપ્તિ માણ્યા પછીની નિરાંતની ક્ષણોમાં કૃષ્ણાએ કુશલની છાતીમાં માથું દબાવતાં પૂછી નાખ્યું, ‘એક સાવ નાના અકસ્માતને કારણે આપણાં બંનેની જિંદગી કેટલી બધી બદલાઇ ગઇ! જો તમારી ગાડી અને મારા કાંતિની સાઇકલ એકબીજાની સાથે ટકરાણી ન હોત તો આપણે કેવી રીતે મળી શકયાં હોત!’ ‘તારી વાત સાવ સાચી છે, ડાર્લિંગ!’ કહીને કુશલે કૃષ્ણાને ચૂમી લીધી. પછી આદત મુજબ આત્મા સાથે વાતચીત કરી લીધી: વાહનોની ટક્કરને કારણે મારું અને કૃષ્ણાનું મિલન નથી સર્જાયું, પણ અમારા મિલન માટે વાહનોની ટક્કર રચાઇ હતી! માણસે જો જગત જીવતું હોય, તો સંજોગોના મહોરાને પોતાની ઇરછા મુજબ ચલાવવાની આવડત કેળવી લેવી પડે. ઁઁઁ ‘અલ્યા, કાંતિ! તારી આંખે પાટા બાંધેલા છે કે શું? આ તારી બૈરી રોજ બપોરે તારા શેઠની હારે રંગરેલિયા મનાવે છે અને તું બેસી રહ્યો છે?’ એક સાંજે નોકરીમાંથી પાછા ફરતાં કાંતિને એનો જૂનો મિત્ર મળી ગયો, એણે કાંતિના પુરુષાતન ઉપર ફિટકાર વરસાવ્યો. કાંતિએ જવાબ ન આપ્યો. ચૂપચાપ હસી દીધું. પણ મોડી રાત્રે ફળિયામાં ખાટલામાં સૂતાં-સૂતાં આકાશ સામે જોઇને એણે સંવાદ શરૂ કર્યો. આત્મા તો ગરીબને પણ હોય ને! કાંતિ બબડતો હતો, ‘મને તો એ ઘડીથી જ શંકા હતી જયારે શેઠે મારા ઘરે પહેલી વાર પગ મૂકયો હતો. હું મારી ઘરવાળીનાં ‘લખણ’ કયાં નથી જાણતો! એ પુરુષખાઉ ઔરત છે. જયાં સુધી ચાલીમાં રહેતાં હતા, ત્યાં સુધી મવાલીઓની સાથે..! હવે માલિકની સાથે..! મજબૂર પતિની પણ એક સમજણ હોય છે: આ જગતમાં સુખી થવું હોય તો જીવનમાં જે ઘટના બને એને અકસ્માત સમજીને સ્વીકારી લેવી!’ (સત્યઘટના)
Dr.SHARAD THAKAR