આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ પરંતુ મારી જીંદગી છે. મારું સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ , મારા સખા , મારા સુખ દુખ ના ભાગીદાર, મારા ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર મારા પિતા.... કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે, સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે છે, દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે. લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે. સારી વસ્તુ ને માતાની જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે.... આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ? પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કે ” આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ફાટ વળી ને ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી લાવતા જોયા છે પિતા ને ... બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી, કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે, પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે. પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે. તો શું કરવું તેનો ડર લાગે છે. કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી. પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ બાળક ને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડાના પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈન આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોtઈ નોંધ લેતું નથી. દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.. કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે. તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.... યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે. દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ? આ બધા જ અનુભવો નઝરે મારી અને લોકો ના જીવન માં બહુ જ બારીકાઇ થી જોયા છે હજુ પિતા વિષે ધણું બધું લખી શકાય છે. બસ હવે વધુ કઈ નહિ લખી શકું ......I LOVE MY FATHER ....... કદાચ શ્રી કૃષ્ણ અને મારા પિતા બંને સામે હોય મારી અને એક ની પસંદ કરવા નું કહે તો હું દોડી ને મારા પિતા ની જ આંગળી પકડું ... જો તમને આ લેખ અને વાતો ગમી હોય તો શેર કરજો મિત્રો સાથે જેથી કરી ને એમના કોઈક શબ્દો કોઈક માં-બાપ ને વૃધ્ધાશ્રામે જતા અટકાવશે. તો મારો અને તમારો જન્મારો સફળ ગણાશે ... |
Dr. Vijay Pithadia, FIETE, PhD, MBA Director, PhD Guided: 5, Author of 6 Books, Google Scholar Citations - 585, h-index - 8, M: +91 9898422655 UGC/Scopus/Web of Science Publication: 30, Referred/Peer Reviewed Publication: 63, Chapters Published In Books: 12, Full Papers Published in Conference Proceedings: 21, Patent Published: 3, Invited Lectures and Chairmanship etc.: 41, Conference Organized: 4, AICTE faculty ID: 1-24647366683