20130220

નિષ્ફળતા એ સફળતા માટેનું અલ્પવિરામ છે!


જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- જીવન એટલે જ સંઘર્ષ અને પારાવાર પ્રતિકૂળતાઓ. આ જગતમાં મહાન પુરૃષોનાં જીવનમાં પણ કેટલા બધા સંઘર્ષ આવ્યા છે. એમણે કેવી કેવી નિષ્ફળતાઓ પર વિજય મેળવ્યો છે

જીવનમાં  આપણી સામે જે આફત, મુશ્કેલી કે પ્રતિકૂળતા આવે, એ પરિસ્થિતિ વિશે બે પ્રકારે વિચારી શકાય. એક એને વિશે નકારાત્મક (નેગેટિવ) વિચાર કરી શકાય અને બીજું સકારાત્મક (પોઝિટિવ) વિચાર કરી શકાય. બંને વિચાર મુજબ વ્યક્તિ આચરણ કરતી હોય છે.
એ પ્રસિદ્ધ ઉદાહરણ છે કે અડધો ભરેલો ગ્લાસ જોઇને વ્યક્તિ એમ કહે કે આ ગ્લાસ અડધો ખાલી છે અને એ જ વ્યક્તિ સામા છેડે જઇને એમ પણ કહી શકે કે આ ગ્લાસ અર્ધો ભરેલો છે. હકીકત એક જ છે, પણ એને જોવાની દ્રષ્ટિ જ વ્યક્તિના જીવનના અભિગમને, એના કાર્યને, એના ભવિષ્યને અને એની સફળતાને ઘડવામાં નિર્ણાયક બને છે.
તો પછી જીવનમાં આવતાં શોકને શ્લોકમાં,ઉપાધિને સમાધિમાં કે વેદનાને સાંત્વનામાં પરિવર્તિત કરવા માટે શું કરવું જોઇએ ? નિરાશા, હતાશા, નિષ્ફળતા કે આઘાતના કાળાંભમ્મર વાદળોને દૂર કરીને જીવનમાં નવચેતન પ્રકટાવવા માટેનો એક રસ્તો એ છે કે સાવ સામા છેડે જઇને વિચાર કરવાનો.
આપણે આપણા કિનારાને જોઇએ છીએ, પણ સામા છેડે આવેલા કિનારાની કલ્પના કરતા નથી. આપણા દુઃખને જોઇએ છીએ, પણ સામે કિનારે કે સામે છેડે જઇને એ વિચાર કરતા નથી કે આ દુઃખ પણ સુખમાં પરિવર્તિત કરી શકાય છે. આવું પરિવર્તન સાધવા માટેનો એક રસ્તો એ છે કે ઘટના વિશે સામા છેડે જઇને ગંભીરપણે વિચારવું. સંસારમાં પતિ-પત્નિ વચ્ચે થતાં કલહને કંકાસરૃપે જોવામાં આવે છે, તો સામા છેડે જઇને એમ પણ વિચારી શકાય કે આ તો દાંપત્યજીવનમાં થતો ખટમીઠો પણ અંતે જીવનમાધુર્ય વધારતો પ્રેમભર્યો ઝઘડો છે.
 બીજો માર્ગ એ છે કે જીવનની નિષ્ફળતામાં પણ વ્યક્તિ કોઇ શુભ સંકેત  જુએ અને ત્રીજો અભિગમ એ છે કે એ વિચારે કે જિંદગીની પાઠશાળામાં આ  નિષ્ફળતાને કારણે મને એક નવો અનુભવ મળ્યો છે. મારો ભવિષ્યની  સફળતાનો માર્ગ વધુ સ્પષ્ટ અને ખુલ્લો થયો.
માનવી બનતી ઘટનાને અશુભને બદલે શુભ તરીકે જોવાનો પ્રયત્ન કરે, તો એ ચિંતાના બોજમાંથી અને ઘટનાના આઘાતમાંથી બહાર નીકળીને જીવનમાં એક ડગલું આગળ ચાલી શકે છે.
ચોથો માર્ગ એ છે કે કોઇ દુઃખદ ઘટના કે નિષ્ફળતા મળતાં વ્યક્તિ કોઇ બીજાને દોષ આપવાને બદલે સ્વ-દોષનું શોધન કરે છે.એ આત્મનિરીક્ષણ કરે છે અને એ દ્વારા જાતસુધારણા માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરે છે. પોતાનાં સંતાનોનાં દુર્વતનને જુએ અને તેને માટે એમને દોષિત ગણવાને બદલે પોતે કરેલા દુર્વતનને કારણભૂત ગણે. વેપારમાં મળેલી નિષ્ફળતાનું કારણ પોતાની ઉતાવળ, અધીરાઇ કે અહંકાર તો નથી ને? તેવું આંતરદર્શન કરવાનો પ્રયત્ન કરે. આમ પોતાની નિષ્ફળતા માટે કોઇ વ્યક્તિ, પરિસ્થિતિ કે સંજોગને દોષ આપવાને બદલે એ એ રીતે વિચારે કે મારી નિષ્ફળતાના મૂળમાં મારો અહંકાર છે.
આપણે એ પણ જાણીએ છીએ કે વ્યક્તિ પોતે જ પોતાના દુઃખની મહાસર્જક છે. એ ઘણીવાર સામે ચાલીને પોતાના જીવનમાં દુઃખને નિમંત્રણ આપતી હોય છે. એની મુશ્કેલીનું કારણ એની પોતાની મૂર્ખતા બનતી હોય છે. વ્યક્તિ એનાં દુઃખના મૂળમાં જાય, તો ખ્યાલ આવે કે એના જીવનમાં આવેલા પ્રશ્નો કોઇ બીજાએ સર્જેલા નહી, પણ એણે પોતે જ સર્જેલા છે. એને માટે એ પોતે જ જવાબદાર છે.
આવી વિચારણા કરનાર વ્યક્તિ એના જીવનને એની ભીતરની પ્રયોગશાળામાં ચકાસે છે. પોતાના દોષો, સ્ખલનો કે મર્યાદાઓ દૂર કરવાનો પ્રયત્ન આવા આત્મનિરીક્ષણ દ્વારા જ મહાપુરુષોએ કરેલો છે. ગાંધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં આપણે જોઇએ છીએ કે તેઓ જીવનની પ્રત્યેક પરિસ્થિતિને સત્યની પ્રયોગશાળામાં ચકાસે છે. આમ આવેલી આપત્તિને આત્મદર્શન અને આત્મ સુધારણામાં પરિવર્તિત કરી શકાય છે. શાપને આશીર્વાદરૃપ જોઇ શકાય છે અને પછી એ રીતે પોતાના જીવનમાં સુધારણા લાવી શકાય છે.
સામાન્ય રીતે વ્યક્તિ બીજાની દ્રષ્ટિએ પોતાનું જીવન ગોઠવતી હોય છે. આને માટે એણે કેટલાંય આડંબરો, પ્રદર્શનો અને ઢાંકપિંછોડા રચવા પડે છે. બીજાને પોતે શક્તિશાળી લાગે, સામર્થ્યવાન લાગે, તે માટે વ્યક્તિ જુદા જુદા રૃપ રચતો હોય છે અને પરિણામો એ બહુરૃપી બની જાય છે. આવી ઘટના બને, ત્યારે એ પોતાના આત્મા પર લાગેલા આડંબરના થરના થર દૂર કરીને સચ્ચાઇને જોવાનો પ્રયત્ન કરે છે અને પોતાની જાત સાથે વફાદારીથી જીવવાના શપથ લે છે. આમ જીવનમાં આવતી નિષ્ફળતાને વ્યક્તિ આત્મસુધારણાના એક સોપાન તરીકે પણ જોઇ શકે છે.
ભારતીય પરંપરામાં આ આત્મજ્ઞાાનનો ઘણો મહિમા છે. 'મહાભારત'નાં શાંતિપર્વમાં મહર્ષિ વેદવ્યાસે કહ્યું, 'આત્મજ્ઞાાનં પરં જ્ઞાાનમ્' એટલે કે 'આત્મજ્ઞાાન એ પરમ જ્ઞાાન છે.' તો 'ધમ્મપદ'માં ભગવાન બુદ્ધની એવી વાણી મળે છે કે, 'જેણે પોતાને સમજી લીધો છે, તે બીજાને સમજાવવા નહી જાય.' તો ભગવાન મહાવીર કહે છે 'જે એક (આત્મા) ને જાણે છે, તે સઘળું જાણે છે.' આ રીતે વ્યક્તિ પોતાના જીવનમાં આવતી આપત્તિ કે નિષ્ફળતાને મનથી આગવો વળાંક આપીને આત્મખોજના માર્ગે લઇ જાય છે.
સંસ્કૃત ભાષાના આદિ કવિ અને 'રામાયણ' મહાકાવ્યના રચયિતા મહાકવિ વાલ્મિકી એક જનશ્રુતિ પ્રમાણે વાલિયા લૂંટારા તરીકે વનમાં લૂંટફાટ કરીને ગુજરાન ચલાવતા હતા. એક વાર ઋષિને લૂંટવા જતાં કુટુંબીઓ એના પાપમાં ભાગીદાર થવા તૈયાર થયા નહી. એને પરિણામે એમણે આંતરમંથન કર્યું. લૂંટફાટ છોડી દીધી અને ઋષિના ઉપદેશથી ખૂબ તપ કર્યુ અને પાપમાંથી મુક્ત થઇ પવિત્ર બન્યા. આ ઘટના સુચવે છે કે એક ઘટનામાંથી વ્યક્તિ કઇ રીતે પોતાના મનની ભીતરમાં ઉતરી, હૃદયમંથન કરી જૂદો માર્ગ અપનાવે છે. જાતને જાણીને પરિવર્તન પામે છે.
કુશળ અને ચતુર ચોર રોહિણેય પોતાના દુષ્કર્મ છોડીને મહાવીરનો અનુયાયી બને છે કે પછી અંગુલિમાલ ભગવાન બુદ્ધના ઉપદેશને કારણે પરિવર્તન પામે છે. મહાત્મા ગાંધી પર દક્ષિણ આફ્રિકામાં લાકડીઓ વીંઝનાર મીર આલમ એમનો સાથી બની રહે છે. આ બધી ઘટનાઓ પાછળ ભીતરમાં થતું પરિવર્તન પ્રાધાન્ય ભોગવે છે. આમ, પોઝિટિવ દ્રષ્ટિએ વિચાર કરનાર એની જીવનધારાને જાણીને એમાં પરિવર્તન કરે છે. આવી વ્યક્તિ નિષ્ફળતા આવતા મજબૂર બનીને જીવન જીવવાનાં હથિયારો હેઠા મૂકી દેતી નથી, પરંતુ આત્મદર્શન કરીને નવી ચેતના પામે છે.
નેગેટિવ ઘટનાને પોઝિટિવમાં પરિવર્તન કરવાનો પાંચમો રસ્તો તે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવાની તૈયારી છે. જીવન એટલે જ સંઘર્ષ અને પારાવાર પ્રતિકૂળતાઓ. આ જગતમાં મહાન પુરુષોનાં જીવનમાં પણ કેટલા બધા સંઘર્ષ આવ્યા છે. એમણે કેવી કેવી નિષ્ફળતાઓ પર વિજય મેળવ્યો છે. સંઘર્ષ વિના સિદ્ધિ નથી, એથી જીવનમાં સફળતા મેળવવા માટે નિષ્ફળતાનો સામનો જરૃરી છે.
થોમસ આલ્વા એડિસને કેટલાય પ્રયોગો કર્યા પછી વિદ્યુતની શોધ કરી. અબ્રાહમ લિંકન અનેક નિષ્ફળતાઓ પછી અંતે અમેરિકાના પ્રમુખ બન્યા. હેલન કેલરે ૧૮ માસની વયે મગજ અને હોજરીની બીમારીથી દ્રષ્ટિ અને શ્રવણશક્તિ ગુમાવી હતી. માત્ર હાવભાવ અને ઇશારાથી પ્રારંભમાં એ માબાપ અને નજીકના લોકોને સમજાવી શકતા હતા. પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિનો એમણે સામનો કર્યો અને સમય જતાં તેઓ વાંચતા, લખતા અને બોલતા શીખ્યા. ઓનર્સ સાથે સ્નાતક થયા. લેખો અને પુસ્તકો લખ્યાં. દુનિયાના દેશોનો પ્રવાસ ખેડયો. મૂક અને અંધજનોના શિક્ષણ માટે લોકમત જાગ્રત કર્યો. આ દર્શાવે છે કે જીવનમાં કોઇ સ્થાયી મૂલ્ય પામવું હોય તો સંઘર્ષ જરૃરી છે. કેટલાય પ્રયત્નો પછી અંતે શેરપા તેનસિંગે એવરેસ્ટ પર વિજય મેળવ્યો. આમ સંઘર્ષોમાંથી જ નવનીત મળે છે અને નિરાશામાંથી જ સફળતા મળે છે.
જીવનમાં આવતી મુશ્કેલીઓનો વિચાર કરીએ, ત્યારે આપણા મનમાં સત્યવાદી હરિશ્ચંદ્ર, નળ-દયમંતી, યુધિષ્ઠિર, ધુ્રવ, પ્રહલાદ વગેરે ચરિત્રોનું સ્મરણ થાય છે. શ્રીકૃષ્ણના જન્મ પૂર્વે દેવકી અને વસુદેવને કેટલી બધી પીડા અનુભવવી પડી હતી. ભગવાન મહાવીરની સામે એમનો પરમ શિષ્ય ગોશાલક પ્રતિસ્પર્ધી બન્યો હતો અને એમના પુત્રી પ્રિયદર્શના અને એમનો જમાઇ જમાલિ થોડો સમય એમનાથી વિરૃદ્ધ વિચારધારા ધરાવતા સંપ્રદાયને અનુસરતા હતા. આમ છતાં આ બધાએ જીવનમાં આવતી આપત્તિઓ, ઉપસર્ગો કે પ્રતિકૂળતાઓનો સામનો કરીને સફળતા મેળવી છે. તો પછી વ્યક્તિએ વિચારવું જોઇએ કે જીવનમાં આવેલી નિષ્ફળતા એ તો સફળતાનું પૂર્ણવિરામ પામવા માટેનું અલ્પવિરામ છે.
આ રીતે પ્રતિકૂળતાઓને પાર જઇને સામા છેડે વિચારવાના પાંચ રસ્તાઓ આપણે જોયો. એ વિશે વધુ ચિંતન હવે પછી કરીશું.

-Gujarat Samachar.