20130220

બેકટેરીઆ- મદદગાર મિત્ર કે દગાબાજ દુશ્મન?



ફિટનેસ - મુકુંદ મહેતા
- જગતના માસ્ટર તરીકે આ બેક્ટેરીઆ છે. માનવી નહી. તમે માનો કે ના માનો વૈજ્ઞાાનિકોએ ઝીણવટ ભરી તપાસ કરીને શોધી કાઢ્યું છે કે એક ગ્રામ જેટલી માટીમાં ૪૦ કરોડ બેક્ટેરીઆ છે અને પાણીના એક ટીપામાં ૧ કરોડ જેટલા બેક્ટેરીઆ છે
અભણ હોય કે ભણેલા જેને મેડીકલ સાયન્સનું જ્ઞાાન ના હોય તેવા ૧૦૦ માંથી ૯૦ ટકાને ''બેક્ટેરીઆ'' એટલે ચેપી રોગના જંતુ અને જો આ ચેપી રોગના જંતુ શરીરમાં કોઇપણ રસ્તે (આંખ-નાક-કાનમાં- મળદ્વાર-મૂત્રદ્વાર કે ચામડીનાં લાખો છીદ્રોમાંથી) હવા-પાણી કે ખોરાકને રસ્તે જાય તો શરીરનું આવી બન્યું. દગાબાજ દુશ્મનની માફક છાનામાના છુપાઇને ને છુપા રસ્તે દાખલ થઇ શરીરમાં ખળભળાટ મચાવી મૂકે-તાવ લાવે, શરદી લાવે, ઉધરસ લાવે- સોજા ને ગુમડા લાવે. કાંઇક ને કાંઇક લાવે અને તમે હેરાનપરેશાન થઇ જાઓ, બસ બેક્ટેરીઆ માટે ફક્ત આવો જ ખ્યાલ છે. આજે મારે તમને સમજાવવાનું છે કે સાવ આવું નથી. આખી દુનિયામાં હવા-પાણી-જમીન-વનસ્પતિમાં અને પશુ-પંખી અને માનવીના શરીરમાં પાંચ નોનીલીઅન (૧૦ટ૧૦૩૦) એટલે કે ૫૦૦૦ અબજ જેટલા બેક્ટરીઆ છે. આમાંથી ફક્ત ૨૦ ટકા જેટલા દુશ્મન છે.
સારા મિત્ર બેક્ટેરીઆ અને ખરાબ (દુશ્મન) બેક્ટેરીઆમાં ફરક શો ?
સારા બેક્ટેરીઆ શરીરના દરેક અંગોમાં ખાસ કરીને ચામડીમાં તમારા પાચન તંત્રના વિભાગમાં ખૂબ પ્રમાણમાં હોય છે. શરીરમાં રહે અને શરીરને નુકશાન ના કરે અને તબિયત સારી રાખવામાં ખૂબ મદદ કરે તે બધા જ બેક્ટેરીઆ (૮૦ ટકા) તે સારા (મિત્ર) બેક્ટેરીઆ અને જેનું ઉદ્ભવસ્થાન શરીરની બહાર હોય એટલે કે બીજા પશુ-પક્ષી-ઝાડપાન-પાણી-માનવીમાં હોય અને તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે શરીરમાં દાખલ થાય અને શરીરને બિમાર પાડે. ૨૦ ટકા દગાબાજ દુશ્મન જેવા બેક્ટરીઆના ફક્ત નામ જાણી લો- ૧. કોલેરા ૨. સિફીલીસ (ગુપ્તાંગનો રોગ) ૩. એન્થ્રેક્ષ ૪. લેપ્રસી (કોઢ) ૫. પ્લેગ ૬. ક્ષય. આ બધાની જો સમયસર સારવાર ન લેવાય તો માનવીનું મૃત્યુ પણ થાય એટલા ભયાનક બેક્ટેરીઆ છે. તમારી જીવન શૈલી યોગ્ય હોય અને કસરત અને ખોરાકનું ધ્યાન રાખીને જો તમે રોગ પ્રતિકારક શક્તિ સારી રાખી હોય તો આ દુશ્મન બેક્ટેરીઆ હેરાન નહી કરે. મુખ્ય ફરક મિત્ર બેક્ટેરીઆ શરીરમાં હોય, દુશ્મન બેક્ટેરીઆ બહારથી દાખલ થાય.
બેક્ટેરીઆ એટલે શું ?
માનવી ગમે તેટલો ફાંકો રાખતો હોય કે દુનિયામાં તેનું જ રાજ ચાલે છે અને તે જ જગતનો માલિક છે. તો તે વાત ભૂલી જજો. ભલે માનવી જગતના દરેક ખંડ અને ઉપખંડમાં પહોચ્યો હોય. ભલે માનવીએ વાતાવરણમાં ફેરફાર કર્યા હોય અને છેક 'આઉટરસ્પેસ' માં પણ પહોચ્યા હોય પણ જેની ઉત્પત્તિ ચાર અબજ વર્ષ પહેલા આ જગત પર પહેલી જીવિત વસ્તુ તરીકે થઇ તે બેક્ટેરીઆ 'એક જ કોષ'વાળા નરી આંખે દેખાર નહી તેવા 'જીવ' છે. તેના આકાર જૂદા જૂદા પ્રકારના છે. (ચિની પ્રમાણ) ગોળ, લંબગોળ, લાંબી કડી જેમ જોડાએલા ગુ્રપમાં, વળાંકવાળી અને જુદા જુદા 'સ્પાઇરલ'જેવી અને કોલમ જેવા આકારના હોય છે. જર્મન વૈજ્ઞાાનિક (જેણે ટી.બી.ના જંતુની શોધ કરેલી-કોશ બેસીલાઇ) રોબર્ટ કોશના કહેવા પ્રમાણે માનવીના શરીરમાં તેના વજનના ૧૦ ટકા જેટલા વજન જેટલા બેક્ટેરીઆ છે. માનવી ભલે રોજ નહાયધુએ, ટોયલેટ-બાથરૃમ જાય. શરીરને બહારથીને અંદરથી ચોખ્ખું રાખવા ગમે તેટલા પ્રયત્ન કરે પણ શરીરના એકેએક ભાગ દરેક અવયવની બહાર અને અંદર એક એક જગાએ કરોડો બેક્ટેરીઆથી ભરેલો છે પણ આગળ જણાવ્યું તે પ્રમાણે જગતમાં એકે એક માનવી-સજીવ સૃષ્ટિ (પશુ-પંખી) ની અંદર અને બહાર રહેલા બધા જ બેક્ટેરીઆમાંથી ૨૦ ટકા જ શરીરને નુકશાન કરનારા છે. બાકીના બધા જ માનવીના મિત્રો છે. જગતના માસ્ટર તરીકે આ બેક્ટેરીઆ છે. માનવી નહી. તમે માનો કે ના માનો વૈજ્ઞાાનિકોએ ઝીણવટ ભરી તપાસ કરીને શોધી કાઢ્યું છે કે એક ગ્રામ જેટલી માટીમાં ૪૦ કરોડ બેક્ટેરીઆઇ છે અને પાણીના એક ટીપામાં ૧ કરોડ જેટલા બેક્ટેરીઆ છે. તમારા શરીરનાં નાનામોટા અંગના કુલ કોષ કરતાં તમારા શરીરમાં ૧૦ ગણા બેક્ટેરીઆ છે.મોટાભાગના બેક્ટેરીઆ ચામડીમાં, આંખ, કાન, નાક, ગળામાં અને સૌથી વધારે સંખ્યામાં તમારી ડાયજેસ્ટીવ સિસ્ટમ- મોં, ગળુ, દાંત, અન્નનળી, હોજરી, નાના અને મોટા આતરડા, મળાશય મળદ્વાર, મુત્રદ્વારમાં રહેલા છે. બેક્ટેરીયામાં ન્યુક્લીઅસ નથી. ખરેખર તો બેક્ટેરીયા વિષે 'સંશોધન થયુ તે ૧૯૮૦ના વર્ષથી થયું.' વૈજ્ઞાાનિકોને જગતની સજીવ સૃષ્ટીના આદ્યકોષ બેક્ટેરીયા જેના ભાગ-પેટાભાગ થી સંખ્યા વધારે છે તેને વિષે હજી ઘણું જાણવાનું બાકી છે.
સારા બેક્ટેરીઆ કયા ?
શરીરને અનેક રીતે ઉપયોગી અને મદદગાર બેક્ટેરીયા તે સારા. સંશોધકો બેક્ટેરીઆની પાછળ પડી ગયા છે એમ કહું તો ચાલે. સારા બેક્ટેરીઆ એટલે કે મિત્ર બેક્ટેરીઆ શરીરને મદદ કરવાનું કેટલું અદ્ભૂત કામ કરે છે, તેની વિગત જાણો તો તમે આશ્ચર્ય પામશો. પરમેશ્વરે માનવીને સાજોસમો રાખવા કેટલું ધ્યાન રાખ્યું છે તેનો ખ્યાલ આવશે.
૧. વિટામિન કે-૨ બેક્ટેરીઆ બનાવે છે.
ખોરાકમાંથી આપણને ઘણા બધા વિટામિન અને મિનરલ મળે છે.પણ વિટામિન કે નો એક વિભાગ વિટામિન કે-૨ આપણને કોઇપણ પ્રકારના ખોરાક (વેજીટેરીઅના-નોન વેજીટેરીઅન) માંથી નથી મળતો. માનવીના શરીરમાં આંતરડામાં રહેલા બેક્ટેરીઆ ખાસ કરીને આ વિટામિન કે-૨ બનાવે છે. જો મિત્ર બેક્ટેરીઆ આ ખાસ પ્રકારનું વિટામિન કે-૨ના બનાવતા હોત તો લોહી જામવાની ક્રિયા શક્ય ના બને અને હાડકા પોલા થવાની ક્રિયા (આસ્ટીઓ પોરોસીસ) થાય. આ માટે જ જન્મજાત બાળકોને વિટામિન કે-૨ આપવામાં આવે છે. નહી તો બાળક જન્મીને તરત વિટામિન કે ની ઉણપથી થતા બ્લીડીંગ થી મૃત્યુ પામે અને તે ઉપરાંત તેના હાડકાનું ઘડતર બરાબર થાય નહી. આ બેક્ટેરીઆનું ખાસ નામ 'માઇક્રોબીઓમ'પાડેલું છે.
૨. પેટ (હોજરી ને આંતરડાં) માં રહેલા બેક્ટેરીઆની કમાલ જુઓ.
૧. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ૨. પાચકરસો (એન્ઝાઇમ) બનાવે છે. ૩. કેટલાક લોકોના શરીરમાં લેક્ટેઝ નામના એન્ઝાઇમની ખામી હોય છે. આ એન્ઝાઇમ ના હોય તો દૂધનું પાચન ના થાય આ ખામી પણ આ બક્ટેરીઆ (લેક્ટોબેસીલસ બલ્ગેટીક્સ) થી મટી જાય છે. ૪. જે લોકોને ઝાડા થઇ ગયા હોય તે પણ આ બેક્ટેરીઆ થી મટી જાય છે. ૫. આ સિવાય આ બેક્ટેરીઆ આંતરડાનું કેન્સર થતું અટકાવે છે. ઉપરાંત હોજરી અને આંતરડામાં ચાંદા થતાં અટકાવે છે. કદાચ આ કારણસર બલ્ગેરીઆમાં દહી-છાશ-યોગર્ટ વગેરે વધારે લેવાય છે. આ બધામાં આગળ જણાવ્યા તે બેક્ટેરીઆ વધારે છે. માટે બલ્ગેરીઆમાં લોકો લાંબુ જીવે છે. આપણા દેશમાં પણ જમ્યા પછી છાશ પીવાનો રિવાજ હતો તેનું કારણ આ જ હશે આજથી આ પ્રકારના બેક્ટેરીયા જેમાં વધારે છે તે દહી-છાશ-યોગર્ટ અને હમણાં બજારમાં તૈયાર મળે છે તે ''પ્રોલાઇફ લસ્સી'' અને 'પ્રોલાઇફ યોગર્ટ'મળે છે તે લેવાનું શરૃ કરો.
૩. તમારા પરસેવા (બગલ અને ગુપ્તાંગો) માં પણ બેક્ટેરીઆ છે
વ્યક્તિ જ્યારે પુખ્ત વયની થાય ત્યારે તેના શરીરના ઉપર જણાવેલા ભાગમાંથી પરસેવો નીકળે તેમાંથી પ્રત્યેક વ્યક્તિને અલગ અલગ પ્રકારની સુગંધ (વાસ) નીકળે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે પુરૃષ અને સ્ત્રીને એકબીજા પ્રત્યે આકર્ષવા માટે આ સુગંધ જરૃરી છે. જો બેક્ટેરીઆ નો આ પ્રભાવ ના હોત તો શુ થાત ? કલ્પના કરો.
૪. બેક્ટેરીઆ સોનું-તાંબુ વગેરે ધાતુ બનાવે છે.
ઝરણા પર્વતમાંથી નીકળે ત્યારે તેની સાથે ઘણા પ્રકારના મિનટલ્સ પણ હોય. આ પાણીમાં રહેલા બેક્ટેરીઆ સોના અને તાંબાના ઝીણા કણોને એકઠા કરી નાના નાના ધાતુના ગટ્વા બનાવે છે. નવાઇ લાગે છે ને ? હવે આ પ્રોસેસ ધાતુની ખાણમાં પણ શરૃ કરવામાં આવ્યો છે.
૫. બેક્ટેરીઆ વરસાદ પાડે છે (આબોહવાનો કંટ્રોલ કરે છે)
વરસાદનાં ટીપા આકાશમાં ઝીણી બરફની ગોળીઓ તરીકે શરૃ થાય છે. આ બરફની ઝીણી ગોળીઓ બનવામાં પણ કાયમ ખાસ પ્રકારના બેક્ટેરીઆ છે. આખી દુનિયાના વૈજ્ઞાાનિકોએ પોતાના દેશમાં પડતા વરસાદના ટીપાનું લેબોરેટરીમાં તપાસ કરીને નક્કી કર્યું છે કે જો ઉપરનાં હવામાનમાં આ ખાસ પ્રકારના બેક્ટેરીઆ ના હોય તો જે આખા જગતને આનંદ આપે છે અને વનસ્પતિ ઉગાડવામાં મદદ કરનાર વરસાદ ના પડે
૬. સારા બેક્ટેરીયા પથ્થરને પણ કોતરી નાખે છે
કેમોલીથોટ્રાંફ નામના બેક્ટેરીઆ એવા પ્રકારના રાસાયણીક પદાર્થો બહાર પાડે છે. જે પથ્થરને પણ ઓગાળી નાખે. ખડકોને કોતરી ગુફા બનાવનારા પણ આ બેક્ટેરીઆ છે.
૭. સારા બેક્ટેરીઆ નાઇટ્રોજન બનાવે છે
જો સારા બેક્ટેરીઆ ના હોત તો આખી દુનિયામાં સૌથી અગત્યની રાસાયણીક ક્રિયા હવામાંથી નાઇટ્રોજન ખેચી લેવાની ક્રિયા કેવી રીતે થાત ? અને તો પછી વનસ્પતિને પોષણ આપનાર સજીવ ખાતર કેવી રીતે બની શક્ત ? ખરી વાતને !
૮. દરિયામાં તેલ ઢોળાયું હોય તો તેની દરિયાઇજીવ પર અસર થતી રોકે છે
કોઇવાર તેલવાહક જહાજમાં નુકસાનથી-અકસ્માતથી તેનું તેલ દરિઆમાં ઢોળાયું હોય ત્યારે પણ ખાસ પ્રકારના બેક્ટેરીઆ એ તેલના સ્વરૃપમાં ફેરફાર કરીને દરીઆઇ જીવને મરતાં બચાવે છે.
૯. ગટરનું પાણી ચોકખું કરવા (સુએઝ ટ્રીટમેન્ટ)માં મદદ કરે
નવાઇ લાગે પણ ગટરમાંથી નીકળતા પાણીમાં અબજો બેક્ટેરીઆ હોય છે. તે પાણીને સાફ કરવાની ક્રિયામાં પણ મદદ કરે છે.
૧૦. સારા બેક્ટેરીઆ ખરાબ બેક્ટેરીઆનો નાશ કરે છે
દવાની ફેક્ટરીમાં બનતી દવાઓમાં બેક્ટેરીઆમાંથી જ એન્ટી બાયોટીક દવાઓ બનાવવામાં આવે છે. તે શરીરમાં દાખલ થએલા દુશ્મન બેક્ટેરીઆનો નાશ કરે છે.
બેક્ટેરીઆની શક્તિનું માપ પણ જાણીલો
૧. વૈજ્ઞાાનિકોએ એક નાની ડબીમાં બેક્ટેરીઆ ભરીને પૃથ્વીથી ૬૦૦ કિલોમીટર દૂર અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મદદથી મોકલ્યું. ૫૦૦ દિવસ પછી જ્યારે ડબી પાછી લાવીને તપાસ કરી તો સખત આઇ.વી.રેડ્ડીએશન શુન્યાવકાશ અને પૃથ્વીથી દૂર સાઉથ ઇગ્લેન્ડના પથ્થરોમાંથી મળેલા અને અવકાશમાં મોકલેલા આ બેક્ટેરીઆ નાશ પામ્યા નહોતા.
૨. ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જેટલી ગરમી બેક્ટરીઆ સહન કરી શકે છે. દરીઆની તળેટીના ખડકોમાં ૧ કિલો.મી. નીચે રાખેલા બેક્ટેરીઆ છ માસ પછી પણ તેવા ને તેવા હતા.
બેક્ટેરીઆના પ્રકાર
૧. એટોબીક બેક્ટેરીઆ જેને વૃધ્ધિ માટે ઓક્સીજન જોઇએ.
૨. એનેટોબીક બેક્ટેરીઆ જેની વૃધ્ધિ માટે ઓક્સીજનની જરૃર ના પડે.
૩. કોમન સેલ બેક્ટેરીઆ. મોટે ભાગે આ પ્રકારના બેક્ટેરીઆ ચામડી ઉપર રહે છે. તે અને માનવી એકબીજા ઉપર આધાર રાખતા નથી. સ્વતંત્ર હોય છે.
૪. 'સિમ્બાયોન્ટસ' નામના બેક્ટેરીઆ જીવવા માટે માનવી ઉપર આધાર રાખે છે અને ખરાબ બેક્ટેરીઆથી માનવીનું રક્ષણ કરે છે.
૫. દુનિયાભરના અસંખ્ય માનવી-પશુ-પક્ષી-ઘાસ-પાંદડાનો બધો જ કચરો હોય તેને 'રીસાયકલ' કરી તેમાંથી નાઇટ્રોજન બનાવી ખાતર તરીકે ઉપયોગ કરવાનું કામ કરનારા બેક્ટેરીઆ સર્વશ્રેષ્ઠ છે.
છેલ્લે બેક્ટેરીઆ માટે એટલું જ જણાવવાનું કોઇપણ પ્રકારના બેક્ટેરીઅલા ઇન્ફેક્શનથી તમારા શરીરનો બચાવ કરવો હોય તો નિયમિત કસરત કરો. માનસિક ટેન્શન ઓછું રાખો. આ ઉપરાંત જાણી જોઇ શરીરમાં બેક્ટેરીઆ ના જાય એ પણ ધ્યાન રાખો. બેક્ટેરીઆથી પણ અતિ સુક્ષ્મ જંતુ જેને 'વાયરસ' કહેવાય અને તે બેક્ટેરીઆથી પણ ખતરનાક ગણાય છે તેની વાત ફરી કોઇ વાર કરીશું.

-Gujarat Samachar