20130205

આત્મા એટલે શું?

This "Garden in a Bottle" has been thriving in a sealed container for 53 years, surviving on entirely recycled air, nutrients and water.

Planted in 1960, the spiderwort plant was only once watered in 1972 and sealed shut as 'an experiment' 

Read more: http://bit.ly/WgEsO5 






  અધ્યાત્મજ્ઞાન (અધી+આત્મા) એટલે કે આત્મા વીશેનું જ્ઞાન. અંગ્રેજીમાં કહેવું હોય, તો સ્પીરીટ (Soul) વીશેનું જ્ઞાન એટલે સ્પીરીચ્યુઆલીટી .
          અધ્યાત્મની બધી ફીલસુફીઓમાં આપણે આત્માનું અસ્તીત્વ માની લઈને (Assume કરીને) જ આગળ ચાલીએ છીએ. કારણ સ્પષ્ટ છે : જો આત્મા નથી, તો અધ્યાત્મ નથી. આજનો કેળવણી પામેલો વીચારવન્ત મનુષ્ય આત્માના અસ્તીત્વને કેટલી હદ સુધી સ્વીકારી શકે ? એ પ્રશ્નની બન્ને બાજુઓ ટુંકમાં તપાસી જોઈએ :
         આત્મા એ શું છે ? આત્મા છે, અને એ શરીરથી સ્વતંત્ર અસ્તીત્વ ધરાવે છે એમ માનવા માટે બે દલીલો કરાય છે :
૧. આત્મા એટલે ચેતન, ચૈતન્ય, જીવ. જીવતા માણસમાં આત્મા હોય, એના મડદામાં નહીં; સજીવમાં આત્મા હોય, જડમાં નહીં. મૃત્યુનો અર્થ એ જ કે દેહમાંથી આત્મા વીદાય થયો. આત્મા નથી તો જીવન નથી.
૨. ધર્મોના ફીરસ્તાઓમાં, સન્તોમાં કે મહાપુરુષોમાં માનો; શ્રદ્ધા રાખો; પ્રશ્નો ન પુછાય.
         ઉપરની બીજી દલીલ ગુઢત્વ કે રહસ્યવાદ (Mysticism) વીશે છે. તમે એમાં માનતા હો, તો મારે અહીં કાંઈ કહેવાનું નથી. એ શ્રદ્ધાની વાત છે. બુદ્ધીને બાજુએ રાખવાનો એ અભીગમ છે, એટલે ચર્ચાને ટાળવાની વાત છે. મગજના ઉપયોગ પર પ્રતીબંધ મુકો એટલે વાતચીત જ બંધ. આ અભીગમ વીચારશીલતા (Reason) કે વીજ્ઞાન કરતાં તદ્દન ઉલટા પ્રકારનો છે.
         પહેલી દલીલમાં જીવન શું છે, મૃત્યુ શું છે, એ જુગજુનો મહાપ્રશ્ન સમાયેલો છે. એના વીશે, ચેતન તત્ત્વ (Life or Consciousness) વીશે, વધુ સમજવાની જીજ્ઞાસા હોય, તો જ આગળ વાંચવા વીનંતી છે. એ બાબતમાં નીચેના મુદ્દાઓ ગંભીરતાથી વીચારવા જેવા છે :
૧. સજીવ અને નીર્જીવ વચ્ચે કોઈ સ્પષ્ટ ભેદરેખા નથી. હોય તો એ હવા કરતાંય પાતળી છે. જીવનનું એક મુખ્ય લક્ષણ પ્રજોત્પત્તી કરવાની ક્ષમતા છે. વાયરસ (Virus) નામે ઓળખાતા સુક્ષ્મ જીવાણુમાં એ નથી. અન્ય જીવંત પ્રજાતી (Specis) ના આધાર વીના બીજું વાયરસ જન્મી શકતું નથી. તો પછી વાયરસને સજીવ કહેવાય ? એ શોધાયું ત્યારે કેટલાક એને સજીવ માનતા હતા, કેટલાક નીર્જીવ. એનામાં આત્મા હોય? ખબર નથી. સજીવ-નીર્જીવની ભેદરખા ઉપર એ જીવે છે. બીજા સુક્ષ્મ જીવ બેક્ટીરીયાને તો આજે બધા જાણે છે. વાયરસ ને બેક્ટીરીયા એ બન્નેમાં સહજ ફેરફાર (Mutation) થાય ને એમની આખી પ્રજાતી જ બદલાઈ જાય. એટલે આત્મા એનો એ જ રહ્યો કે બદલાઈ ગયો ? એકકોષી જીવ વીભાજીત થઈ બે જીવ બને ત્યારે એક આત્મામાંથી બીજો આત્મા ઉત્પન્ન થયો ? ઉપરના પ્રકારના બધા પ્રશ્નોના જવાબમાં ધર્મના પંડીતો કહે છે : ‘ખબર નથી.’ આ બે શબ્દો આસ્તીકોનો બચાવ કરવા સાથે તેમને વીનયી ને નમ્ર પણ દેખાડે છે. સત્ય એ છે કે કોઈ ધર્મના ફીરસ્તાના યુગમાં સુક્ષ્મદર્શક યંત્રો (Microscope) શોધાયાં ન હતાં, ને આ સુક્ષ્મ જીવો કોઈએ જાણ્યા કે કલ્પ્યા પણ ન હતા.
૨. માણસ કે પ્રાણીની મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે, એ આપણે ધારીએ છીએ એવું સ્પષ્ટ નથી. કોઈ ડૉક્ટરને પુછજો. માણસનું હૃદય બન્ધ પડ્યા પછી એને ફરી કામ કરતું કરી શકાય છે. હૃદય બન્ધ પડે પછી મગજના કોષો થોડી વાર જીવન્ત હોય છે. મગજથી મરેલા (Brain-dead) માણસનું હૃદય પણ ચાલુ રહી શકે છે. બન્ને એક જ ક્ષણે એકસાથે મરતાં નથી. તો પછી માણસ મર્યો ક્યારે ? એનો આત્મા ક્યાં હતો ? કઈ ક્ષણે એને છોડીને ગયો ? અવયવોમાં અર્ધોપર્ધો જીવન્ત હતો ? હજી છે ? બીજા અવતારના ગર્ભમાં પ્રવેશવાની રાહ જોતો હતો ? ઘણાં જીવજન્તુઓ માથું કપાયા પછી પણ જીવે છે. અનેકને મગજ હોતું જ નથી. અનેકને હૃદય નથી. પ્રાણીશાસ્ત્રનું આવું ઉંડું જ્ઞાન આપણામાંના કેટલા મેળવી શકતા હોય છે ?
૩. ચેતન કે જીવ એ જ આત્મા હોય તો જન્મ થાય ત્યારે શરીરમાં આત્મા પ્રવેશ કરે ને ? ગર્ભધારણની ક્ષણને જ જન્મ કહેવો પડે; કારણ ગર્ભમાં જીવ છે જ. સ્ત્રીનો અંડકોષ ને પુરુષનો શુક્રાણુ બન્નેમાં આત્મા હોય ? ફલીકરણ સમયે બે આત્મામાંથી એક જ થયો, તો બીજાનું શું થયું ? આ ક્ષણે પ્રકૃતી કરોડો શુક્રાણુઓનો નાશ કરે છે, એટલે આત્માઓનો નાશ થયો કહેવાય ? આ બધા પ્રશ્નો ધારીએ એટલા ઉપલક નથી, ગંભીર છે. ગર્ભપાત (Abortion) ના કાયદા વીશેની ચર્ચામાં અમેરીકામાં આ પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે, ચર્ચવા પડે છે. જન્મ અને મૃત્યુની ચોક્કસ ક્ષણ ક્યારે એ વીશે કોર્ટોમાં અનેક દલીલો કે પછી વાક્–યુદ્ધો ચાલે છે. આજે તો માબાપ બન્ને મરી ગયાં હોય તોપણ એમનું બાળક જન્મી શકે છે. એટલે કે શીતાગારમાં સંગ્રહ કરેલા શુક્રાણુમાં માણસનું અમરત્વ સુરક્ષીત છે. આંબાને કલમ થાય છે. કપાયેલી ડાળ વાવવાથી નવો છોડ ઉગે છે. મને કે તમને વનસ્પતીશાસ્ત્ર કેટલું આવડે છે ? અને આત્માના પુરસ્કર્તાઓને ?
૪. દરેક માણસના દેહમાં ત્રણ લાખ અબજ જેટલા કોષો છે. દરેક કોષ જીવન્ત છે, એનું પોતાનું જન્મ, જીવન, મૃત્યુનું ચક્ર છે. એક બીજમાંથી વીશાળ વૃક્ષ વીકસે છે. તો પછી, દરેક કોષ, દરેક બીજને પોતાનો આત્મા હોય ? હોય તો એક વૃક્ષમાં કેટલા આત્મા થયા ? ન હોય તો બીજના એક આત્મામાંથી વૃક્ષ કેમ જન્મ્યું ?
૫. આત્માની કલ્પના દરેક ધર્મમાં અલગ પ્રકારની છે. ખ્રીસ્તીઓ માને છે કે પ્રાણીઓમાં આત્મા ન હોય. હીન્દુઓ માને છે કે દરેક જીવમાં આત્મા હોય. પ્રાણીઓને ખાવાં જોઈએ ? સજીવ વનસ્પતીને ખવાય ? દહીં ખવાય ? સુક્ષ્મ જીવાણુઓ (Microbs) જીવંત છે ને એ તો સર્વત્ર છે. સમ્પુર્ણ અહીંસક બનીને જૈન સાધુ જીવી શકે ? શ્વાસ પણ લઈ શકે ?
૬. આત્મા તેજોબીન્દુ માત્ર હોય, અ-શરીરી હોય, સ્વતંત્ર હોય, સુખદુઃખ એને લાગતાં જ ન હોય, તો એને શામાંથી મુક્તી જોઈએ છે ? ‘હું જેલમાં નથી; પણ મારે જેલમાંથી છુટવું છે’, એમ કોઈ કહે ખરું ?
. અજર, અમર, અનન્ત, — –(વગેરે) માનવામાં આવતો આત્મા પહેલવહેલો ક્યાંથી અને ક્યારે આવ્યો ?
       પ્રશ્નોનો પાર નથી, કલ્પના સીવાય કશાનો આધાર નથી; છતાં આત્મા આવો છે, તેવો છે, પામવો છે, તારવો છે, એવી ઝંખનાઓ અપાર છે.
         અવયવોની અદલાબદલી (Organ transplant), કૃત્રીમ પ્રાણીઓ (Cloning), નવગર્ભકોષો (Stem Cells) વીશેનું સંશોધન, વગેરે પ્રયોગોથી વાકેફ હોય એવી કોઈપણ વીચારવન્ત વ્યક્તી આત્માના અસ્તીત્વમાં માની શકે એ આજે અસંભવીત બન્યું છે, સીવાય કે વીજ્ઞાનપુર્વેના કાળના પુરાતન સંસ્કારોને કોઈ પણ ભોગે એ વળગી રહેવા માગતી હોય, અગમનીગમ ને ગુઢવાદ (Mysticism) ને છોડી શકતી ન હોય.
          કાર્બન નામના મુળ તત્ત્વ વીના કોઈ જીવ બન્યો નથી. એમ મનાતું હતું કે એનાં સંયોજનોને ભગવાન સીવાય કોઈ બનાવી શકે નહીં. ઈ.સ. ૧૮૪૮માં પ્રયોગશાળામાં રસાયણશાસ્ત્રીઓએ કાર્બનનું સંયોજન યુરીઆ પહેલવહેલું બનાવીને એ માન્યતા ખોટી પાડી. આજે તો જીવનના પાયામાં રહેલા પ્રોટીન પણ બને છે, હજારો જૈવીક પદાર્થો બને છે અને જનીન દ્રવ્ય વીશે અદ્‌ભુત સંશોધનો થઈ રહ્યાં છે. કાલે ઉઠીને વૈજ્ઞાનીકો સ્વયં સંયોજાતા અણુઓ (Self Duplicating Molecules) બનાવશે, ત્યારે આત્માના આ વીશેષજ્ઞો શું કહેશે ? આત્માનો જન્મદીન ઉજવશે ?
         વીવેક, વીચાર અને વીજ્ઞાનનાં ત્રણસો વર્ષના એકધારા પ્રહારોથી બધા ધર્મોને તાર્કીક રીતે ગંભીર માર પડ્યો છે. એમના ફીલસુફોએ જવાબો આપવાના નીષ્ફળ યત્ન કર્યા છે એમની અનેક અદ્‌ભુત વાક્‌છટાઓ છતાં, એક ધર્મના જવાબને બીજાનો જવાબ નકારે છે. છેવટે બાકી રહે છે એમનો એક જ આશરો અને તે છે : ‘શ્રદ્ધા રાખો.’
–સુબોધ શાહ
લેખક સમ્પર્ક:
Subodh Shah, 7 Nightfall court, OFALLON, MO – 63368 – USA
Ph : 001-636-240-5230   eMail : ssubodh@yahoo.com