20130220

સત્કર્મ કરો... ભવસાગર પાર કરવા માટે સત્કર્મથી મોટી અને સલામત કોઈ નૌકા નથી!! - સ્વામી બાલકૃષ્ણદાસજી


ઝાકળઝંઝા - પરાજિત પટેલ

- ઘલુડી ગામ ગોકુળ બની ગયું છે. અહીંનો વગડો વૃંદાવન બની ગયો છે. એના વૃક્ષે વૃક્ષે ડાળીએ ડાળીએ 'સેવા અને કલ્યાણભાવ'નાં ફળ લટકે છે!!

'ભાડુંય પાસે નથી, શું કરું? આવ્યો તો ખરો, પણ પાછા શી રીતે જવાશે, સ્વામીજી?'
શીશ નમાવી બોલી રહ્યો છે બનાસકાંઠાના કોઈ અંતરિયાળ ગામથી આવેલો, એક ફટેહાલ, વધેલી દાઢીવાળો, દારિદ્રની સાક્ષાત્ મૂર્તિ જેવો પચાસેક વરસનો માણસ. સામે બેઠા છે શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી મહારાજ. ભગવો પોશાક છે. ગળામાં માળા છે. બેઠી દડીની કાયા છે. ઝગારા મારતું લાંબું પહોળું લલાટ છે. કલ્યાણથી ગાયોનો અદૃશ્ય અવાજ સાંભળીને આવ્યા છે સ્વામીજી! ખાડાનું પૂરણ કરીને પંચદેવ મંદિરના નિર્માતા છે, સ્વામીજી! બાજુમાં જ સંખ્યાબંધ ગાયોનો વાડો છે. ઘાસ ખાઈ રહી છે ગાયો. ભાંભરીને પ્રસન્નતા વ્યક્ત કરી રહી છે ગાયો. સ્વામીજી ક્યારેક ગાયોની ભાંભરણ સાંભલીને બોલી ઊઠે છે, 'તમારા પોકાર સાંભળીને તો હું આવ્યો છું અહીં.'
'અહીં, એટલે?'
'અહીં એટલે આ ગામ. ગામ જેવું ગામ છે. ઘલુડી. પહોળું પહોંચતું પાદર છે. ગામ તો છે સાવ નાનકડું. માંડ સાતસો માણસો વસે છે ગામમાં. થોડેક દૂર હાઈવે છે. કીમ ચોકડી છે. કામરેજ ચોકડી છે. દૂર ભરૃચ છે. ને આ બાજુ સાવ નજીક સુરત છે. સડકથી માંડ સાત કિલોમીટર પર આવેલા ઘલુડી ગામમાં પ્રસન્નતા ભરી મુસ્કરાહટ છે. આ ત્રણ અક્ષરિયા ગામ પર હનુમાનજી, શનિદેવ, સ્વયંભૂ શિવજી સહિતના પાંચ પાંચ દેવોની અસીમ કૃપાનો શ્રાવણ વરસે છે. અહીં આવનારા દરેકને સ્વામી કહે છે, 'સત્કર્મ કરો. ભવસાગર તરવા માટે સત્કર્મથી મોટી અને મજબૂત કોઈ નૌકા નથી! ગાયોને તૃપ્ત કરો. ભૂખ્યાંનાં પેટ ઠારો.'
અને શનિવારે મારુતિનંદન સહિત શનિદેવના દર્શને આવતા હજારો દર્શનાર્થીઓમાંનો એક ગરીબડો, દયામણા વદનવાળો, અભાવની પીડાવાળો ભક્તજન સ્વામીજી સામે નતમસ્તક બનીને કહે છે, 'સ્વામીજી, ઉત્કટ ઇચ્છા થઈ, ને આવ્યો તો છું, પણ પાછો શી રીતે જઈશ?'
'કેમ?'
'ગરીબ માણસ છું. મજુરી કરીને કુટુંબનું પેટ ભરું છું. ગમે તેમ કરી આવ્યો છું, મહારાજ! પણ પાસે ભાડાનો જોગ નથી!'
'ચિંતા ન કરશો, ભગત!'
'એટલે?'
'ભાડું તમને મળી જશે... જાવ ગાયોનાં દર્શન કરી આવો!' ને પછી પાસે જ ઊભેલા વ્યાખ્યાન વાચસ્પતિ સ્વામી અક્ષયપ્રસાદને કહે છે, 'આ ભગતને ચારસો રૃપિયા આપજો, શ્રીજી મહારાજની ઇચ્છા છે!'
કલ્યાણ યાદ આવે છે. ભરૃચના મકાનની ઝુંપડી યાદ આવે છે. છેલ્લા શ્વાસ છોડીને ચાલી ગયેલી જનેતાનો ચહેરો યાદ આવે છે, ધૂળમાં પડેલા તડબૂચના ટુકડા ધોઈને બદમાશ 'ભૂખ'ને ઠાર્યાનું યાદ આવે છે સ્વામીને! બસ, એકજ વાત, મારી ગાયો મારી જનેતા છે, એમને જીવાડીશ! અહીં પુરાતન મારુતિનંદનના દર્શને આવતા દરિદ્રજનો મારા નારાયણ છે, એમની સેવા કરીશ!
અચાનક કપિલા ભાંભરી ઊડી. ગાયનું નામ પાડયું છે કપિલા. સ્વામી બાલકૃષ્ણપ્રસાદજી દોડયા, 'કપિલા ભાંભરે છે. એના ભાંભરવામાં રુદન છે! મારી જનેતા રડે છે.' ને ગાય પાસે દોડી જાય છે. એના ગળે વળગી પડે છે. રડે છે ગાય. ભાંભરે છે ગાય. આંખમાંથી આંસુડાં સારે છે ગાય. ગાય તો મા છે. એને રડવા દેવાય? હું બેઠો છું ને એનો બેટડો!
'ગોપાલ...'
ગૌપાલક ગોપાલ દોડતા આવે છે.
'હુકમ કરો, સ્વામીજી!'
'કપિલા રડે છે. એને સરસ મજાનું લીલું ઘાસ ખવડાવ. ઘીમા પલાળેલો ગોળ ખવડાવ. જો એની કાયા મેલી છે. એને સાબુ ચોળી ચોળીને નવડાવ. એ ભૂખી થઈ છે. ભૂખનું દુઃખ કેવું વસમું હોય છે એ હું જાણું છું. એને જ નહિ, તમામ ગાયોને ભાવતાં ભોજનિયાં જમાડ.'
- શનિવારનો દિવસ છે. મનોકામના પૂર્ણ કરનારા મારુતિનંદનના દર્શન માટે ધસારો છે. દોઢેક કિલોમીટરની લાઈન લાગી છે. દરેક જણ દર્શન કરે છે. પછી સ્વામીજી પાસે જાય છે. નતમસ્તકે વંદન કરે છે. પછી દબાયેલા સ્વરે કહે છે, 'સ્વામીજી, બહુ દુઃખી છું. આર્થિક તકલીફ છે. પરિવાર મોટો છે. શું કરું?'
'સત્કર્મ કરો. ભવનું ભાથું બાંધો.'
'એટલે?'
'બહારની દિવાલ પર છ સત્કર્મનું બોર્ડ છે. વાંચી લો. કાળજામાં લખી લો. બસ, કરવા માંડો સત્કર્મ. બસ, સત્કર્મ તારશે. સત્કર્મ ઉગારશે. સત્કર્મ જીવનને ઉજાળશે.'
સૌને સ્વામીનો સંદેશો.
મૂંગી ગાયોની સેવા કરો.
અમોલ પશુઓની સેવા કરો.
ગરીબનાં આંસું લૂંછો.
રાષ્ટ્રનું રક્ષણ કરતા જવાનોને મદદ કરો. શહીદોના પરિવારને સહાય કરો.
તરસ્યાં માટે પરબો બંધાવો.
તમામ કાર્યોમાં ભગવાને સાક્ષી રાખો.
એક યુવાન આવે છે. તરવરિયો બાવીસ વર્ષીય યુવાન છે. ચઢતું લોહી છે. છેલબટાઉ વેશ છે. આંખોના ડોરે કાજલ છે. તલવારકટ મૂછો છે. આઠેય આંગળીએ મોંઘીદાટ વીંટીઓ ઝગારા મારે છે. આંખોમાંથી એક પ્રકારની બેપરવાહી ટપકી રહી છે. ચંચળતા ચોળીને આવ્યો છે. યુવાન સાથે એની પત્નીને લાવ્યો છે. પત્ની બહાર જઈને ઊભી છે. નામ? શ્રવણકુમાર ! શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી મહારાજ સમક્ષ હાથ જોડી મસ્તક નમાવે છે. એને કંઈક કહેવું છે, સ્વામીને ખ્યાલ આવી જાય છે. એ બોલી ઉઠે છે. 'કહેવું છે કંઈ?'
'હા'
'નામ?'
'શ્રવણકુમાર સેવક'
'નામ સરસ છે.'
'મારે છૂટવું છે, સ્વામીજી. મા વિધવા છે. વૃદ્ધ છે. બહુ કચકચિયણ છે. કંકાસિયો સ્વભાવ છે. મારી પત્નીનો વારંવાર વાંક કાઢ્યા કરે છે. મારે છૂટવું છે સ્વામીજી! અલગ રહેવા જાઉં, સ્વામીજી?'
'તારો આત્મા શું કહે છે?'
'આત્માનો અવાજ સંભળાતો જ નથી!'
'આત્મા જ નથી કે શું?'
'ખબર નથી, સ્વામીજી!'
'તો સાંભળ. તારી જનેતાને જ તારો ભગવાન બનાવી દે. તને જોતાં જ હું સમજી ગયો હતો કે તું આવો જ કોઈ પ્રશ્ન લઈને આવ્યો હોઈશ. એક કામ કર. કરીશ?'
'હા.'
'સવારમાં નાહી ધોઈને પ્રથમ તારી માને સાષ્ટાંગપ્રણામ કર. મા પાસે આશીર્વાદ માગજે. બહાર જવું હોય તો ય માને પૂછ, મા જાઉં? તારી પત્નીને કહી દે કે માને જે ભાવતું હોય તેવું જ જમાડે! અરે ગાંડા, નામ તો સરસ છે, શ્રવણકુમાર...ને કપૂત કુમાર બનવા જાય છે? સાચો શ્રવણ બનીજા. અટક સેવક છે તો તારી જનતાની સાચા અર્થમાં સેવા કરીને સેવા કર. અલગ રહેવા જઈશ તો દુઃખી થઈ જઈશ. મા જ તારો ભગવાન છે. એને રાજી રાખ. તારાં માબાપ બૂઢાં નથી, બુદ્ધ છે વૃદ્ધ નથી, વરદાનદાયી છે. જા આટલું કર. જુદા જવાનો વિચાર મનમાંથી કાઢી નાખ. શ્રવણકુમાર, વૃદ્ધ વિધવા જનેતાના સાચા શ્રવણ બનો. જાવ, વાગશે ફત્તેહના ડંકા!'
ઘલુડી ગામ ગોકુળ બની ગયું છે. અહીંનો વગડો વૃંદાવન બની ગયો છે. વૃક્ષો ખૂબ છે આ ગામમાં વૃક્ષે વૃક્ષે, ડાળીએ ડાળીએ 'કલ્યાણભાવ' લટકે છે. પર્ણે પર્ણે સાર્થકતાની સુવાસ ચોંટી છે. મારગના કણકણમાં માણસાઈની કવિતા સ્ફુરે છે. કારણ? પાદરમાં પંચદેવ તીર્થ છે. શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી છે. વિદ્વાન ભાગવત વ્યાખ્યાતા અક્ષયપ્રસાદ સ્વામી છે.
'સ્વામીજી!'
'બોલો'
'એક સંસ્થા છે.'
'ક્યાં?'
'સાપુતારા પાસે, શિવારીમાળ ગામ છે. ત્યાં એક સંસ્થા છે. ત્યાં અંધો તથા રાષ્ટ્રની સુરક્ષા કરતા શહીદોના પરિવાર માટે સહાયની યોજના છે!'
સાંભળતાં જ અચાનક સ્વામીજી બોલી ઊઠે છે, 'ચાલો, આવશો મારી સાથે?'
'જરૃર!'
- ને સ્વામી બાલકષ્ણદાસજી પેલા ભક્તને લઈને સાપુતારા નજીકની એ સંસ્થાએ પહોંચી જાય છે. ગાડીમાંથી ઊતરે છે. સંસ્થાના સંચાલકોને મળે છે. સંસ્થાના સંચાલક સ્વામીનો ચરણસ્પર્શ કર છે, 'બોલો સ્વામીજી, શું સેવા કરું આપની?'
'સેવા લેવા નહિ, સેવા આપવા આવ્યો છું.'
'એટલે?'
'લો આ અગિયાર હજાર રૃપિયા. શહીદોના પરિવારોને પહોંચાડશો. રાષ્ટ્ર તો મા છે. તેની રક્ષા કરતા જિંદગીની કુરબાનીની કથા લખી બેઠેલા શહીદોના પરિવારને સહાયરૃપ થવું, એ તો સૌની ફરજ છે. હું સાધુ માત્ર જય જપ કરનારો નથી. માત્ર તિલક કરીને ફરનારો સાધુ નથી. કંઠીઓ બાંધી બાંધીને શિષ્યોનાં ટોળાં ભેગાં કરનારો સાધુ નથી. હું ભગવાનનો ભક્ત છું, તો જનતાનો ય ભક્ત છું. લૂંલાં લંગડાં પશુઓનો પણ ભક્ત છું. ગાવડીઓ મારી માવડીઓ છે. રાષ્ટ્ર મારો દેવ છે. બસ, શહીદોના પરિવારો માટે આપની સંસ્થાને દર મહીને અમારા ઘલુડીના પંચદેવ તીર્થ તરફથી રૃપિયા અગિયાર હજાર મળતા રહેશે! બસ, આ સેવા મારે કરવી છે!'
પૈસા અપાય છે.
ને સ્વામીજી પેલા ભગત સાથે ગાડીમાં બેસીને પાછા વળી જાય છે. એમના દિલમાં પ્રસન્નતા છે. થોડીવાર માટે આંખો બંધ કરે છે. બંધ નેત્રે સદ્ગત જનેતાને એ નિહાળે છે. બોલી ઊઠે છે. 'મા, તમે પ્રસન્ન થયાં? તમારો આ બેટો સેવાની સુવાસ પ્રસરાવવામાં સહેજ પણ કચાશ રાખશે નહિ! ને ત્યાં પંચદેવ તીર્થે પણ!'
ઘલુડી ગામ આવી જાય છે. ગાડી પાદરમાં પ્રવેશે છે. સ્વામીજી ભગવાનનાં દર્શન કરી, ભોજનશાળામાં જાય છે. રસોઈયા મહારાજ અને સંચાલકને કહે છે, 'રસોઈ એવી બનાવો કે જમીને દરિદ્ર નારાયણો પ્રસન્ન થાય. જોજો હોં, કોઈ ભૂખ્યો ભોજન લીધા વગર ન જાય! હેતથી ભૂખ્યા ભક્તજનોને પીરસજો. એમને આદર આપજો. એમનાં પેટ ઠારજો.' ને આટલું કહ્યા પછી ગૌશાળામાં જાય છે સ્વામીજી. ગાયોની કાયા પર હાથ ફેરવતાં કહે છે, 'સાંભળ્યું ? તમને ગમ્યું ને મારી જનેતાઓ? રાજીને?'
ને અદૃશ્યપણે સામે ગજરાબા ઊભાં હોય તેમ સ્વામીજી બોલી ઊઠે છે, 'મેં ભૂખ બહું વેઠી છે મા! આ પાપી પેટમાં એઠું જુઠું ઘોઈને અને શ્વાનોને ભૂખ્યા રાખીને છીનવેલું બહું નાખ્યું છે. પણ હે મા, હવે આ તારો આ બેટો કોઈને એવાં પાપ નહીં કરવા દે!'
(કથાબીજ ઃ ડો. દીપકભાઈ કાશીપુરિયા)

-Gujarat Samachar