અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- કોઇ જાણતું નથી કે આવું આકસ્મિક રોગ નિવારણ કેવી રીતે થાય છે ? પણ દુનિયાના દરેક ભાગમાં અવાર નવાર 'સ્પોન્ટેનિયસ હિલિંગ'ની આવી ઘટનાઓ બને છે એટલે તેમને સ્વીકારવી તો પડે જ છે
માનવ શરીરની સંરચના અને એની કાર્યવાહી એક ચમત્કાર છે. શારીરિક અને માનસિક પ્રક્રિયામાં ગરબડ થાય, વિકૃતિ આવે એટલે બીમારી ઉદ્ભવે છે. કેટલીક વાર બહારના અનેકવિધ લાંબાગાળાનાં ઉપચારો કરવાં છતાં જે બીમારીઓ દૂર ન થઇ હોય તેમને શરીર અજ્ઞાાત રીતે અચાનક આપમેળે જ મટાડી દે છે! આવા આપમેળે એકાએક જ થઇ જતા શરીરના પોતાના ઉપચારને મેડિકલ સાયન્સમાં 'સ્પોન્ટેનિયસ હિલિંગ' કહે છે. કેન્સરની ગાંઠનું એકાએક ગળી જવું. વર્ષોથી ભોગ બનેલ લકવા કે અપંગપણા માંથી મુક્ત થઇ જવું, હૃદયરોગની ગંભીર સ્થિતિમાંથી પૂરેપૂરી રીતે બહાર આવી જવું. આવા અનેક કિસ્સા શરીરશાસ્ત્રીઓ, તબીબો સમક્ષ આવતા હોય છે. જો કે આવા ઉપચારનું કોઇ કારણ તેઓ આપી શકતા નથી. કોઇ જાણતું નથી કે આવું આકસ્મિક રોગ નિવારણ કેવી રીતે થાય છે ? પણ દુનિયાના દરેક ભાગમાં અવાર નવાર 'સ્પોન્ટેનિયસ હિલિંગ'ની આવી ઘટનાઓ બને છે એટલે તેમને સ્વીકારવી તો પડે જ છે.
ઇ.સ.૨૦૦૪માં સેન્ટ્રલ ઇગ્લેન્ડના ઔદ્યોગિક શહેર કોવન્ટ્રીમાં રહેતી જોઇસ ઉલરીચ નામની વૃદ્ધ મહિલાને સખત માત્રાનો હાર્ટ એટેક આવ્યો અને તે કોમામાં સરી પડી. જોઇસ ૧૯૭૯માં ગ્લુકોમાનો ભોગ બની હતી અને તેની દ્રષ્ટિ મદ થવી લાગી હતી. થોડા સમયમાં તો તે સંપૂર્ણ પણે અંધ બની ગઇ હતી. હાર્ટ એટેક બાદ આવેલા કોમામાંથી જ્યારે તે બહાર આવી ત્યારે માન્યામાં ન આવે તેવી ઘટના બની. પચ્ચીસ વર્ષથી આવેલો તેનો અંધાપો એકાએક દૂર થઇ ગયો! કોમામાંથી બહાર આવ્યા બાદ તે બધું જ જોઇ શકતી હતી. ડોક્ટરો તાજુબ થઇ ગયા કેમ કે તેમણે તેમની તબીબી કારકિર્દી દરમિયાન આવી કોઇ ઘટના જોઇ નહોતી. જોઇસને અને તેના કુટુંબીઓને લાગ્યું કે આ એક ચમત્કાર જ છે. એ સિવાય આવું કેવી રીતે બની શકે? મેડિકલ ક્ષેત્રના નિષ્ણાત શરીર વિજ્ઞાાનીઓ આને 'સ્પોન્ટેનિયસ હિલિંગ'નો કિસ્સો ગણાવે છે.
જર્મનીના તબીબો સમક્ષ કેન્સરના બે કિસ્સા આવ્યા હતા. જેમાં આ પ્રકારે આકસ્મિક સ્વયં ઉપચાર થઇ ગયા હતા. એક દરદીને બ્રોન્કિઅલ ટયુમર હતી અને બીજાને ચામડીનું કેન્સર હતું. બન્ને દરદીઓને 'મેટાસ્ટેટ'ની સ્થિતિ પણ આવી જેને લીધે શરીરના બીજા અંગો પણ અસરગ્રસ્ત બન્યા. બ્રોન્કિઅલ કેન્સરવાળા દરદીને બીજો કોઇ ઉપચાર શક્ય નહોતો એટલે માત્ર પેઇન કીલર દવાઓ જ આપી. કેન્સરને વધતા વાર નથી લાગતી એ કુદકે ને ભૂસકે વધી રહ્યો હતો. ડોક્ટરો આ સ્થિતિમાં કંઇ કરી શકે એમ નહોતા એટલે ચિંતિત દર્દી પણ સારા થવાની આશા અને ઇશ્વર સારું કરી દેશે એવી શ્રદ્ધા સિવાય બીજું કંઇ કરી શકે એમ નહોતો. એટલે તેણે માત્ર એ એક જ સહારો લીધો હતો.એક દિવસ એકાએક ચમત્કાર થયો. કોઇપણ જાતની ટ્રીટમેન્ટ વગર જ તે દરદીની કેન્સરગ્રસ્ત ગાંઠ ઓગળવા લાગી. છેવટે તે પૂર્ણપણે ઓગળી ગઇ. તે કેન્સરરહિત સ્થિતિમાં દસ વર્ષ વધુ જીવ્યો. ત્યારબાદ 'પલ્મોનરી એમબોલીઝમ'ને કારણે તેનું મરણ થયું હતુ.
સ્કીન કેન્સરવાળા દરદીએ સર્જીકલ ઓપરેશન કરાવી કેમોથેરેપી પણ લીધી હતી જેથી રોગ બીજા અંગો પર આગળ વધવા ન પામે અને મગજમાં 'મેટાસ્ટેટ'ની સ્થિતિની વૃદ્ધિ ન થાય. એમ છતાં એની પરિસ્થિતિ એવી વિકટ હતી કે ડોક્ટરોએ તેના સારા થવાની આશા છોડી જ દીધી હતી. દરદી પોતાના સાજા થવા અંગે ખૂબ ઉત્સાહી અને આશાવાદી હતો. તે દરરોજ સાજા થઇ જવાની કલ્પના કરતો અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના પણ કરતો. તેણે 'ઓલ્ટરનેટ થેરાપી'નો પણ વધારામાં સહારો લીધો હતો અને જમવામાં શાકાહારી ભોજન લેવાનું સ્વીકાર્યું હતું. ૧૯૮૬ સુધીમાં તેને તદ્દન સારું થઇ ગયું હતું. મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોને પણ આ કિસ્સાથી ભારે આશ્ચર્ય થયું હતું.
જે દરદીઓને 'સ્પોન્ટેનિયસ હિલિંગ'થઇ ગયું હતું તે માને છે કે આવું થવા પાછળ તેમણે કરેલી ઓલ્ટરનેટ થેરેપી કે કોઇની પ્રાર્થનાની શક્તિ રહેલી હોય છે. દુનિયાભરના વિજ્ઞાાનીઓ સ્પોન્ટેનિયસ હિલિંગની ઘટનાઓનો 'ડેટા'એકઠો કરે છે અને તેનું 'સ્ટેટસ્ટિકલી એનાલિસિસ'કરે છે પણ હજુ આનો કોઇ નિશ્ચિત નક્કર નિષ્કર્ષ આપી શકતા નથી. જર્મનીની યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ હિડેલબર્ગ અને ન્યુરેમ્બર્ગ હોસ્પિટલના સંશોધક તબીબોની ટુકડી જણાવે છે કે આ દિશામાં હજુ વધુ પ્રયત્નો ચાલી રહ્યા છે. કે સ્પોન્ટેનિયસ હિલિંગ કેવી રીતે કામ કરે છે. ખાસ કરીને પરામનોવિજ્ઞાાનના ક્ષેત્રમાં વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ જેવી કે યોગ, ધ્યાન પ્રાર્થનાની પ્રક્રિયા, પ્રાણિક હિલિંગ વગેરે સાથે ઉપચારની હકારાત્મક આશા સાથે વિશિષ્ટ વ્યક્તિત્વ, ગુણધર્મો, વર્તન પ્રણાલીઓ અને આધ્યાત્મિક શક્તિઓનો ઉપયોગ કરીને આ સંશોધનો થઇ રહ્યા છે. કેટલાક કિસ્સા એવા પણ જોવા મળ્યા છે જેમાં દરદી ધાર્મિક શ્રદ્ધાવાળા ન હોવા છતાં આપ મેળે ઉપચાર થયો હતો. કદાચ, એમની ઉત્કટ આશા અને જીજીવિષાએ શરીરમાં એવા ફેરફાર આણ્યા હોય જેમાંથી રોગ નિવારણ થઇ ગયું હોય! જો કે આવા કિસ્સા અલ્પ છે.
સ્પોન્ટેનિયસ હિલિંગ પાછળ જવાબદાર-કારણભૂત ઘટકો કયા હોઇ શકે એ વિશે સંશોધક નિષ્ણાતો એવું અનુમાન કરે છે કે જીવન વિશે દરદીનો અભિગમ કેવો છે તે મહત્વની બાબત છે. દરદીની માનસિક ભૂમિકા, તેની વ્યક્તિગત વૃત્તિ અને લાગણી પણ રોગ માંથી સાજા થવાની પ્રક્રિયા પર મોટી અસર કરે છે. વિજ્ઞાાનીઓ અસ્તિત્વગત પરિવર્તન (existential transformation)ની આશ્ચર્યજનક ઘટનાને પણ સ્વીકારે છે. બીમારી દરમિયાન વ્યક્તિમાં ભારે માનસિક પરિવર્તન થાય છે. આ રૃપાંતરિત સ્થિતિમાં કોઇ અજ્ઞાાત ઊર્જા કે તત્ત્વ સાથે તેનું જોડાણ થાય છે જે તેની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત વિપુલ માત્રામાં પ્રવૃદ્ધ કરી દે છે. ઇશ્વર પરત્વેની શ્રદ્ધા, પ્રબળ આશા, યોગ, પ્રાર્થના વગેર પ્રક્રિયા આ 'અસ્તિત્વગત રૃપાંતરણ'જલદી લાવે છે તેથી ઓલ્ટરનેટ થેરેપીનો સહારો લેનારાને બીજા કરતાં જલદી સ્પોન્ટેનિયસ હિલિંગનો લાભ પ્રાપ્ત થાય છે. ઇશ્વરમાં શ્રદ્ધા ન ધરાવનારા કે પ્રાર્થના ન કરનારા દરદીઓ કરતાં આ પ્રકારના શ્રદ્ધાળુ દરદીઓ જલદી સાજા થઇ જાય છે.
ડો.રોબર્ટ ઐડરે ઇમ્યુનિટી અને રેઝીસ્ટંસના નવા ક્ષેત્રનું નામ આપ્યું છે- સાઇકોન્યુરો ઇમ્યુનોલોજી. તે કહે છે કે દરદી રોગ વખતે દવા લે, ખોરાક બદલે, પરેજી પાળે તે પૂરતું નથી મનુષ્યમાં રોગપ્રતિકારક શક્તિ એની હકારાત્મક વિચારસરણી, સદ્ભાવ, પ્રેમની ઉત્કટ લાગણી-અનુભૂતિથી આવે છે. દરદીના ચિત્તમાં એકાએક ઉત્કટ 'ભાવ-પલટો'આવે છે અને તે વૈશ્વિક ઊર્જા કે ઇશ્વરીય શક્તિના સંપર્કમાં આવે છે. ત્યારે તેનામાં સ્પોન્ટેનિયસ હિલિંગ થઇ જાય છે. સ્પિરિચ્યુઅલ હિલર્સ-દૈવી ચિકિત્સકો આ દૈવી ઊર્જા કે શક્તિના સંચારથી જ ચમત્કારીક રોગ નિવારણ કરતાં હોય છે. ૧૯૮૯માં સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલમાં સંશોધન થયું. તેમાં ડો.ડેવિડ સ્પીગલે એવું જાણવા પ્રયત્ન કર્યો કે શું માનસિક પ્રક્રિયા હકારાત્મક લાગણીઓ કેન્સર જેવા રોગ પર અસર કરે છે? મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સરવાળી સ્ત્રીઓ પર આ પ્રયોગ થયો હતો. તે પોતે તો પહેલા એવું માનતા હતા કે આવું શક્ય જ નથી. પણ ડો.બર્ની સીગલે એમની માન્યતા ખોટી પાડી. એ પ્રયોગોને આધારે સાબિત થયું કે એ સ્ત્રીઓમાં ચૈતસિક પરિવર્તન લાવી એમને સામાજીક સહયોગ અને પ્રેમની અનુભૂતિ કરાવીને વૈકલ્પિક સારવાર આપી તો તે એવા જ કેન્સરવાળી જે સ્ત્રીઓ મરણ પામી એમના કરતાં ઘણા વર્ષો વધુ જીવી શકી હતી. આમ, વ્યક્તિની માનસિક ભૂમિકા તેના શારીરિક રોગના આકસ્મિક ઉપચાર માટે ખૂબ મહત્ત્વની બની રહે છે.
-Gujarat Samachar