20130401

સુદામાનો પેન્શન-કેસ


દ્વારકાધીશ શ્રીકૃષ્ણના સચિવાલયમાંથી એક નોટિફિકેશન બહાર પડ્યું. અધર્મનો નાશ કરી, ધર્મની પુનઃસ્થાપના કરવાના ભગવાન શ્રીકૃષ્ણના મહાભિયાનમાં જે કોઈ સંલગ્ન હતા તે સર્વ માટે દ્વારકા રાજ્યની સરકાર તરફથી માસિક પેન્શન-યોજના અમલમાં મૂકવામાં આવી હતી. સદરહું યોજનાનો લાભ લેવા ઈચ્છનારાઓએ પ્રમાણપત્રોની નકલ સાથે વેળાસર અરજી કરવાની હતી. આ વિગત દ્વારકાથી પ્રગટ થતાં તમામ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
શ્રીકૃષ્ણના બાળસખા સુદામાજીએ આ જાહેરખબર એમનાં પત્નીને વાંચી સંભળાવી. આ પૂર્વે સુદામાએ શ્રીકૃષ્ણ સાથેનાં બાળપણનાં સંસ્મરણો કહીકહીને પત્નીને ખૂબ બોર કરી હતી. પણ આ જાહેરખબરની વાત સાંભળતાં પત્નીની આંખો ચમકી ઊઠી. એણે કહ્યું, ‘નાથ ! આપણે કેટલાં બધાં દરિદ્ર છીએ ! બાળકો અન્ન વગર ટળવળે છે. તમે માસિક પેન્શન-યોજનામાં અરજી કરો.’ સુદામાજી અજાચકવ્રત પાળતા હતા. એટલે પ્રથમ તો એમણે આવી અરજી કરવાની ના પાડી. પણ ધાર્યું તો ધણિયાણીનું થાય એ ગૃહસ્થાશ્રમના ન્યાયે સુદામાજી અરજી કરવા સંમત થયા; પરંતુ શ્રીકૃષ્ણ સિવાય કોઈ અન્યને સંબોધીને પોતે અરજી નહિ કરે એવું એમણે પત્નીને મક્કમપણે કહી દીધું. સુદામાજીએ નીચે પ્રમાણે અરજી કરી :
પ્રતિ
શ્રી કૃષ્ણચંદ્ર મહારાજ,
દ્વારકા.
વિષય : માસિક પેન્શન બાબત….
હે બાળસખા,
આપણે સાંદીપનિઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા એ તમને યાદ હશે. તમે ભણવા કરતાં ગાયો ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને જંગલમાં રખડવામાં વધુ પ્રવૃત્ત રહેતા. તમારું લેસન લગભગ મારે જ કરવું પડતું. આપણે અન્નભિક્ષા માગી લાવીને સાથે જમતા. અમ્લપિત્તને કારણે હું ઝાઝું ખાઈ નહોતો શકતો એટલે મારા ભાગનું હું તમને ખાવા આપતો. ગુરુ માટે લાકડાં લેવા જતા ત્યારે તમારા સુકુમાર શરીરને ધ્યાનમાં રાખી હું તમને લાકડાં ફાડી આપતો. આ બધું મેં મિત્રભાવે ને તમારા માટેના પ્રેમને કારણે કરેલું એટલે અરજીમાં એ કંઈ લખવાનું ન હોય પણ આ બધી વાતો મેં તમારી ભાભીને અનેક વાર કરેલી એટલે એમના આગ્રહથી લખું છું. હું તો આ અરજી જ નહોતો કરવાનો, પણ મારી આર્થિક સ્થિતિ ઘણી વિકટ છે. બાળકો અન્ન વગર રુએ છે, એટલે તમારાં ભાભીએ આ અરજી કરવા દબાણ કર્યું છે. તમે મારાં ભાભીઓની વાત ટાળી નહિ શકતા હો એ જ રીતે હું તમારી ભાભીની વાત ટાળી શકયો નથી. એટલે આ અરજી પર ધ્યાન આપી મને માસિક પેન્શન બાંધી આપવાની ગોઠવણ કરશો, તો ઉપકૃત થઈશ. અમારાં બધાં ભાભીઓને અમારા બધાંના પ્રણામ.
લિ. સ્નેહાધીન
સુદામો.
જે અરજી કોઈ ચોક્કસ ખાતાના સચિવશ્રીને સંબોધીને કરવામાં આવી ન હોય અથવા જે અરજી શ્રીકૃષ્ણ મહારાજને સંબોધીને કરવામાં આવી હોય તેવી સઘળી અરજીઓ સૌ પ્રથમ ‘શ્રીકૃષ્ણ સચિવાલય’ના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં પહોંચાડવાનો નિયમ હતો. તદનુસાર ઉક્ત અરજી શ્રીકૃષ્ણના સચિવાલયના ‘સામાન્ય વહીવટ વિભાગ’માં આવી. આ ખાતામાં અરજી પર નીચે પ્રમાણે નોંધ કરવામાં આવી :
‘ઉક્ત અરજી ક્યા ખાતા હસ્તક આવી શકે તે બાબત વિચારણા કરવાની જરૂર જણાય છે. મજકુર અરજદારનાં બાળકો અન્ન વગર રુએ છે, એવું અરજીમાં લખ્યું છે એટલે મંજૂર રહે તો અરજી ‘પુરવઠા વિભાગ’ને મોકલીએ.’ પોતાના ટેબલ પર આવેલી અરજીઓ અન્ય વિભાગને મોકલવાની દરખાસ્ત દ્વાપર-યુગના અધિકારીઓ પણ તુરત મંજૂર કરી દેતા. એટલે ઉક્ત અરજી ઉક્ત વિભાગમાંથી ઉક્ત વિભાગમાં આવી. અલબત્ત, આ વિભાગીય પ્રવાસ કરવામાં અરજીને થોડા દિવસો લાગ્યા.
પોતાના વિભાગમાં આવેલી અરજીઓને તુરત સ્પર્શ કરવાનું દ્વાપર-યુગમાં પણ નિષિદ્ધ હતું એટલે થોડો કાળ અરજી એમ જ પડી રહી. ‘પુરવઠા વિભાગ’માં અરજીઓનો પુરવઠો વધ્યો એટલે ‘પુરવઠા વિભાગ’ના અધિકારીએ ઉક્ત અરજી ગ્રહણ કરી. પલમાત્રમાં અરજી પર દષ્ટિપાત કરી લીધા પછી અરજીમાંના ‘સાંદિપનિ આશ્રમ’, ‘લેસન’ વગેરે શબ્દો ધ્યાનમાં લઈ ઉક્ત અધિકારીએ ઉક્ત અરજી પર નોંધ કરી : ‘અરજદારને શિક્ષણને લગતી સમસ્યા હોવાનું જણાય છે. નિકાલ અર્થે, મંજૂર રહે તો, ‘શિક્ષણવિભાગ’ને મોકલીએ.’ ‘શિક્ષણવિભાગ’માં ઉક્ત અરજીના નિવાસને થોડા દિવસ થયા એટલે એ વિભાગના અધિકારીએ ‘સાંદીપનિ આશ્રમ’ વાંચી, બુનિયાદી આશ્રમશાળાઓનો હવાલો સંભાળતા કારકુનને ઉક્ત અરજી માર્ક કરી. ઉક્ત કારકુને ‘સાંદીપનિ’ આશ્રમ નામની કોઈ બુનિયાદી શાળા છે કે કેમ, અને આ શાળા ગ્રાન્ટમાન્ય છે કે કેમ તથા ઉક્ત શાળાને છેલ્લી ગ્રાન્ટ ક્યારે ચૂકવાયેલી વગેરે માહિતી માટે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ નીચે ચાલતા ‘બુનિયાદી શિક્ષણબોર્ડ’ને મોકલી. અરજીના હાંસિયાના લખાણને આધારે ‘સાંદિપનિ આશ્રમ’ નામની કોઈ ગ્રાન્ટમાન્ય બુનિયાદી શાળા છે કે કેમ તેની ચકાસણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવી કોઈ બુનિયાદી શાળા બોર્ડમાં રજિસ્ટર થયેલી નથી એવી નોંધ સાથે ઉક્ત અરજી ‘શિક્ષણવિભાગ’ને પરત મોકલવામાં આવી.
ઉક્ત અરજી પર પૂરતા શેરા થઈ ગયા છે એમ લાગતાં હવે ઉક્ત અરજી ક્યા વિભાગને મોકલવી યોગ્ય છે તે બાબતનો ‘શિક્ષણવિભાગ’માં શૈક્ષણિક દષ્ટિથી વિચાર કરવમાં આવ્યો. અરજી પર નખશિખ દષ્ટિ કરતાં (એટલે કે એક દષ્ટિ ઉપર, એક દષ્ટિ મધ્યે અને એક દષ્ટિ અંતે કરતાં) અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ શબ્દો પડ્યા એટલે અરજી જંગલખાતાને મોકલવાનું ઠરાવાયું. અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું અરજીમાં લખવામાં આવ્યું હતું એટલે ‘જંગલવિભાગ’માં અરજી પર આ પ્રમાણે નોંધ કરવામાં આવી : ‘અરજદાર જંગલમાં લાકડાં ફાડવા જતો એવું માલૂમ પડે છે. આ માટે એણે પરવાનગી લીધી હતી કે કેમ તે તપાસવું જરૂરી બને છે. દરમિયાન ‘કાયદાવિભાગ’નો અભિપ્રાય પણ મેળવીએ.’ સુદામાજીની અરજી કાયદાવિભાગમાં પહોંચી. કાયદાખાતાએ આ પ્રમાણેનો શેરો કરી ઉક્ત અરજી જંગલખાતાને પાછી મોકલી : ‘ગેરકાયદે જંગલ કાપવા અંગેના કાયદાઓ તદ્દન સ્પષ્ટ છે. આ કાયદાઓ અન્વયે યોગ્ય કાર્યવાહી કરવી.’
સુદામાની અરજી અંગે યોગ્ય કાર્યવાહી કરતાં પહેલાં ‘ગૃહવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું ‘જંગલવિભાગ’ને યોગ્ય લાગ્યું. ‘ગૃહવિભાગ’ના અધિકારીની નજરે ‘લાકડાં ફાડવાં’ ઉપરાંત ‘પેન્શન’ શબ્દ પણ પડ્યો એટલે આ વિભાગમાં આ પ્રમાણે નોંધ થઈ : ‘જંગલવિભાગ’ તરફથી લાકડાં ફાડવા માટે કાયમી ધોરણે મજૂરો રાખવામાં આવ્યા હોય તો એવા કોઈ મજૂરનો આ પેન્શન-કેસ હોઈ શકે. યોગ્ય કરવું.’ જંગલખાતા તરફથી આવા કોઈ મજૂરો કાયમી ધોરણે રાખવામાં આવતા નહોતા; તેમ છતાં દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા અમલમાં હતી કે કેમ તે નક્કી કરવા ‘સામાન્ય વહીવટ વિભાગ’ને આ કેસ પરત સોંપવાનું ‘જંગલવિભાગ’ને જરૂરી જણાયું. દૂરના ભૂતકાળમાં આવી કોઈ પ્રથા હોવાનું માલૂમ પડતું ન હોવાનો ‘સામાન્ય વહિવટ વિભાગ’નો સામાન્ય અભિપ્રાય થયો તેમ છતાં પેન્શન માટેની અરજી શ્રીકૃષ્ણચંદ્ર મહારાજ પર અંગત ધોરણે થઈ હોવાનું એક અધિકારીના ધ્યાનમાં આવતાં શ્રીકૃષ્ણચંદ્ર મહારાજની ‘ધર્મપુનઃસ્થાપન પેન્શન યોજના’ અન્વયે મજકુર અરજીકર્તાને પેન્શન આપી શકાય તેમ છે કે કેમ તે અંગે ‘નાણાવિભાગ’નો અભિપ્રાય મેળવવાનું યોગ્ય ગણાશે એવી ભલામણ સાથે ઉક્ત અરજી ‘નાણાવિભાગ’ને મોકલવામાં આવી. સુદામાજીની અરજી આ રીતે વિવિધ વિભાગોની વિચારણા હેઠળ હોઈ સમગ્ર કાર્યવાહીમાં ઘણો વિલંબ થયો. શ્રીકૃષ્ણ તરફથી કશો જવાબ ન મળવાને કારણે સુદામાની પત્નીએ શ્રીકૃષ્ણને મળવા રૂબરૂ જવાનું સુદામા પર દબાણ કર્યું એટલે સુદામાજી તાંદુલ લઈને રૂબરૂ ગયા. આ પછીની કથા તો જાણીતી છે.
નોંધ : સુદામાજી શ્રીકૃષ્ણને મળવા તાંદુલ લઈને ગયા પછી પોતાના કામ માટે સરકારી કચેરીમાં ‘તાંદુલ’ લઈને જવાની પ્રથા કળિયુગમાં અસ્તિત્વમાં આવી. કેટલાક સરકારી અધિકારીઓ પોતાની પાસે આવનાર સુદામાને ન ઓળખતા હોય એ બનવાજોગ છે, પણ ‘તાંદુલ’ને તો ઓળખતા જ હોય છે !

રતિલાલ બોરીસાગર