20130401

આ જગતમાં એક વ્હેતું સ્થળ મળે, જે મળે માણસ હવે ખળખળ મળે--Dr. Sharad Thakar


'મારું કહેવું એમ છે કે માનો કે કોઈ ગરીબ દરદી તમારે ત્યાં આવી ચડે, એનું ઓપરેશન કરવાનું થાય, અને ધારો કે એની પાસે એટલા રૂપિયા ન હોય, ત્યારે તમે શું કરશો?’

સાહેબ, હું ખુશ છું અને મારી વાઇફ પણ.’ ત્રીસેક વર્ષના સોહામણા પ્રતીકે કહ્યું. પ્રતીક શાહની વાઇફ વંદનાની પ્રસૂતિ પાંચ દિવસ પહેલાં જ મારા નર્સિંગ હોમમાં થઈ હતી અને હવે એ એની વાઇફને અને બાળકને ઘરે લઈ જવા આવ્યો હતો. એની ખુશી એના ચહેરા પર તો છેલ્લા પાંચ દિવસથી છલકાઈ જ રહી હતી, પણ અત્યારે એની વાણીમાં પણ રણકી રહી હતી. એ ધીમે રહીને મુદ્દાની વાત ઉપર આવ્યો, 'બિલ બનાવ્યું, સર?’

હું હસ્યો, 'બનાવવાનું શું વળી? પાંચ હજાર રૂપિયા થાય છે.’

'બસ? સિઝેરિયન ઓપરેશનના ફક્ત પાંચ હજાર જ?’ એની ખુશી વિલાઈ ગઈ અને એની જગ્યાએ આશ્ચર્ય અને આઘાત આવીને ગોઠવાઈ ગયાં.
'હા, હું ઓપરેશનના સામાન્ય સંજોગોમાં આટલા જ રૂપિયા લઉં છું. તારી પત્નીનું ઓપરેશન પણ સામાન્ય જ હતું. મેજર ખરું પણ કોઈ પણ જાતનાં કો‌મ્પ્લિકેશન વગરનું.’
'પણ સર, હું બિલ્ડર છું. મને ગમે તેટલી ફી પોસાય તેમ છે. તમે વધારે રકમ લઈ શકો છો.’ પ્રતીકે આગ્રહ કર્યો.

મેં ગંભીરતાપૂર્વક આ એક જ વાક્યમાં વાત સમેટી લીધી, 'મારી ફીને તમારી આર્થિ‌ક સધ્ધરતા સાથે કોઈ જ સંબંધ ન હોઈ શકે. બીજી વાત કરો.’ આ ઘટના ઈ.સ. ૨૦૦૦ના વર્ષની છે. વર્ષ મને બરાબર યાદ રહી ગયું છે એની પાછળના કારણની ખબર આગળ જતાં આવી જશે. પ્રતીકના પ્રેમભર્યા આગ્રહ છતાં મેં વધારે ફી લેવાની ના પાડી દીધી, ત્યારે એણે બીજી ઓફર રજૂ કરી, 'આ રહ્યું મારું વિઝિટિંગ કાર્ડ. ભવિષ્યમાં ક્યારેય આર્થિ‌ક મદદની જરૂર પડે તો મને ફોન કરી શકો છો.’

'મને એવી જરૂર ક્યારે પડવાની, ભાઈ? હું જે કમાઉં છું એનાથી સુખી છું. વળી મને એવું એક પણ વ્યસન કે ખોટી આદત નથી જે માટે મારે બેફામ ખર્ચાઓ કરવા પડે.’
'હું એવું કહેવા નથી માગતો, સર મારું કહેવું એમ છે કે ભલે તમે પૈસાદાર દરદીઓ પાસેથી વધારે રૂપિયા ખંખેરી ન લેતા હો, પણ માનો કે કોઈ ગરીબ દરદી તમારે ત્યાં આવી ચડે, એનું ઓપરેશન કરવાનું થાય, ધારો કે એની પાસે એટલા રૂપિયા ન હોય, ત્યારે તમે શું કરશો? જેની પાસે પાંચ રૂપિયા પણ ન હોય, એની પાસેથીય પાંચ હજાર પૂરા લેશો?’
પ્રતીકની દલીલમાં તર્ક સમાયેલો હતો. મારો ડાયલોગ આ જગ્યાએ બંધ બેસતો ન હતો. ગરીબ દરદીને એવું કેવી રીતે કહેવાય, 'મારી ફીને તારી આર્થિ‌ક સ્થિતિ સાથે કશી જ લેવાદેવા ન હોઈ શકે.’

મને ગૂંચવાયેલો જોઈને પ્રતીકે આગળ વધાર્યું, 'એવું હોય ત્યારે મને ફોન કરજો. એક લાખ રૂપિયા સુધીની મદદ માટે તમારે કારણ જણાવવાની પણ જરૂર નથી.’
એ ગયો. સાથે વંદના પણ ગઈ. બે જણ આવ્યા હતા, ત્રણ બનીને પાછા ગયા. હું થોડી વાર લગી કાર્ડને હાથમાં રમાડતો બેસી રહ્યો. પછી આયા બહેને કહ્યું, 'પેશન્ટ છે. મોકલું અંદર?’ અને હું પ્રતીકને ભૂલી ગયો.

આ ઘટનાને લગભગ બાર-પંદર મહિ‌ના થઈ ગયા હશે. મારે તો ક્યારેય કોઈ ગરીબ દરદી માટે આર્થિ‌ક સહાયની જરૂર ઊભી ન થઈ; થોડી ઘણી છૂટછાટ મૂકવાની હોય તો હું જ મૂકી દઉં. જો દરદી તદ્દન ગરીબ હોય, દવાના કે એનેસ્થેસિયાના પૈસા પણ ન હોય તો હું એને આસપાસની કોઈ સાર્વજનિક હોસ્પિટલમાં 'રિફર’ કરી દઉં, પણ એક દિવસ અચાનક એવી ઘટના બની ગઈ કે મને પ્રતીકની વાત યાદ આવી ગઈ.

એક જાણીતી સેવાભાવી સંસ્થામાંથી ફોન આવ્યો. એના સ્થાપક - સંચાલક વાત કરી રહ્યા હતા, 'મંદબુદ્ધિની બાળકીઓ માટે આપણે એક અલાયદો વિભાગ ઊભો કરી રહ્યા છીએ. મોટા ભાગનું ભંડોળ ઊભું થઈ ગયું છે, પણ હજુ વીસેક હજાર રૂપિયા ખૂટે છે. કંઈ કરી શકો?’

'જરૂર.’ મેં હૈયાધારણ આપી દીધી, 'મને થોડોક સમય આપો.’ ફોન મૂકીને તરત જ હું વિચારવા લાગ્યો. મારી પાસે સેવાભાવી દાતાઓની એક સૂચિ હોય છે. ક્યાંક ડાયરીમાં લખેલી નહીં, પણ મારા દિમાગમાં સંગ્રહાયેલી. એમાં કોલેજમાં ભણતાં છોકરાઓ-છોકરીઓ પણ હોય, જે ક્યારેક મને કહી ગયાં હોય - 'ગરીબ વિદ્યાર્થીની ફી માટે કે કોઈની દવાઓ માટે બસો-પાંચસોની જરૂર હોય તો અમને યાદ કરજો. અમે હાલમાં જોબ નથી કરતા, ભણીએ છીએ, એટલે પોકેટ મની જેટલું અમારું બજેટ છે.’ તો આ યાદીમાં કેટલાક એવા ઉદ્યોગપતિઓનાં નામો પણ સામેલ છે, જેઓ પાસે આપવા માટે મસમોટી રકમો હોય છે. બે લાખ, પાંચ લાખ, દસ લાખ

અહીં તો આ બંનેની વચ્ચેનો આંકડો હતો. વીસ હજાર રૂપિયા. વિદ્યાર્થીઓ માટે આ રકમ વધુ પડતી હતી, ઉદ્યોગપતિઓ માટે ખૂબ નાની. હું એટલું તો જાણતો હતો કે અડધો કિલોમીટર દૂર જવું હોય તો રિક્ષા ભાડે કરી લેવાય, એના માટે વિમાન પકડવા ન જવાય. વીસ હજાર રૂપિયા માટેની રિક્ષા ક્યાં હતી? રિક્ષા... રિક્ષા... રિક્ષા...

'પ્રતીક શાહ’ અચાનક દિમાગમાં ઝબકારો થયો, 'યસ, એણે મને એનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું હતું. ક્યાં મૂક્યું હશે મેં?’ હું ઘાંઘો થઈ ગયો. કોઈ પણ વસ્તુ (ખાસ કરીને નામ, સરનામાં, ફોન નંબર્સ કે આવાં કાર્ડ્ઝ) સાચવવાની બાબતમાં હું સાવ જ અણઘડ છું. કોઈએ આપેલું વિઝિટિંગ કાર્ડ હું ક્યારેય ફેંકી દેતો નથી, પણ પછીએ ક્યાંક એવું ડાબા હાથે મુકાઈ જાય છે કે જિંદગીમાં જડતું પણ નથી.

મેં ખાંખાંખોળા આદરી દીધા. લગભગ દોઢ કલાકની મહેનત પછી મારે જોઈતું હતું તે કાર્ડ આખરે જડી ગયું ખરું. મેં વાંચ્યું. અંદર પ્રતીક શાહ એટલું જ લખેલું હતું. એની કન્સ્ટ્રક્શન કંપનીનો સિમ્બોલ ચીતરેલો હતો નીચે માત્ર મોબાઇલ નંબર છાપેલો હતો.

મેં નંબર લગાડયો. થોડી વારે કોલ રિસીવ થયો. સામે છેડે કોઈ સ્ત્રીનો સ્વર સંભળાયો, 'હેલ્લો...’ હું ફોન પર કોઈનોય અવાજ પારખી શકતો નથી, તેમ છતાં કલ્પનાના જોરે મેં વિચાર્યું કે એ અવાજ વંદનાનો હશે.

એ વંદના જ હતી. મારું નામ સાંભળીને બોલી પડી, 'અરે, સાહેબ તમે? તમારે ફોન કરવો પડયો? આજ્ઞા ફરમાવો’

'આજ્ઞા નહીં, વિનંતી કરવાની છે. પ્રતીકને આપ.’ મેં કહ્યું.

'એ તો નથી. બહાર ગામ ગયા છે, પણ મને જણાવો ને’ વંદનાના આગ્રહ આગળ હું ઝૂકી ગયો. મેં શક્ય એટલાં ઓછાં વાક્યોમાં શક્ય એટલી વધારે માહિ‌તી આપી દીધી. એણે શાંતિથી બધું સાંભળી લીધું, પછી એક જ સવાલ પૂછ્યો, 'સંસ્થા માટે કેટલા રૂપિયાની જરૂર છે?’

'વીસ હજારની.’ મેં કહ્યું, 'પણ આ રકમ લેવા માટેની છે, તમારે દેવા માટેની નહીં. તમે પાંચ, દસ કે પંદર હજાર પણ આપી શકો છો.’

'એવું ન બોલશો, સર પ્રતીકે તમને કહ્યું હતું ને કે અમારું બજેટ એક લાખ રૂપિયા સુધીનું છે એ વખતે હું પણ ત્યાં હાજર હતી. પૂરા વીસ હજાર મોકલાવું છું. ના ન પાડશો, પ્લીઝ’

'હા, પણ વંદના, આ રકમ તું અત્યારે અને આજે જ ન મોકલાવીશ. પ્રતીક બહારગામ ગયો હોય તો એને પાછો આવી જવા દે. પછી વાત.’

વંદના હસી પડી. ફોન પરની વાતચીત દરમિયાન એ પહેલી વાર હસી રહી હતી. બાકી અત્યાર સુધીની વાતો અમારી વચ્ચે ગંભીરતાપૂર્વક ચાલી રહી હતી. એ હસીને મને જણાવી રહી હતી, 'વીસ હજાર રૂપરડી જેવી વાત માટે મારે એની રાહ જોવાની? એની કમાણીમાં મારો એટલોયે ભાગ નહીં? અધિકાર નહીં? અને એવું હોય તો હું ફોન પર એની સાથે ક્યાં વાત નથી કરી શકતી તમે પ્રતીકની ચિંતા છોડો, એને કહ્યા વગર હું લાખ રૂપિયા ખર્ચી‍ નાખું તો પણ એ એક શબ્દ નહીં ઉચ્ચારે. મને મારા વર પર વિશ્વાસ છે.’

એ સાંજે જ એક સત્તર-અઢાર વર્ષનો છોકરો આવીને મારા હાથમાં વીસ હજાર રૂપિયાનું પડીકું મૂકી ગયો. સાથે એક કાગળ પર પ્રતીકના ઘરનું પાકું સરનામું લખેલું હતું. મારા સખત આગ્રહને માન આપીને વંદનાએ એનું એડ્રેસ લખી મોકલ્યું હતું. મારો આગ્રહ એટલા માટે હતો કે આ સરનામા પર હું સંસ્થા દ્વારા રૂપિયા મળ્યા એની પાકી રસીદ મોકલાવી શકું.

એ બધી ઔપચારિકતા પણ પતી ગઈ. હું મારા કામમાં વ્યસ્ત બની ગયો. લગભગ એ આખીય ઘટનાને ભૂલી ગયો. અચાનક બે-એક મહિ‌ના પછી મારે નદીપારના વિસ્તારમાં જવાનું થયું. એક ચોક્કસ જગ્યાએ મારી ડાબી બાજુના બહુમાળી એપાર્ટમેન્ટ પર નામ વાંચ્યું. નીલાકાશ એપાર્ટમેન્ટ. હું બબડયો. 'અરે આ તો ક્યાંક સાંભળ્યું હોય તેવું નામ લાગે છે. યસ, યાદ આવ્યું, અહીં જ તો પેલાં પ્રતીક-વંદના રહે છે. ચાલ, જરાક એમને મળી લઉં.’ આમ તો ફોન કર્યા વિના હું ક્યારેય કોઈના ઘરે જતો નથી, પણ એ દિવસે ગયો. ગ્રાઉન્ડ ફ્લોર પર જ પ્રતીકનો ફ્લેટ હતો. મેં ડોરબેલ વગાડી. બારણું ઊઘડયું.

મારી સામે નિસ્તેજ, ફિક્કી, કૃશકાય એવી વંદના ઊભી હતી. અંદરની હાલત પણ વંદના જેવી જ હતી. 'પ્રતીક છે ઘરમાં?’ મેં પૂછયું. એ છોભીલી પડી ગઈ, જાણે મેં એની ચોરી ન પકડી પાડી હોય

'સોરી, સર પ્રતીક તો ચાર મહિ‌નાથી જેલમાં છે. છવ્વીસમી જાન્યુઆરીએ જે ધરતીકંપ આવ્યો એણે અમને બરબાદ કરી દીધા. પ્રતીકની પોતાની ચાર સ્કીમો ચાલતી રહી એ તો બચી ગઈ, પણ એક સ્કીમમાં એણે એના મિત્રને માત્ર પોતાનું નામ જ વાપરવા દીધું હતું. પેલાએ સિમેન્ટમાં કરકસર કરી. ફ્લેટ પડી ગયો. મિત્ર બચી ગયો. પ્રતીક જેલભેગો થઈ ગયો. વકીલોના ધરખમ ખર્ચામાં અમે સાવ ખાલી થઈ ગયા. પ્રતીકે પાંચ વર્ષમાં જેટલું બચાવ્યું હતું તે બધું સાફ...’ વંદના રડી પડી. હું અવાક હતો. મારાથી માંડ આટલું પૂછી શકાયું, 'છેલ્લા ચાર મહિ‌નાથી પ્રતીક જેલમાં છે? તો પછી બે મહિ‌ના પહેલાં તમે મને વીસ હજાર...?’ વંદનાએ કહ્યું, 'મારું મંગળસૂત્ર વેચીને, સર એવું ન પૂછશો કે શા માટે? એવું એટલા માટે કર્યું કે આપને રૂપિયા આપવાનું મારા પતિએ વચન આપ્યું હતું. 'ઘણા સમય પછી પ્રતીક નિર્દોષ છૂટી ગયો. એણે કહ્યું ત્યારે જાણવા મળ્યું, 'આ અમારાં પ્રેમલગ્ન નથી, પણ લગ્ન પછીનો પ્રેમ છે’