‘નથી જોતી તમારી નોકરી...!’ કોઈ પાગલ માણસ બૂમ-બરાડા પાડે તેમ નટવર બોલ્યો : ‘હવે નથી જોતાં એકેય પ્રમાણપત્ર...! નટવરે હારી-કંટાળી આવું અંતિમ પગલું ભર્યું.
વાવંટોળની જેમ નટવર ઓફિસની બહાર નીકળ્યો. ત્યાં બીજા ઉમેદવારો તેને ઘેરી વળ્યા અને પૂછવા લાગ્યાં: ‘કાં કેવું રહ્યું, શું પૂછ્યું!?’ પણ કોઈને કશું કહ્યા કે ગણકાર્યા વગર નટવરે પોતાના હાથમાં હતી તે ફાઈલ હવામાં ઉછાળી. તે ક્ષણે એક ચહેરો આંખો સામે ઊગી નીકળ્યો. તેને ઉદ્દેશી મનોમન બોલ્યો : ‘તને કહ્યું’તું ને, આ મારો છેલ્લો પ્રયત્ન હશે!’ પછી ઊંચા અવાજે બોલ્યો : ‘એ... આવું રહ્યું ઈન્ટરવ્યૂ!’
ફાઈલમાં હતા તે તમામ કાગળો હવામાં પતંગના માફક ઊડવા લાગ્યા. એક બે યુવાનોએ કાગળને હાથ કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં નટવરે તેના હાથમાંથી ઝૂંટવી લઈ ક્રૂરતાપૂર્વક ફાડી, લીરેલીરાં કરી ફરી અધ્ધર ઉછાળ્યા. નટવરે અસલ પ્રમાણપત્રોને આમ ફાડી નાખ્યા. નજીવા સમયમાં ઘટેલી ઘટનાને અન્ય ઉમેદવારો વિચિત્ર નજરે જોતા રહ્યા. પણ નટવર તો પળાર્ધ માટે બહાદુરી કરી હોય એમ ઊભો રહ્યો.
‘નથી જોતી તમારી નોકરી...!’ કોઈ પાગલ માણસ બૂમ-બરાડા પાડે તેમ નટવર બોલ્યો : ‘હવે નથી જોતાં એકેય પ્રમાણપત્ર...! નટવર નોકરી માટેનું ઈન્ટરવ્યૂ આપવા અહીં આવ્યો છે પણ હારી-કંટાળી તેણે આવું અંતિમ પગલું ભર્યું છે. છેલ્લાં પાંચેક વર્ષમાં તેણે આવાં અનેક ઈન્ટરવ્યૂ આપ્યા છે. પણ સિલેકટ થયો નથી. બધાં જ સર્ટિફિકેટ નિરર્થક લાગ્યાં અને ફાડી નાખ્યાં. યુવાનો જે કંઈ કરે છે તે સામા છેડાનું અથવા તો અંતિમકક્ષાનું હોય છે. પરિણામની પરવા કર્યા વગર ઉતાવિળયું કે વગર વિચાર્યું પગલું ભરી લે છે. પ્રેમ કરે તો પણ જીવ દઈ દે અને નફરત કરે તો જીવ લઈ લે! આ પાર અથવા પેલે પાર. મિડલમાં તેને મઝા આવતી નથી. આ યુવાનીની પ્રકૃતિ છે, લક્ષણ છે.
એરિસ્ટોટલે કહ્યું છે, યુવાનો બધી બાબતો વધારે તીવ્રતાથી કરવામાં જ ભૂલ કરે છે. તેની પ્રત્યેક ક્રિયામાં અતિરેક હોય છે. અહીં નટવરે આમ જ કર્યું. જે સર્ટિફિકેટ માટે જાત ઘસી નાખી હતી, જિંદગીનાં અમૂલ્ય વર્ષો વેડફી નાખ્યાં હતાં તેને બે-ચાર મિનિટમાં ફાડીને ફેંકી દીધાં. આવું કર્યું તે સારું કે ખરાબ એમ કહેવાનો કશો ઉદ્દેશ્ય નથી. પણ આવેગનું પરિણામ સારું હોતું નથી. માણસને તે પારાવાર પસ્તાવો જ આપે છે.
નટવર એગ્રીકલ્ચરમાં ગ્રેજ્યુએટ છે. તે સારું ભણ્યો છ ે એમ કહેવા કરતાં તેની પાસે સારા પ્રમાણમાં વિવિધ પ્રકારનાં સર્ટિફિકેટો છે. પણ કોઈ એક જ કૌશલને ડેવલપ કરનાર કે એક જ વિષયમાં માસ્ટરી પ્રસ્તુત કરતાં હોય એવું નથી. પોતાને જે આવડત હસ્તગત છે તેને સમજયા કે લક્ષમાં લીધા વગર કોઈપણ રીતે જ્યાંથી જે સર્ટિફિકેટ મળ્યાં તે મેળવી લીધાં છે, પરિણામે ખીચડી થઈ ગઈ અને આ ખીચડી પકવવા ચારેબાજુ ફાંફાં મારે છે. મેળ પડતો નથી તેથી નટવરને એમ જ થયા કરે છે કે, મારી પાસે કેટલી લાયકાત, કેટલાં પ્રમાણપત્રો છતાંય નોકરી મળતી નથી. નોકરી કરતાં જથ્થાબંધ સર્ટિફિકેટની ચિંતા વધી ગઈ હતી. મેળવેલી લાયકાતને ખરેખર કેટલા લાયક હોય છે તે વ્યક્તિએ વિચારવા જેવું છે. ડિગ્રી મેળવી શકાય છે, લાયકાત અને આવડત કેળવી શકાય છે. જ્યાં આવડત, લાયકાત અને મેળવેલી ડિગ્રીનો સમન્વય થયો છે ત્યાં સારાં અને સવાયા પરિણામો આવ્યાં છે. સ્કિલબેસ નોલેજનો યુગ છે. લાયકાત કે તેનાથી પ્રાપ્ત થતાં પ્રમાણપત્રોની સાથે આવડત કેળવવી અનિવાર્ય છે અને બધી જ ડિગ્રી કોઈની નોકરી કે ગુલામગીરી માટે હોતી નથી સ્વતંત્ર કે પરંપરાગત વ્યવસાય માટે પણ હોય છે.
કોઈ મહાન કાર્ય કરી નાખ્યું હોય તેમ નટવર સૌની વચ્ચે ઊભો રહ્યો. અન્ય ઉમેદવારો મોં વકાસીને જોઈ રહ્યા છે, તેનો ખ્યાલ આવતા નટવરને ચાનક ચઢયું. તે જોરદાર અવાજે હસવા લાગ્યો. ઘણાએ પાછા ફરી, લમણે આંગળી રાખી ચસકી ગયેલ કે પાગલ હોય તેમ સમજી લીધું. આમ તો યુવાની પાગલપણાનો પર્યાય છે. પાગલ થયાં છે તેણે જગતમાં કશું કરી બતાવ્યું છે હા, પાગલ હોવાનો અર્થ અહીં જરા જુદો છે. પણ નટવરે એક પ્રકારની હીરોગીરી બતાવી છે. યુવાનોને આમ હીરો થવું ગમતું હોય છે.
નટવરને ભાન થયું કે પોતે ન કરવાનું કરી નાખ્યું છે. છતાંય પોતે ખોટું કર્યું છે તેવો સહેજપણ કોઈને અણસાર ન આવે તેમ તેણે સ્થળ છોડી દીધું. છેલ્લાં પાંચેક વર્ષમાં નોકરી ન મળવાના લીધે પરિવાર અને પ્રિયપાત્રની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. તેને પોતાની જિંદગી કરતાં પોતાના પર મીટ માંડીને બેઠેલાં સ્વજનોની વધારે ચિંતા થાય છે. પોતે ઓસરીમાં પગ મૂકશે એટલે તરત જ પૂછશે, ‘શું થયું નોકરીનું?’ તે રસ્તા વચ્ચે ઊભો રહ્યો. વળી થયું કે આજ સુધી જેમ કહેતો આવ્યો એમ જ કહેશે. પણ પેલી આંખો પાંપણોમાં આશાના દીવડા પ્રગટાવીને બેઠી છે તેને શું કહીશ!? નટવર દ્વિધાભરી સ્થિતિમાં એમ જ ચાલવા લાગ્યો. બીજી રીતે એમ પણ થયું કે આજે પોતે તદ્દન હળવોફૂલ છે. હવે પોતાની પાસે કોઈ જ પ્રમામપત્રોનો ભાર કે વળગણ રહ્યું નથી. સ્કિલ અને વીલપાવર વગરની ડિગ્રી વાંઝણી હોય છે. આ ટેકનોસ્કિલનો યુગ છે. તેમાં પુસ્તકનું પોપિટયું જ્ઞાન કે માત્ર કાગળ પરની જ લાયકાત કામયાબ નીવડે તેમ નથી. પારંગતતા કેળવવી પડશે. ક્રિયામાંથી સ્કિલ-કૌશલ્ય ઉત્પન્ન કરે તે કેળવણી છે.
નટવર પોતાના ગામ પહોંચ્યો ત્યારે સાંજ પડવા આવી હતી. સૂરજ આથમી ગયો હતો. આકાશ સોનેરી લીંપણથી લીંપાઈ ગયું હતું. પંખીડાઓ માળામાં પાછાં ફરી રહ્યાં હતાં. સીમ માતાની જેમ હેતાળવો પાલવ પાથરીને પોઢવાની તૈયારી કરી રહી હતી. નટવર નવલી નજરે પ્રકૃતિની લીલાને નિહાળવા લાગ્યો. દૂરથી પોતાના ખેતરનો એક નાનકડો ટુકડો નજરે ચઢ્યો. કરોડોની કિંમત અંકાઈ રહી છે જમીનની પણ વેચી નથી. નટવરને સારું લાગી રહ્યું છે. દિલમાં ટાઢક વળવા લાગી છે. ઈન્ટરવ્યૂ પછી કરેલા કૃત્યનો સંતાપ કે ઉચાટ ઓછો થવા લાગ્યો છે. તેની જાણે દ્રષ્ટિ અને સૃષ્ટિ જ બદલાઈ ગઈ!
ઓસરી પર પગ મૂકતા જ ચાર આંખો તન-મનને સોયા માફક વીંધવા લાગી. નટવર સમસમી ગયો. પણ પછી પાણી પી ગળું ખંખેરીને બોલ્યો : ‘મેં નોકરી કરવાનું માંડી વાળ્યું છે.’ ક્ષણભર સોપો પડી ગયો. ‘તમારી સાથે જ રહીને, ખેતી કરવાનો વિચાર કર્યો છે...’ ઘડીભર કોઈને વાત ગળે ઉતરી નહીં પણ પછી હૈયાના અદકા હેતથી વાતને વધાવી લીધી. આધુનિક ખેતીનો સોનેરી સમય છે.
એક પખવાડિયા પછી નોકરીનો ઓર્ડર આવ્યો. તેમાં લખ્યું હતું, હાજર થતાં પહેલાં અસલ સર્ટિફિકેટ બતાવવાનાં રહેશે. નટવર ઓર્ડર ક્યાંય સુધી વાંચતો રહ્યો... પછી ફાડી નાખવા તૈયાર થયો પણ તેના હાથ અટકી ગયા. તે મનની મિરાતને ઉદ્દેશીને મનોમન બોલ્યો: ‘જો હું નોકરીને લાયક છું, તે સાબિત થયું પણ હવે તારા માટે લાયક છું કે નહીં તે તારે નક્કી કરવાનું છે?’
‘હા, હું હવે નોકરી નથી કરવાનો તે વાત જુદી છે.’