ઘણાં વખતથી મારે રાજયોગવીશે લખવું હતું, પરંતુ યોગ્ય સમયની રાહ જોતો હતો. અને ગઈકાલે જ સુરેશદાદાની એ વીશેની પૃચ્છાએ આ લેખ લખવા મને ઇંધણ પુરું પાડ્યું.
ઋષી પતંજલીએ આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ‘યોગસુત્ર‘ લખ્યાં છે, જેમાં રાજયોગનાં સીધ્ધાંતો પ્રતીપાદીત કરવામાં આવ્યાં છે. શ્વેતાશ્વતર ઉપનીષદમાં પણ સમાધી, કૈવલ્યપદવગેરેની સુક્ષ્મ સમજુતી આપવામાં આવી છે. સ્વામી વીવેકાનંદે એમનાં ‘રાજયોગ’ પુસ્તકમાં દરેક સીધ્ધાંતોની વીસ્તૃત ચર્ચા કરી છે. અહીં હું એમના પુસ્તકનો આધાર લઈને સરળ રાજયોગની પધ્ધતી જણાવું છું. સાથે, મારા પોતાના અનુભવો પણ વર્ણવીશ.
રાજયોગ દ્વૈતઅથવા અદ્વૈત બન્નેનાં અંતીમ ધ્યેયને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાંનો એક છે. ભક્તી, સંન્યાસ, કર્મ વગેરે અનેક જુદાં જુદાં રસ્તાઓ અંતે તો એક જ બની જાય છે. શરુઆતમાં દરેક રસ્તા અલગ અલગ જણાય છે, પરંતુ એકનું ચુસ્ત પાલન આપોઆપ અંતે તો એક જ સામાન્ય માર્ગે દોરી જાય છે.
રાજયોગનાં આઠ પગથીયાં (8 steps of Rajyog):
1. યમ:
જેમાં સત્ય - હકીકત જેવી છે તેવી જણાવવી, અહીંસા- કોઇ પણ પદાર્થ/જીવને હાની ના પહોંચાડવી, અસ્તેય - કોઇની વસ્તુ પડાવી ના લેવી, અપરીગ્રહ - ગમે તે સંજોગોમાં કોઇની પાસેથી દાન ના લેવું, બ્રહ્મચર્ય - ઇંદ્રીયોનો સંયમ (દમન નહીં) જેવાં પાંચ કર્મ આધારીત પદ છે. દરેક પદ વીશે ઘણું લખી શકાય તેમ છે, પરંતું અંતે તો એ જે તે પાલનકર્તાની વીવેકબુધ્ધી અને સામાજીક નીયમો પર આધારીત છે. અહીંસામાં દ્રઢ થવાથી વૈરભાવ નીકળી જાય છે. સત્યમાં પ્રતીષ્ઠીત થવાથી કર્મો કર્યા વીના કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. અસ્તેયમાં દ્રઢ થવાથી સર્વ રત્નો પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્યમાં સ્થીર થવાથી શક્તી મળે છે. અપરીગ્રહમાં દ્રઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતી થાય છે.
2. નીયમ:
જેમાં તપ - શારીરીક કષ્ટ સહન કરવાં, સ્વાધ્યાય- સતત શાબ્દીક/અર્ધશાબ્દીક/માનસીક જપ, શૌચ- બાહ્ય (શારીરીક) અને આંતરીક (માનસીક) શુધ્ધી, સંતોષ - હકીકત જેવી છે તેવી સ્વીકારવી, ઇશ્વર પ્રણીધાન - ભજન, કીર્તન, પ્રાર્થના, પુજા, અર્ચના; એમ પાંચ પદ છે. ફરીથી, આ દરેક પાલનકર્તાની વીવેકબુધ્ધી, સામાજીક નીયમો અને દેશ-કાળ પર આધાર રાખે છે. તપ વડે શરીર અને ઈંદ્રીયોની સીધ્ધીઓ આવે છે. શૌચથી ચીત્તની શુધ્ધી, પ્રસન્નતા, એકાગ્રતા, ઈન્દ્રીયજય અને આત્મદર્શનની યોગ્યતા આવે છે. સંતોષથી સર્વોત્તમ સુખ પ્રાપ્ત થાય છે. સ્વાધ્યાય વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર થાય છે. ઈશ્વર પ્રણીધાનથી સમાધી પ્રાપ્ત થાય છે.
3. આસન:
ગરદન, માથું, કરોડ ટટ્ટાર રાખીને એક સ્થીતીમાં લાંબા સમય સુધી બેસવું. દરેકને પોતાની પ્રકૃતી પ્રમાણે પદ્માસન, સુખાસન, સીધ્ધાસન, મુળબંધનાસન, વજ્રાસન વગેરે આસનોમાંથી એક અનુકુળ આવી શકે છે. આસનથી દ્વંદ્વોની અસર નાબુદ થાય છે.
4. પ્રાણાયામ:
આપણે ત્રણ નાડીઓ દ્વારા શ્વાસ લઇએ છીએ: ઇડા (સુર્ય, ડાબી), પીંગળા (ચંદ્ર, જમણી), સુશુમ્ણા (મધ્ય). વારાફરતી દરેક નાડી દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રીયા ચાલતી રહે છે. શ્વાસ અંદર લેવાની પ્રક્રીયાને પુરક કહે છે. શ્વાસ શરીરની બહાર કાઢવાની પ્રક્રીયાને રેચક કહે છે. શ્વાસને શરીરની અંદર રોકવાની પ્રક્રીયાને આંતરીક કુંભક કહે છે, અને શ્વાસને શરીરની બહાર રોકવાની પ્રક્રીયાને બાહ્ય કુંભક કહે છે. પ્રાણાયામ જો માનસીક મંત્રજાપ સાથે કરવામાં આવે તો તેને ‘સગર્ભ’ પ્રાણાયામ કહે છે, મંત્રજાપ વગરનાં પ્રાણાયામને ‘અગર્ભ’ પ્રાણાયામ કહે છે. પ્રાણાયામ કરતાં પહેલાં નાડીશુધ્ધી કરવી જરુરી છે. અને ‘સગર્ભ’ પ્રાણાયામ કફ વગેરે દુર કરવામાં સહાયભુત થાય છે. પ્રાણાયામથી મન ધારણા માટે યોગ્ય બને છે.
5. પ્રત્યાહાર:
ઇંદ્રીયોનો પોતાના વીષયોનો ત્યાગ અને તેમને મનની અંદર વાળવાની ક્રીયા. ધ્યાનની સાધનામાં પ્રથમ પગથીયું છે. તેનાથી ઈન્દ્રીયો પર કાબુ આવે છે.
6. ધારણા:
12 સેકંડ સુધી કોઇ એક લક્ષ્ય પર મન એકાગ્ર થાય તો તેને ધારણા કહે છે.
7. ધ્યાન:
3 મીનીટ સુધીની મનની એકાગ્રતા એટલે ધ્યાન.
8. સમાધી:
30 મીનીટ સુધીની મનની એકાગ્રતા સમાધી છે. સમાધીના ઘણાં બધાં પ્રકાર છે.
ચુંટેલા વાક્યો: —————————————
- ધર્મ પ્રાચીન કાળના અનુભવો પર રચાયેલો છે એટલું જ નહીં, પણ જ્યાં સુધી એ અનુભવોને પોતે પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી કોઈ પણ માણસ ધાર્મીક થઈ શકે નહીં.
- યોગ્ય પૃથક્કરણ વીના કોઈ પણ વીજ્ઞાન નકામું નીવડવાનું - એ માત્ર સીધ્ધાંતનીરુપણ જ રહેવાનું.
- સઘળાં દુ:ખનું મુળ છે ભય, અતૃપ્ત વાસના.
- રાજયોગના સઘળા ઉપદેશોનું ધ્યેય એ છે કે મનને કેવી રીતે એકાગ્ર કરવું, ત્યાર પછી આપણા પોતાના મનનાં ઊંડામાં ઊંડા રહસ્યોને કેવી રીતે શોધી કાઢવાં, ત્યાર પછી તે બધા વીષયો પરથી સામાન્ય નીયમો કેવી રીતે તારવવા; અને તેમના પરથી આપણા પોતાના નીર્ણયો કેવી રીતે બાંધવા.
- ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ કરો, તેની સાથે કશો સંબંધ ન રાખો. રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. યોગવીદ્યા કે જે એક ભવ્ય વીજ્ઞાન છે, તેનો રહસ્યમયતાએ લગભગ નાશ કરી નાંખ્યો છે.
- બધી સાધનાઓનો હેતુ, અંતીમ ધ્યેય તો આત્માની મુક્તી છે. પ્રકૃતી પર સંપુર્ણ કાબુ, અને એથી ઓછું જરાય નહીં, એ ધ્યેય હોવું જોઈએ.
- મધ્યમ વર્ગના મનુષ્યોમાંથી જ દુનીયાના મહાન પુરુષો આવે છે.
- જ્યારે યોગી પુર્ણ બને છે ત્યારે કુદરતમાં એવું કંઈ જ નથી રહેતું કે જે તેના કાબુ નીચે ન આવે.
- પ્રાણાયામ એટલે શ્વાસ લેવાની ક્રીયા નહીં, પણ ફેફસાંને ચલાવનારી માંસપેશીની શક્તી પર કાબુ મેળવવો.
- કુદરતને પોતાને પ્રચંડ પ્રવાહોને મોકલવા કોઈ તારની જરુર નથી પડતી. તાર વીના ચલાવી શકવાની આપણી અશક્તી જ તાર વાપરવાની આપણને ફરજ પાડે છે.
- અજ્ઞાન અને સંપુર્ણ જ્ઞાન બન્નેમાં જ્ઞાતાની સ્થીતી સરખી જ હોય છે, પરંતુ એ બન્ને અવસ્થામાં ઘણો ઘણો ફેર છે.
- ઈશ્વર ગુરુઓનો પણ ગુરુ છે અને ૐ તેનો બોધક શબ્દ છે.
- નવા વીચારો અને નવી ઘટના મગજમાં નવા ચીલા પાડે છે, તેને ખળભળાવી મુકે છે; અને મન એને સ્વીકારવાની ના પાડે છે.
- યોગની સચ્ચાઈ વીશે શંકાશીલ હોય તે થોડા અભ્યાસ પછી અનુભવે તેની શંકાઓ મટી જશે.
- તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનને ‘ક્રીયાયોગ‘ કહે છે.
- ધારણા, ધ્યાન અને સમાધી એક જ વસ્તુ પર કરવામાં આવે, ત્યારે તેને ‘સંયમ‘ કહે છે.
ધ્યાનના પ્રકારો: ————————————-
- ભ્રુકુટી મધ્યે આજ્ઞાચક્રમાં
- હ્રદયની કમળરુપે કલ્પના કરો અને ધ્યાન કરો
- મનને હજાર પાંખડીનું કમળ ધારી એનું ધ્યાન
- હ્રદયમાં જ્યોતીરુપે આત્મા અને તેની મધ્યે પરમ જ્યોતી ધારીને ધ્યાન કરો
- કોઈ પણ પરમાણુથી માંડી પરમ મહત સુધી મનગમતી અને પવીત્ર વસ્તુ પ્રત્યે ધ્યાન કરો
જાપ અને પ્રાણાયામમાં સહાયભુત મંત્રો: —————————-
1. ૐ
2. સોડ્મ
3. ૐ તત સત ૐ
4. ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ
સરળ રાજયોગ 2 Sep 09, 2007
આજે હું મારા અનુભવોની વાત કરીશ. આ અનુભવો જે મારા રાજયોગની સાધનાનું પરીણામ છે. અને તેની સચ્ચાઈની ખાતરી હું કરાવી શકું તેમ નથી, પરંતુ આપને જાતે જ પ્રયોગો કરીને અનુભવ મેળવવા કહી શકું. આપની સાધના અને વ્યક્તીત્વ મુજબ અનુભવોમાં થોડાં ફેરફાર હોઈ શકે છે.
સૌ પ્રથમ હું જે રોજ કરું છું તે જણાવું. મેં ઘણીબધી વાર વાંચ્યું છે કે, આધ્યાત્મીક અનુભવો પોતાના પુરતા સીમીત રાખવાં. પરંતુ, હું માનું છું કે કોઈ તે સ્વીકારે કે ના સ્વીકારે, તેને જાહેર કરવાં જ જોઈએ, તેમાં ગોપનીયતા જેવું કાંઇ છે જ નહીં. શું આપણે વૈજ્ઞાનીક પ્રયોગોનાં તારણો છુપાવીને રાખીએ છીએ? આ જ વાતનું સમર્થન સ્વામી વીવેકાનંદને વાંચતાં થયું, એટલે એ વીચારોને પુષ્ટી મળી, અને હવે તમારી સમક્ષ સઘળું ઠાલવી રહ્યો છું. મને તમારી ટીકાઓ અને ટીપ્પણીઓની આવશ્યક્તા રહેશે. મારી સાધના મારી પોતાની છે, તમે એમાં તમને યોગ્ય લાગે તે ફેરફાર કરીને પાલન કરી શકો છો, પરંતુ તમારા અંતરાત્માને પુછેને!
સતત ‘ૐ તત સત ૐ’ નો માનસીક જાપ હું કરતો જ રહું છું. ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં, અહર્નીશ; જ્યારે પણ મન નવરું પડે કે ‘ૐ તત સત ૐ’. કોઈ પણ ક્રીયા કરું, ગમે તેટલી સારી-નરસી, એ સર્વે ‘મા’ને અર્પણ કરીને જ કરું છું. અને સાથે ‘ૐ તત સત ૐ’ તો ખરું જ. કોઈ પણ પરીસ્થીતીને સ્વીકારીને ચાલવાં પ્રયત્ન કરું છું. ‘મા’ પ્રત્યે સંપુર્ણ સમર્પણ કરવાનો પ્રયત્ન કરું છું. પ્રાર્થના, ભજન, આરતી વગેરેનો આનંદ માણું છું.
દરેક યમો અને નીયમોનું પાલન કરવાં નીષ્ઠાપુર્વક પ્રયત્ન કરું છું.
દરરોજ સવારે સુર્યનમસ્કારનાં 5 ચક્રો કરું છું. આંખની કસરત નીયમીત કરું છું (જે મારા વ્યવસાય માટે ખુબ જ ઉપયોગી છે). ચહેરો હલાવ્યાં વગર આંખોને 5-5 વાર ડાબે-જમણે, ઉપર-નીચે, ડાબી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, જમણી બાજુથી ત્રાંસમાં ઉપર-નીચે, ઘડીયાળના કાંટાની દીશામાં ચક્રાકારે, ઘડીયાળના કાંટાની વીરુધ્ધ દીશામાં ચક્રાકારે ફેરવવી. 5 વખત જોરથી ઉઘાડ-બંધ કરવી. 5 વખત ખુબ જ નજીકની વસ્તુને 5 સેકંડ માટે જોઈને તરત જ 20 ફુટ દુરની વસ્તુને 5 સેકંડ સુધી જોવી.
ન્હાતી વખતે એવી ભાવના કરું કે પાણી મારી અશુધ્ધીઓને દુર કરીને મને પવીત્ર કરી રહ્યું છે. એ પાણીમાં ગંગા/યમુના/સરસ્વતી/સીંધુ/નર્મદા/ગોદાવરીનો સંગમ થયો છે; એવી ભાવના કરું.
ન્હાયા બાદ, ઘરનાં મંદીર સમક્ષ પદ્માસનમાં બેસું. સૌપ્રથમ નાડી શુધ્ધી કરું. ‘ૐ તત સત ૐ’ જપતાં ખુબ જ ઉંડો શ્વાસ લઉં અને પછી ધીરે-ધીરે છોડું. એક શ્વાસોચ્છવાસમાં લગભગ 15 સેકંડ થાય એટલો સમય રાખું. આવાં 4 ઉંડાં શ્વાસ લઉં. ત્યારબાદ, પુરેપુરો શ્વાસ બહાર કાઢી, જમણા હાથના અંગુઠાથી જમણું નસકોરું બંધ કરી ઉંડો શ્વાસ ભરી લઉં, અને તરત જ અનામીકા અને તર્જની આંગળીઓ વડે ડાબું નસકોરું બંધ કરી પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વડે કાઢી નાંખું. તરત જ જમણાં નસકોરા વડે ઉંડો શ્વાસ લઈ, અંગુઠા વડે જમણું નસકોરું બંધ કરીને, ડાબા નસકોરાં વડે બહાર કાઢું. આ પ્રક્રીયા ચાર વખત કરું.
નાડીશુધ્ધી બાદ, આંતરીક કુંભક કરું. જમણું નસકોરું બંધ કરી ડાબાં નસકોરાં વડે ચાર વખત ૐ જપતાં ઉંડો શ્વાસ ભરાય તેવું કરું. પછી સોળ સેકંડ સુધી ૐ જપતાં શ્વાસને રોકી રાખું અને એવો ભાવ કરું કે મગજમાંથી શક્તી કરોડરજ્જુનાં મુળમાં આઘાત કરી રહી છે. ત્યાર બાદ આઠ વખત ૐ જપતાં પુરેપુરો શ્વાસ જમણાં નસકોરાં વતી નીકળી જાય તેવું કરું. ફરી 4-16-4 નું ચક્ર જમણેથી પુરક, આંતરીક કુંભક, ડાબેથી રેચક કરું. આ આખું ચક્ર 4 વખત કરું.
બાદમાં બાહ્ય કુંભક કરું. 4 ૐ માં ડાબા નસકોરાં વતી પુરક, 8 ૐમાં જમણાં નસકોરેથી રેચક અને 16 ૐમાં બાહ્ય કુંભક. આ જ પ્રક્રીયા હવે જમણેથી પુરક, ડાબેથી રેચક અને બાહ્ય કુંભક. આ આખું ચક્ર 4 વખત કરું.
ત્યારબાદ ‘મા’ની પ્રાર્થના કરું અને તેની પાસેથી ‘શાશ્વત પ્રેમ, હંમેશનું તેનું સાન્નીધ્ય અને તેની અનન્ય ભક્તી’ માંગું. ગુરુજનોને વંદન કરું અને તેમની પાસેથી ‘મા’ની અનન્ય ભક્તે, અહર્નીશ સાન્નીધ્ય અને અનંત પ્રેમ માંગું.
ગાયત્રી મંત્ર ‘ૐ ભુર્ભુવઃ સ્વઃ ૐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત ૐ’ નો સસ્વર જાપ કરું. સાતેય ચક્રોમાં ૐનો માનસીક જાપ કરતો ફરી વળું. મુળાધાર (કરોડનો છેડો), સ્વાધીશ્ઠાન (પ્રજનન અવયવનો છેડો), મણીપુર (નાભી), અનાહત (મધ્ય હ્રદયે), વીશુધ્ધ (કંઠ મધ્યે), આજ્ઞા (બે ભ્રુકુટી વચ્ચે), સહસ્ત્રાર (મસ્તકની ટોચે, શીખામુળે) ૐનો આઘાત કરું.
મને પોતાને બ્રહ્માંડનું કેંદ્ર ધારી, ‘ૐ તત સત ૐ’ જપતાં મારી આગળની દીશાથી જમણી બાજુની દીશામાં (90 અંશ) ફરતાં ગોળાની કલ્પના કરી પ્રાર્થના કરું “સર્વેનું કલ્યાણ થાઓ, સર્વેને સુખની પ્રાપ્તી થાઓ, સર્વેને શાંતી પ્રાપ્ત થાઓ, સર્વે નીરોગી રહો, સર્વેને માની ભક્તી પ્રાપ્ત થાઓ’. વળી 90 અંશ, મારી જમણી દીશામાંથી ફરતાં પાછળની દીશામાં ફરતાં ‘ૐ તત સત ૐ’ જપતાં ગોળાની કલ્પના કરી એ જ પ્રાર્થના કરું. આમ જ, પાછળની દીશામાંથી ડાબી બાજુની દીશામાં અને ડાબી બાજુની દીશામાંથી આગળની દીશામાં આવું અને બ્રહ્માંડને પુર્ણ કરું.
ત્યારબાદ, હ્રદયાકાશમાં રહેલ આત્મજ્યોતીની કલ્પના કરું અને તેની પણ મધ્યે રહેલાં પરમ જ્યોતી રુપ ‘મા’ની કલ્પના કરી પ્રાર્થના કરું કે, ‘મને તારું શાશ્વત સાન્નીધ્ય, અનંત પ્રેમ અને અનન્ય ભક્તી આપ’.
પછી, ધીરે-ધીરે ભ્રુકુટી મધ્યે (આજ્ઞાચક્રમાં) એકાગ્રતા મેળવી, કોઈ જ જાપ વગર અવલોકન કરું. મનમાં ઉઠતાં તરંગોને નીહાળવાં પ્રયત્ન કરું અને એમાં જોડાવાથી દુર રહું. જેટલો સમય રહી શકાય તેટલો રહું. બાદમાં આંખો ખોલીને નીચેના મંત્રોનું ઉચ્ચારણ કરું.
ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વીચ્ચે ૐ ॥
ૐ ઐં હ્રીં ક્લીં સૌં શ્રીં ૐ ॥
ૐ હ્રીં બલે મહાદેવી હ્રીં મહાબલે, ક્લીં ચતુર્વિધપુરુષાર્થ સિધ્ધિપ્રદે, તત સવિતુર્વરદાત્મિકે હ્રીં વરેણ્યં ભર્ગો દેવસ્ય વરદાત્મિકે, અતિબલે સર્વદયામૂર્તે બલે સર્વ ક્ષુદભ્રમોપનાશિનિ ધીમહિ, ધિયો યો નો જાતે પ્રચુર્યઃ યા પ્રચોદયાદાત્મિકે, પ્રણવશિરસ્કાત્મિકે હું ફટ સ્વાહા ૐ ॥ (બલાતિબલા મહામંત્ર) (આ મંત્રની ક્યારેક ચર્ચા કરીશું.)
પછી, કોઈ પણ ધાર્મીક પુસ્તકનાં ચાર પાનાંનું વાંચન કરું.
સાંજે કામેથી આવ્યાં બાદ પણ, નાડીશુધ્ધી, બાહ્ય કુંભક, આંતરીક કુંભક, પ્રાર્થના અને ધ્યાન કરું.
વર્ષ દરમ્યાન ક્યારેક માત્ર લીંબું નીચોવેલાં પાણી પર જ આખો દીવસ રહી ઉપવાસ કરું. એક સંપુર્ણ દીવસનાં મૌનવ્રતનું પાલન કરવું પણ હવે શરું કર્યું છે.
આ સાધનાથી મને થયેલો અનુભવો હવે જણાવું છું. ક્યાંય કશી પણ અતીશયોક્તી નથી કે મને મહત્વ આપવાની કોશીશ નથી કરી રહ્યો. પરંતુ જે થયું માત્ર અને માત્ર તેને જણાવવાના હેતુસર આ એક સન્નીષ્ઠ પ્રયાસ છે.
મને નાનપણથી વર્ષમાં 4-5 વાર શરદી, તાવ વગેરે આવતાં હતાં. હવે શરદી તો સંપુર્ણ ગાયબ થઈ ગઈ છે (અમેરીકા આવ્યાં પછી પણ મને 3 વર્ષ આ તકલીફ રહી છે, પરંતુ ઉપર જણાવેલ પધ્ધતીનું ચુસ્ત પાલન કરવાથી આ ફેરફાર થયો છે.). તાવ પણ ક્યારેક નામનો અને એ પણ વર્ષે એક વાર દેખા દે છે. શરીરમાં ઘણી ઘણી સ્ફુર્તી અનુભવું છું. શારીરીક રીતે વધારે ચપળ અને સુસજ્જ રહું છું. શરીરનું બંધારણ લગભગ જળવાઈ રહ્યું છે, ચરબી નામ પુરતી જ રહી છે. શરીર સુડોળ રહ્યું છે, અને માનસીક શાંતીનો સતત અનુભવ રહે છે.
ઊંઘ ખુબ જ ગાઢ થઈ ગઈ છે. સ્વપ્નો ક્યારેક જ આવે છે, અને એ પણ એવાં આવે છે કે જેમાં હું અજબ-અજબનાં સંસ્કૃત શ્લોકો બોલતો હોઉં છું. આ બધાં શ્લોકો જાગ્યાં પછી યાદ નથી રહેતાં. અને મેં ક્યારેય વાંચ્યાં હોય એવું પણ મારી જાણમાં નથી. ક્યાંક સાંભળ્યાં હોય તેવો પણ સંભવ નથી. મને સંસ્કૃત શબ્દોનો અર્થ લગભગ ખ્યાલમાં આવી જતો હોય છે, પરંતુ આ બધાં શ્લોકોમાંથી સમખાવાં પુરતું પણ મને કશું ખબર નથી પડતું.
જ્યારે જ્યારે મનમાં ઘણાં વીચારોનો ઉદ્ભવ થાય તે જ ઘટના થોડા દીવસ પછી ઘટી હોવાનો અનુભવ તો અનેકગણી વાર થયો છે (છતાં આ બાબતને હું ચર્ચાસ્પદ માનું છું.).
ધ્યાન વખતે મને શરુઆતમાં આજ્ઞાચક્રમાં જુદાં જુદાં રંગનાં વમળો દેખાતાં હતાં. પરંતું થોડાં અભ્યાસ પછી, હવે તો માત્ર નાનું શું ઘેરાં ભુરાં રંગનું વર્તુળ જ દેખાય છે, અને દરેક વીચારો તે વર્તુળમાં સમાઈ જતાં દેખાય છે. આ વર્તુળ મને ખુબ ખુબ ખુબ શાંતી અને આનંદનો અનુભવ કરાવે છે.
બે વખત મને શરીર અને મન અલગ અલગ હોવાનું અને મન કેવી રીતે શરીરનું સંચાલન કરે છે તેવો અનુભવ થયો છે. એક વાર, મને મૃત્યુ પછી આત્મા આ જગતને કેવું દેખે છે તેવો અનુભવ પણ થયો છે.
શરુઆતનાં અભ્યાસ પછી, ધ્યાનમાં બેસું ત્યારે નાનો સરખો પણ અવાજ મારાં મન પર ઘણ પડતો હોય અને મને હલબલાવી દે તેવો લાગતો. હવે, કોઈ પણ અવાજ અસર નથી કરી શકતો.
હવે, આગળ ઉપર શું થાય છે જોઈએ. પણ, મને મારું ધ્યેય તો લાધી જ ગયું છે: ‘મા’નો અનન્ય પ્રેમ, શાશ્વત સાન્નીધ્ય અને તેની ભક્તી! એ સીવાયનું બધું જ માત્ર અને માત્ર ધેય સુધી પહોંચવાનું સાધન છે.