20140526

દેશના નવા PM નરેન્દ્ર મોદીનો દબદબો આવો હશે


- મનમોહનને મળતું એસપીજી સુરક્ષાકવચ હવે મોદીને

- દર મહિને ૧ લાખ ૬૦ હજારનો પગાર

નવી દિલ્હી, તા. 26 મે, 2014

કોંગ્રેસના મનમોહનસિંહે શનિવારે વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. હવે ટૂંક સમયમાં નરેન્દ્ર મોદી દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ સાથે જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેના તમામ લાભ-ભથ્થા-સલામતી મળવાનું શરૃ થઇ જશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એનડીએએ ૧૬મી લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતી સાથે વિજય મેળવ્યો હતો. આ વિજય મળ્યો તેના ગણતરીના કલાકમાં જ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનને અપાતી એસપજીની સુરક્ષા પૂરી પાડવાનું શરૃ પણ થઇ ગયું છે.
બેઝિક - ૫૦૦૦૦
સત્કાર ભથ્થું - ૩૦૦૦
મતક્ષેત્ર માટે ફંડ - ૪૫૦૦૦
દૈનિક ભથ્થુ - રોજના બે હજાર - ૬૨૦૦૦


* * * * *
દર મહિને ૧ લાખ ૬૦ હજારનો પગાર
વડાપ્રધાનને બેઝિક તરીકે રૃપિયા ૫૦ હજારનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત મહિને રૃપિયા ૩ હજાર સત્કાર ભથ્થું, રૃપિયા બે હજાર પ્રતિદિન લેખે મહિને રૃપિયા ૬૨ હજાર, મતક્ષેત્ર માટે ફંડ રૃપિયા ૪૫ હજાર આપવામાં આવે છે. આમ, વડાપ્રધાનને દર મહિને રૃપિયા ૧ લાખ ૬૦ હજારનો પગાર મળતો હોય છે.

* * * * *
ભૂતપૂર્વ વડાપ્રધાનને મહિને ૨૦ હજારનું પેન્શન
ભૂતપૂર્વ વડાપ્રધાનને દિલ્હી ખાતેના વૈભવી એવા લુત્યેન્સમાં કોઇ પણ ભાડું ચૂકવ્યા વિનાનો આજીવન બંગલો મળે છે. દર મહિને રૃપિયા ૨૦ હજારનું પેન્શન અપાય છે જેમાં સમયાંતરે પુનઃ મૂલ્યાંકન થતું રહે છે. પદથી પરથી વિદાયના પાંચ વર્ષ સુધી ૧૪ સેક્રેટરીની ટીમ મળે છે. પાંચ વર્ષ બાદ એક પીએ અને પટ્ટાવાળો રાખી શકે છે. દેશમાં કોઇ પણ સ્થળે ટ્રેનમાં, વર્ષમાં છ વાર ડોમેસ્ટિક ફ્લાઇટના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી નિઃશુલ્ક પ્રવાસ કરી શકે છે. પ્રથમ પાંચ વર્ષ વડાપ્રધાન સમકક્ષ જ ઓફિસ ખર્ચ અપાય છે. આ પછી ઓફિસ ખર્ચ માટે વાર્ષિક રૃપિયા ૬ હજાર આપવામાં આવે છે. પદ પરથી વિદાયના એક વર્ષ સુધી એસપીજી દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે.

* * * * *
ફાઇવ સ્ટાર સુવિધા ધરાવતા વિમાન
વિદેશમાં જવા માટે એર ઇન્ડિયા વનનું બોઇંગ ૭૪૭-૪૦૦ હોય છે. આ ફ્લાઇટનો નંબર કાયમ AI 1 હોય છે. આ પ્લેનમાં વડાપ્રધાન માટે બેડરૃમ, લોન્જ, છ લોકો બેસી શકે તેવી ઓફિસ તેમજ એસએટી ફોન ધરાવતા સ્યૂટ હોય છે. ફ્લાઇટ દરમિયાન ૮ પાઇલોટ શોર્ટલિસ્ટ કરવામાં આવે છે અને તેમાંથી છેલ્લે ચાર ઉપર પસંદગી ઉતારવામાં આવે છે. આ પ્લેનમાં શસ્ત્રો પણ રાખવામાં આવે છે. પાલમ એર ફોર્સ સ્ટેશનથી ફ્લાઇટ ઉપર સતત નજર રાખવામાં આવે છે. વડાપ્રધાનની મુસાફરીના એક સપ્તા અગાઉ ફ્લાઇટને એસપીજી કવર આપી દેવામાં આવે છે. દેશમાંને દેશમાં જવા માટે રાજદૂત, રાજહન્સ, રાજકમલ એમ ત્રણ વીવીઆઇપી બોઇંગ બિઝનેસ જેટ હોય છે. પાંચ હજાર કિલોમીટર ઉડવાની ક્ષમતા ધરાવતા આ પ્લેનમાં મિસાઇલનો સામનો કરવાની વ્યવસ્થા તેમજ સેટેલાઇન ફોનની વ્યવસ્થા હોય છે. આ પ્લેનમાં વડાપ્રધાન માટે ઓફિસ, બેડરૃમ હોય છે.

* * * * *
અદ્યતન સુરક્ષાવ્યવસ્થા સાથેનો કાફલો

વડાપ્રધાનના કાફલામાં મહત્વનું અંગ એટલે કાળા રંગની મર્સિડિઝ. અદ્યતન સુરક્ષા સાથેની કાળા રંગની બી-૭ આર્મર્ડ ૨૦૦૯ બીએમડબલ્યુ સેવન સિરીઝમાં વડાપ્રધાન મુસાફરી કરતા હોય છે. આ કારની વિશેષતા એ છે કે તે તાપમાન આધારિત છોડાતી મિસાઇલ કે ફોડવામાં આવતા બોમ્બ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત ગેસ હૂમલાથી બચાવવા ગેસ પ્રૂફ ચેમ્બર પણ કારમાં હોય છે.એવા પ્રકારની ઇંધણની ટાંકી હોય છે કે નુકસાન થાય તો પણ તેમાં વિસ્ફોટ થતો નથી. જામર સાથેની ટાટા સફારી, 5 આર્મર્ડ બ્લેક BMW X5s, મર્સિડિઝ એમ્બ્યુલન્સ સહિત ચાર કાર પણ તેમાં સામેલ હોય છે.