ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે
ઘરનાં તો જો કે વાસી દીધેલાં કમાડ છે,જોવી જ હો દશા તો ભીંતોમાં તિરાડ છે.
અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.
બળતી બપોરે રણમાં બીજું તો શું સાંભરે?
આવે છે યાદ એ જ બગીચામાં ઝાડ છે.
લેવો જ પડશે મારે બુલંદીનો રાહ પણ,
મારી નજરની સામે દુઃખોનો પહાડ છે.
આ સુખનાં સોણલાં એ ફક્ત સોણલાં નથી,
મારા ભવિષ્યમાંથી કરેલો ઉપાડ છે.
મરનારનાં ય જૂથ જુદાં હોય છે અહીં,
’બેફામ’ એટલે તો કબર ફરતી વાડ છે.
- બેફામ
અહીં જે તેજ દીવામાં રહે છે
અહીં જે તેજ દીવામાં રહે છે,તિમિર એનું ધુમાડામાં રહે છે.
મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.
છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.
જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.
ગયાં સંતાઇ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.
હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વૃક્ષ તડકામાં રહે છે.
ઉઘડતાં આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.
ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.
ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.
મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?
- બેફામ
નથી શકતો
હરદમ હું કર્યા કરતો હતો જેમની વાતો,જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,
ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,
જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,
બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,
ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.
- બેફામ
લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી,એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.
ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.
બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી ડીધી.
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,પણ ઊભા રહી અમે ના કોઈ ને નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતવી દીધી.
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તનહાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’, એને આખી કહાણી સુણાવી દીધી.
દિલ જવા તો દીધું કોઈન હાથમાં,દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હટી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.
જીવતાં જે ભરોસો હતો ઈશ પર,એ મર્યા બાદ્ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મરી ભલે ને તરાવી નહીં,લાશ મારી પરંતુ તરાવી દીધી.
- બેફામ
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.
નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.
બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.
વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,
બતાવે છે મનુષ્યો એ દયા સારી નથી હોતી.
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
- બેફામ
મરણ પર મક્તા – ‘બેફામ’
છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)
કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,
મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)
આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)
રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)
મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,
જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)
જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,
તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)
બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)
- from gunjarav.com
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.
નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
- બરકત વીરાણી ‘બેફામ’
તઝમીન – મોહમ્મદ અલી “વફા”
તઝમીન એટલેતઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
- ડો. રશીદ મીર
——————————————————————————-
લાખ ચિંતામાં છું હું કોને મળું?આહ્રદયનો ભાર હુઁ કોને ધરુઁ
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- મરીઝ
બોઝિલ છે એ વાતને કોને કહુઁ?
કાઁધપર નિજ બોજ લઇ હુઁ તો ફરુઁ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યુંઆંખો કદી મારી રડી હૈયુઁ કદી મારુઁ રડ્યુઁ,
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
- બરકત વીરાણી ‘બેફામ’
જે શોધતા રહ્યાતા અમે એ કયાઁ કદી મળ્યુઁ.
રસ્તાતણી ઠોકરમહીઁ પણ ના કશુઁ જડ્યુઁ
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
જનાબ ‘રાઝ’ નવસારવી
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે.
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે.
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં
- મોહમ્મદ અલી,વફા,
——————————————————————————-
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
જનાબ અમૃત ‘ઘાયલ’
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
- મોહમ્મદ અલી,વફા,