20140526

એક ટેબ્લેટ સૈનિકને બનાવશે સુપર-સર્વાઈવર


- હોસ્પિટલે પહોંચાડવા જેટલો સમય સૈનિક જીવી શકે તે માટે શોધાઈ રહેલ છે ગોળી અને ઇન્જેકશન
- લડાઈના મેદાનમાં લોહી ચઢાવવું કેવી રીતે ?
- લડાઈના મેદાનમાં લોહીની જથ્થાબંધ બોટલો કે સેલાઇન બોટલો લાવી શકાય નહીં. ત્યાં બ્લડ બેંક ઉભી કરી શકાય નહીં સૈનિકને હોસ્પિટલે પ્હોંચાડાય ત્યાં સુધી જીવાડવો કેવી રીતે ? હોસ્પિટલે પ્હોંચાડવાની વ્યવસ્થા થાય તે પહેલાં ૯૦ ટકા મૃત્યુ થાય છે
 
યુધ્ધના મેદાનમાં ઘવાયેલા સૈનિકોને લાંબા સમય સુધી કોઇ પણ જાતની તબીબી સારવાર વિના પડયા રહેવું પડતું હોય છે. જો તેમને તબીબી સારવાર મળી જાય અથવા તો તબીબી સારવાર ઉપલબ્ધ થાય તેટલો સમય તેઓ બચી જાય તો પછી તેમને બચાવી શકાય તેવી પૂરી સંભાવના હોય છે. યુધ્ધમાં ઘવાયેલા કે દૂર દરાજના જંગલોમાં આતંકવાદી વિરોધી કાર્યવાહીમાં સખત રીતે ઘવાઈને મદદ વગર પડયા રહેતા સૈનિકોના ૯૦ ટકા મૃત્યુ તબીબી સારવારની સુવિધા સ્થળે પહોંચે તે પહેલા થતાં હોય છે. આ મૃત્યુના ૫૦ ટકા મૃત્યુ તો લોહી ગુમાવવાથી થતાં હોય છે. કેટલાક ભાગ્યશાળી સૈનિકો જ મોટા પ્રમાણમા લોહી વહી જવા છતાં બચી જતાં હોય છે. તેમને જે ઘા પડયા હોય છે તેવા ઘા અન્યોને મૃત્યુની શૈયામાં પોઢાડી દે છે. હવે એવી દવા શોધાયેલ છે તે કોઇપણ ઇજાગ્રસ્ત વ્યકિતને સુપર સર્વાઇવર બનાવે છે. તેને ગુજરાતીમાં અતિજીવિતા કહી શકાય. આ દવા કેટલીક જૈવિક યંત્રણાને બંધ થઈ જતી અટકાવે છે.

અલબત્ત આ દવાની કસોટી હજુ સુધી તો પ્રાણીઓ પર કરવામાં આવી છે. જો માનવી પર તેના જેવી જ તે દવા અસરકારક નીવડે તો ભયાનક ઇજા પામેલ વ્યકિતને બચવાની શકયતા ઘણી જ વધી જાય છે. ખાસ કરીને સૈનિકોને બચવાની સંભાવનામાં ઘણો જ સુધારો થાય છે. આ દવાના કારણે હોસ્પિટલ પહોંચે ત્યાં સુધી તેમનું જીવન લંબાવે છે.

યુધ્ધના મેદાનની કે લડાઇના મેદાનમાં થતી ઇજાના કારણે લોહીનું વહી જવું તે મોટી સમસ્યા છે. અને આવી વ્યકિતને લોહી આપવું (બ્લડ ટ્રાન્સીફયુજન) તે ઉત્તમ ઉપચાર છે. જો કે વહી ગયેલા પ્રવાહીના સ્થાને સેલાઇન (લવણીય પ્રવાહી) આપવાથી મદદ મળી શકે. પરંતુ લોહી આપવા માટે લોહી કે સેલાઇનને મોટા જથ્થામાં લઇ જવા મુશ્કેલ છે. તમે આખે આખી બ્લડ બેંકને લડાઇના મેદાનમાં લઈ જઇ શકો નહીં. તેથી એવી શોધની તલાશ છે જે કાં તો ગોળીરૃપે હોય કે ઇન્જેકશન રૃપે હોય. તે લેવાથી ઘવાયેલ વ્યકિતને હોસ્પિટલે પહોંચાડવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે.

જયારે શરીર મોટા પાયે લોહી ગૂમાવે છે ત્યારે તેની ક્ષતિપૂર્તિ કરવા તે આઘાતમાં સરી પડે છે. તે ડઘાઈ જાય છે. તેને શોક લાગે છે. તેમાં શરીર પોતે શ્રેણીબધ્ધ તત્કાલીન પગલા લે છે. તે પગલામાં લોહીનું દબાણ વધારે છે અને શરીરની ઉર્જાનો સંચય કરે છે. તેથી હૃદયના ધબકારાનો દર વધી જાય છે અને કેટલાક પ્રોટીનની અભિવ્યકિત અટકાવી દે છે. તેમ કરતા ંતેના શરીર ઊર્જાનો સંચય કરે છે. પરંતુ જો શરીર આઘાતમાં (શોકમાં) થોડા સમય કરતાં વધારે રહે તો તેના કારણે શરીરના અવયવો કામ કરતાં બંધ થઇ જાય છે. અને તે પછી તુરત જ મૃત્યુ નીપજે છે.

તાજેતરના અભ્યાસો સૂચવે છે કે ૬ થી ૭ ટકા જેટલા જનીનો આઘાતના પ્રભાવ નીચે તેની અભિવ્યાપ્તિ બદલાવે છે.

આપણે જાણીએ છીએ કે જનીનો આપણાં આનુવાંશિક લક્ષણો કે વારસાગત લક્ષણો છે. આપણો માતાના ઉદરમાં આરંભ થાય છે ત્યારે આપણે માત્ર સુક્ષ્મ કોષ રૃપે જ હોઈએ છીએ. પણ કોષ તો જીવનનું એકમ છે. તે એક બાયોકેમિકલ ફેકટરી હોય છે. તેના મુખ્ય ત્રણ વિભાગો છે. ૧. કોષકેન્દ્ર એટલે ન્યૂકિલયસ (૨) કોષરસ એટલે કે સાયટો પ્લાઝમ (૩) કોષ કવચ. કોષના ન્યૂકલિયસમાં ડીએનએ નામનો લાંબો વળાંક લેતી નીસરણી જેવો અણુ હોય છે. તેને આપણે અંગ્રેજીમાં ડબલ હેલિકસ કહે છે. આ અણુ જ આપણાં જીવનની કિતાબ છે. કિતાબમાં અર્થસભર વાકયો અથવા વાકયરચનાઓ છે તેને જનીન કહે છે. આ જનીનોમાં સંકેતો છુપાયા હોય છે. તે સંકેતો ઉકેલાતા જાય તેમ કોષરસમાંથી વિવિધ પ્રોટીન બને છે અને કોષક દ્વિભાજન થાય છે. એક કોષમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ એમ સંખ્યાવૃધ્ધિ થાય છે. પુખ્ત વયની વ્યકિતનું શરીર સાઠ હજાર અબજ કોષોનું બનેલું હોય છે. (અહીં કોષની સરળ સમજૂતિ આપી છે. રંગસૂત્રો વગેરેની ચર્ચા કરી નથી)

ઉપર જણાવ્યા પ્રમાણે ૬ થી ૭ ટકા જનીનો આઘાતના પ્રભાવ નીચે તેની અભિવ્યકિત બદલાવે છે. બીજી રીતે કહીએ તો આ જનીનો પોતાની શૈલી એટલે કે અભિવ્યકિત બદલાવે છે. તેનો આ બદલાવ પશ્ચજાત (એપિજીનેટિક) દૂર થવાથી થાય છે. પશ્ચજાત (એપિજીનેટિક) આપણી આનુવાંશિકતાના લેખ સમાન સંજનીન (જેનોય) માં રાસાયણિક ઉમેરણો છે. (આપણા કોષમાં ડીએનએ અણુ દ્વારા દર્શિત કુલ આનુવંશીય માહિતીને સંજનીન કહે છે. આ માહિતી જનીનો રૃપે હોય છે. આપણાં સંજનીનમાં ત્રીસથી પાંત્રીસ હજાર જનીનો હોય છે). આ રાસાયણિક ઉમેરણોનું નામ એસીટાઇલેશન છે. આપણી પાસે એ જાણકારી છે કે હિસ્ટોન ડીએસીટાલેઝ નામની દવા એસીટાઇલેટાન રસાયણોને દૂર થતાં રોકે છે. તેથી બોસ્ટનની મેસેયુસેટસ જનરલ હોસ્પિટલના હાસન આલમના મતે આ દવા ૬ થી ૭ ટકા જનીનની અભિવ્યાપ્તિમાં જે બદલાવ આઘાતના પ્રતિભાવ રૃપે આવે છે તેને રોકી શકે અને તે રીતે લોહી ગૂમાવ્યા પછી જીવિત રહેવાની તકોમાં સુધારો કરે છે.

હિસ્ટોન ડીએસીટાલેઝ જુથના રસાયણો નિરોધકો છે. તે પૈકી એક રસાયણ વેલ્પ્રોઇક એસિડ છે. તેનો ઉપયોગ વાઇ (એપિલેપ્સી) ના ઉપચાર માટે થાય છે. આ વેલ્પ્રોઇક એસિડના ઉપચાર ઘણુ બધું લોહી શરીરમાંથી ગૂમાવ્યા પછી ઉંદરોને જીવિત રાખવાનો દર વધ્યો હતો. આ ઉપચાર પછી વધારે ઉંદરો જીવિત રહી શકયા હતા. એવું લાગે છે વેલ્પ્રોઇક એસિડના ઉપચારથી લોહી ગુમાવ્યા પછી પણ બચવાના કેટલાક માર્ગો ખુલ્લા રહે છે. આમ કરવા માટે તે એસીટાઇલેશન નિશેધક ને અટકાવે છે.

હવે બોસ્ટનની મેસેચ્યુએટસ જનરલ હોસ્પિટલના હસ્સ આલમે ઉંદર પછી તે પ્રયોગ ડુક્કર પર કર્યો. તેમણે ડુક્કરોને એનેસ્થેસિયા આપી બેભાનાવસ્થામાં મૂકી દીધા. ત્યાર બાદ તેમના શરીરમાંથી ૬૦ ટકા લોહી ખેંચી લીધું એટલું જ નહીં તેમને બીજી પણ ઇજાઓ કરી. તે ડુક્કરો પૈકી કેટલાકને સેલાઇન ચઢાવવામાં આવ્યું. (સેલાઇન લવણીય પ્રવાહી છે. તે ૦.૯ ટકા સોડિયમ કલોરાઇડ એટલે કે નમકનું દ્રાવણ છે.) સેલાઇન બ્લડ પ્લાઝમાના વિકલ્પ તરીકે શરીરમાં ચઢાવી શકાય છે. આ ઉપરાંત કેટલાક ડુક્કરોને તેણે વેલ્પ્રોઇક એસિડ ઇન્જેકશન દ્વારા ચઢાવ્યું - કેટલાકને તેણે લોહી ચઢાવ્યું અને બાકીનાને કશુ કર્યુ નહીં.

આ ડુક્કરો પૈકી જેને સેલાઇન ચઢાવવામાં આવ્યું હતું તેમાંના માત્ર ૨૫ ટકા ચાર કલાક જીવિત રહ્યા. હોસ્પિટલે પહોંચાડવા માટે આટલો સમય ચાલી શકે. તેની સામે જેમને વેલ્પ્રોઇક એસિડના ઇન્જેકશન આપેલા તેમાંના ૮૬ ટકા જીવિત રહ્યા. જેમને લોહી ચઢાવવામાં આવ્યું હતું તેમાના બધાં જ જીવિત રહ્યા. પરંતુ આપણે અગાઉ જોયું તેમ લડાઇના મેદાનમાં મોટા પ્રમાણમાં બ્લડ બેંકમાંથી લોહી લાવી ચઢાવવું શક્ય નથી. તેવા સંજોગોમાં વેલ્પ્રોઇક એસિડ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે. સમયસરની સારવારના અભાવે મૃત્યુ પામતાં સૈનિકોને જીવિત રાખવામાં મદદરૃપ થઇ શકે. એલાઇન કે લોહીની તો બોટલો ચઢાવવી પડે જયારે વેલ્પ્રોઇક એસિડના તો ઇન્જેકશનની જરૃર પડે.

હસક આલમ વારંવાર આ પ્રયોગ કરી રહ્યા છે. તેઓ જાણવા માંગે છે કે વેલ્પ્રોઇક એસિડ લાંબા ગાળે અતિજીવિતા ને અટકાવે નહીં. જો તેમને હકારાત્મક પરિણામ મળશે તો માનવી પર ટ્રાયલ કરવા મંજૂરી માંગશે.

અગાઉ હસન આલમ અને તેની સંશોધકોની ટીમના અભ્યાસોએ બતાવ્યું હતું કે અભિઘાતીય લોહી ગુમાવવા છતાં કેટલાક ઉંદરો કુદરતી રીતે જ બચી જાય છે. આવા ઉંદરો તેમના જનીનની અભિવ્યાપ્તિમાં જે ઉંદરો ઉપરોકત કારણસર મૃત્યુ પામે છે કે બીજી ખામી થાય છે તેના કરતાં બહુ થોડા ફેરફાર થાય છે. હસન આલમના મતે માનવીને પણ આ તારણ લાગુ પડતું હોવું જોઈએ. કેટલાક લોકોનું અસહ્ય અપમાન કરવામાં આવે તો તેઓ સહન કરી શકતા નથી. જબરજસ્ત અપમાનના કારણે કેટલાક મૃત્યુ પણ પામે છે. જયારે કેટલાક એવા છે કે ભલભલા અપમાનને ગળી જાય છે અને હસી કાઢે છે. અને આગળ વધે છે. અહીં સવાલ એ થાય કે શારીરિક કે માનસિક અભિઘાત પ્રત્યે કેટલાક સંવેદનહીન કે ઓછા સંવેદનશીલ કેમ હોય છે. અભિઘાતના સંવેદન પ્રત્યે તેમનામાં અતિ અવરોધકતા જોવા મળે છે. આ માટે તેમનામાં સંવેદનના કયા માર્ગોનો ઉપયોગ કરે છે અને તેઓ કયા પ્રોટીનનો ઉપયોગ કરે છે તે શોધવાનું છે. પરંતુ હજુ એ જાણવાનું છે કે વેલપ્રોઇક એસિડ કેવી રીતે ખરેખરૃં જીવિતા લંબાવે છે.

જો આ સંશોધન સફળ થશે તો તે સિમાચિહન સંશોધન હશે. સંભવ છે કે તે ઇન્જેકશન રૃપે પણ પ્રાપ્ય બને અને ગોળી રૃપે પણ પ્રાપ્ય બને. જો એમ થાય છે લડાઇના મેદાનમાં શરીરના લોહીનો મોટા પાયે વ્યય થઇ જતાં મોતને ઘાટ ઉતરી જતાં સૈનિકોને બચાવી શકાય. જો એમ થાય તો સખત ઘવાયેલ કોઈ વ્યકિતને પરમ જીવિતામાં બદલાવી શકાય.