20140526

પ્રસૂતિ અર્થે પિયરમાં રોકાયેલી પરિણીતા મતદાન કરવા બે ટ્રેન બદલી વડોદરા સાસરે ગઇ

- ભરૃચથી વડોદરા મતદાન માટેની ટ્રેનયાત્રા

- સાત માસની સુતેલી બાળકી જાગી ત્યાં સુધીમાં મતદાન કરીને માતા ઘેર પાછી આવી

ભરૃચ,બુધવાર
પિયરમાં પ્રસૂતિ માટે રોકાયેલી પરિણીતા તેના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આજે વહેલી સવારે ટ્રેન દ્વારા ભરૃચથી વડોદરા ખાતે પહોચી હતી અને તેના પતિ સાથે મતદાન મથક પર પહોચી મતદાન કર્યુ હતું.
મતદાન કર્યા બાદ વળતી ટ્રેનમાં ભરૃચ પિયરમાં પહોચવા માટે રવાના થઇ ગઇ હતી. કારણ કે તેની સાત માસની બાળકીને તે તેની માતાના સહારે મૂકી મતદાન કરવા માટે સાસરે ગઇ હતી એમ તેના પતિએ જણાવ્યું હતું.
મતદાન જાગૃતિ અર્થે તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસોને પગલે મતાધિકારનો ઉપયોગ કેટલી હદે મહત્વનો છે. તેની ગંભીરતાનો ખ્યાલ અમને લાગતા લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવુ તેવો નિશ્ચિય અમે પતિ-પત્નીએ કર્યો હતો.  એમ ભરૃચના ભોલાવ વિસ્તારમાં ઝાડેશ્વર રોડ પર આવેલા મકતપુરાની જયોતિનગરમાં રહેતા જયેશભાઇ કનૈયાલાલ શાહની ૨૫ વર્ષીય પુત્રી મિતિષા કહે છે. મારૃ મતદાર તરીકેનું નામાંકન લગ્નબાદ વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ૧૪૨ વોર્ડ નં. ૧૪૨-૮૩માં કરાયેલું હોવાથી મારે વડોદરા જવું પડે તેમ હતું. દરમ્યાન પ્રસૂતિ અર્થે પિયરમાં ભરૃચમાં છેલ્લા સાત માસથી રોકાયેલી છું. ગતરાત્રે મારા પતિ સાથે થયેલી વાતચીત મુજબ હું આજે સવાર ૫.૪૫ વાગ્યે મારી સાત માસની પૂત્રીને તેની નાની- નાના પાસે મુકીને ભકતાણી ટ્રેન દ્વારા વડોદરા સ્ટેશન પર પહોચી હતી. ત્યાં મારા પતિ ચિરાયુ શાહ મને રીસીવ કરવા આવ્યા હતા. અમે બંને પતિ-પત્ની ગોરવા મારા સ્વસૂરગૃહ વિસ્તારમાં આવેલા મતદાન મથકે પહોચી મતદાન કરીને તુરંત જ પરત વડોદરા રેલ્વે સ્ટેશન પર પહોચ્યા હતા. મારી સાત માસની બાળકી ઉંઘમાંથી ઉઠી જાય તે અગાઉ મારે ભોલાવ પહોચવું જરૃરી હોવાથી પશ્ચિમ એક્ષપ્રેશ ટ્રેનમાં બેસીને સીધી ભરૃચ જવા નીકળી હતી.